Monday, January 3, 2011

શીલા કા બુઢાપા

શીલા કી જવાની નહીં પણ શીલા કા બુઢાપાનો આ કિસ્સો છે. અત્યારે શીલા કી જવાનીનું ગીત મશહૂર થઈ ગયું છે. મુન્ની બદનામ હો ગઈ એ ગીતને એણે પાછળ પાડી દીધું છે. લોકપ્રિયતામાં મુન્ની બદનામ હો ગઈ નીચે ઊતરી ગયું એથી ખરેખર મુન્ની બદનામ હો ગઈ એમ કહેવાય અને શીલા કી જવાનીની વાહ-વાહ થઈ ગઈ.

હેમેન્દ્રભાઈ શીલા કી જવાનીનું ગીત સાંભળે છે ત્યારે કહે છે કે આ ગીત અપ્રસ્તુત છે. તેમની પત્નીનું નામ શીલા છે. તે સીત્તેરે પહોંચવા આવ્યાં છે. એટલે ગીતમાં સુધારો સૂચવતાં કહે છે શીલા કી જવાનીને બદલે શીલા કા બુઢાપા ગીત હોવું જોઈએ.

શીલાબહેન જ્યારે જવાન હતાં ત્યારે હેમેન્દ્રભાઈ પણ જવાન હતા. બલકે એકાદ-બે વર્ષે નાના હતા. ‘જબ તૂમ હોગી સાઠ સાલ કિ મેં હોગા પચપન કા’ એવું તેમના કિસ્સામાં હતું. તે દંપતીએ જ્યારે પચ્ચીસી પૂરી કરી ત્યારે અવારનવાર ફિલ્મો જોવા જતાં અને જાણ્યું કે મુંબઈમાં એક ટોકીઝને મંદિરનું નામ અપાયું છે ત્યારે એ લોકો ફિલ્મો જોવા જાય ત્યારે પણ મંદિરે જઈએ છીએ તેમ કહેતાં!

જવાની કેટલાક અતિથિની જેમ અથવા તો અમુક રોગની જેમ કાયમ રોકાઈ જતી નથી. ‘જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે’ની જેમ જવાની એટલે શીલાની જવાની પણ જતી રહી છે.

હવે તે ટોકીઝરૂપી મંદિરે નહીં, પણ ખરેખર દેવસ્થાને મંદિરે જાય છે. દેખાદેખીથી મોટી ઉંમરે પણ મંદિરે જવું પડે છે. તમે કયા મંદિરે જાવ છો? એવા પ્રશ્નનો જવાબ નહીં આપી શકનાર વૃદ્ધજન અપરાધભાવ અનુભવે છે એટલે શીલા પણ જવાની બાદ મંદિરે રોજ જતી હતી.

મંદિરે રોજ જવાથી શાંતિ મળે છે એમ કહેવાય છે. સિંદબાદનું એવું તારણ છે કે વૃદ્ધાઓ રોજ મંદિરે જાય તો શાંતિ મળે પણ તેમને નહીં તેમની પુત્રવધૂઓને.

શીલાબહેન એક દિવસ, મતલબ કે એક સાંજે મંદિરે જવા નીકળ્યાં. ગલીમાં વળ્યાં કે બે યુવાનો તેમની તરફ આવતા દેખાયા. શીલાબહેનને યાદ આવ્યું કે તેઓ જ્યારે જવાન હતાં ત્યારે ઘણી વાર યુવાનો તેમની નજીક આવી જતા હતા. આ ઢળતી ઉંમરે અને ઢળતી સાંજે આ યુવાનો કેમ તેની નજીક આવી રહ્યા હશે? તેમ તેમણે વિચારવા માંડયું.

ત્યાં એક યુવાને કહ્યું, “માશી...”

શીલાએ યાદો કિ બારાતની ટેપ રિવાઈન્ડ કરવા માંડી યાદોને ફંફોસી જોઈ. પણ તેને એક પણ આવો ભાણિયો યાદ ન આવ્યો.

“મેં તમને ઓળખ્યા નહીં...” શીલાએ ત્રુટક ત્રુટક અવાજે તેની સામે નજર નોંધીને કહ્યું.

“બરાબર છે, હું પણ તમને ઓળખતો નથી પણ માણસાઈને નાતે ચેતવવા આવ્યો છું.”

“શું ભાઈ? શું થયું?”

“માશી, આગળ ખૂન થયું છે.”

શીલાબહેન ટીવી ઉપર પણ ખૂન જોતાં ગભરાઈ જતાં હતાં.

તુરંત તેમણે કહ્યું, “બાપ રે....”

“હા, માશી, આગળ ખૂન થયું છે. ત્યાં પોલીસ આવી છે. તમે દાગીના પહેરીને તે બાજુએ જાવ તે ઠીક નહીં.”

ખૂન, પોલીસ અને એમણે પહેરેલા દાગીનાને શું સંબંધ તેવું તે વિચારી ન શક્યાં. પોલીસ હોય તો પણ દાગીના પહેરીને ન જવાય તેવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થઈ ગઈ છે! એવું પણ એ વિચારી ન શક્યાં. તેમણે પૂછયું, “તો ભાઈ હું શું કરું?”

“માશી,તમે આ દાગીના કાઢીને તમારા પર્સમાં મૂકી દો એટલે વાંધો નહીં.”

શીલાએ એ પણ ન વિચાર્યું કે ખૂન થયું હોય ત્યાં દાગીના પહેરીને જવામાં કોઈ ગુનો બનતો નથી કે કોઈ હરકત તેમાં નથી. પણ સીત્તેરે શીલાએ જવાની અને બુદ્ધિ બંને ગુમાવી દીધા હતા. એણે તરત જ બંગડી, વીંટી, નેકલેસ કાઢીને પાકીટમાં મૂકવા માંડયા. પેલા સેવાભાવી ભાણિયા તેમની મદદે લાગી ગયા. એ મદદ તેમને મોંઘી પડી. પેલા ભાણિયાઓ દાગીના સાથેનું પાકીટ લઈને જતા રહ્યા. શીલાને બુઢાપામાં લાખ રૂપિયાની ખોટ ખમવી પડી.

વાઈડબોલ

“આતંકવાદીઓએ કાશીમાં બોમ્બ વિસ્ફોટ કર્યો.”

“કાશીનું મરણ આપણે ત્યાં ઉત્તમ ગણાયું છે. આતંકવાદીઓ જનતાને ઉત્તમ વસ્તુ મળે તેવી ભાવના રાખતા હશે!”

1 comment:

Tejas Gajjar said...

આપનો બ્લોગ મન ભરીને મણ્યો.આભાર!