Saturday, January 22, 2011

ચીયર લીડર્સનું વજૂદ


સંસદીય સમિતિના સભ્યો આશ્ચર્યમાં ગરકાવ છે. તેઓ વિચારે છે. ‘ચીયર લીડર્સ’ ક્રિકેટની પ્રગતિમાં શું મદદ કરી શકે? શા માટે ચીયર લીડર્સ આઈપીએલ ક્રિકેટમાં છે? આ સવાલ તેમણે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના હોદ્દેદારોને કર્યો. એ અધિકારીઓ ગેંગે ફેફે થઈ ગયા, એ લોકો ખુલ્લા પડી ગયા. (ચીયર લીડર્સનાં અંગોની જેમ) બોર્ડના એ હોદ્દેદારો સવાલથી ઝંખવાણા પડી ગયા. ઝીરો રનમાં ક્લીનબોલ્ડ થયેલા બેટ્સમેનની જેમ સંસદીય સમિતિના સભ્યો બગડયા હતા.

એ લોકોને લાગતું હતું કે ક્રિકેટમાં બેટ જરૂરી છે, બોલ જરૂરી છે, સ્ટમ્પ જરૂરી છે. રમવા માટે બોલને ફટકારવા માટે બેટ જરૂરી ગણાય. ઈન્ઝમામ જેવા તો બેટથી બોલ ફટકારવા સાથે ક્યારેક બેટ લઈ પ્રેક્ષક તરફ પણ ધસી જાય, (કેનેડામાં રમાયેલી મેચ યાદ હશે) બોલ પણ જોઈએ. બોલથી રન થાય, અને નો-બોલથી પણ રન થાય.

સ્ટમ્પ તો ક્રિકેટમાં નિશાન ગણાય. બોલર અને ફીલ્ડર બંનેનું નિશાન સ્ટમ્પ હોય. રન આઉટ કરવા ક્યારેક ફિલ્ડર સ્ટમ્પ તરફ બોલ ફેંકે તો નિશાન ચૂકી પણ જાય. ‘નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન’ એટલે એવા નિશાનચૂક માફ થઈ શકે. પણ કેટલાક બોલરોનું નિશાન બેટ્સમેનોનું માથું હોય છે. એ જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં નીચું નિશાન ગણાય.

સ્ટમ્પ પણ જરૂરી સાધન ક્રિકેટમાં છે. હવે તો સ્ટમ્પ દીવાલ જેવો છે. દીવાલને પણ કાન હોય છે તેમ હવે સ્ટમ્પને પણ માઈકરૂપી કાન હોય છે. જેમાંથી ક્રિકેટરોનો કકળાટ કે બબડાટ સાંભળી શકાય છે. ટૂંકમાં આ બધાં સાધનો ક્રિકેટમાં ‘મસ્ટ’ છે. જોઈએ જ. પણ માનનીય સંસદીય સભ્યોને ‘ચીયર લીડર્સ’ શા માટે છે તે સમજાતું નથી. આ ચીયર્સ લીડર્સની ક્રિકેટમાં કોઈ સક્રિય ભૂમિકા નથી. ખાલી શોભાની પૂતળીઓ છે તેમ એ લોકોને લાગે છે. શોભાની પૂતળીઓને શા માટે મેદાનમાં ઉતારી છે? તેવો પ્રશ્ન આ સંસદ સભ્યોને થયો છે. આ અંગે સિંદબાદ કહે છે, “સંસદની ચૂંટણીમાં પણ પક્ષો રૂપાળી અભિનેત્રીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે એ જ રીતે ક્રિકેટ બોર્ડે ચીયર લીડર્સને ક્રિકેટના મેદાનમાં ઉતારી છે.” સિંદબાદનું તારણ એવું છે કે આ અભિનેતાઓ ચૂંટણીના મેદાનમાં તેમજ પક્ષના પ્રચારમાં ચીયર લીડર્સની જેમ આવે છે, કારણ કે પક્ષના અધિષ્ઠાતાઓ માને છે કે અભિનેત્રીઓની ભૂગોળ જોઈ મતદારો પક્ષનો ઇતિહાસ ભૂલી જશે. એમને સાઈડ ટ્રેક કરવા માટે જરૂરી છે તેમ ક્રિકેટ મેચમાં રમતમાં દર્શકોનો રસ જાળવવા માટે ચીયર્સ લીડર્સ જરૂરી છે. તેમ આયોજકો માનતા હશે.

ક્રિકેટના મેદાનમાં પણ ચીયર્સ લીડર્સનું વજૂદ કંઈક એવું જ છે. લોકોને રસ પડે તેવો ખેલ નાંખવો.

ફિલ્મોમાં પણ જરૂરી ન હોય તોપણ, તેમાં કેબરે ઘુસાડી દેવામાં આવે છે. ચીયર લીડર્સ પણ ક્રિકેટમાં કેબરેનો કન્સેપ્ટ છે. સ્વર્ગના અધિપતિ ભગવાન ઈન્દ્રની વાત જુઓ. એમના દરબારમાં, મેનકા, ઊર્વશી, રેખા, તિલોત્તમા આ બધી જોવા જાવ તો ઈન્દ્ર દરબારની ચીયર લીડર્સ જ ગણાય.

ક્રિકેટમાં ચીયર લીડર્સ, કોઈ બેટ્સમેન લેગ ગ્લાન્સ ફટકારી બોલને બાઉન્ડરી બહાર મોકલે એટલે પોતાના ‘લેગ’ હવામાં ફંગોળી લેગ ગ્લાન્સને વધાવી લે છે. કેટલાક દર્શકો એ સમયે ‘ગ્લાન્સ એટ લેગ ઓફ ચીયર્સ લીડર્સ’!

ક્રિકેટ બોર્ડનો હેતુ રમત વધુ પ્રેક્ષકો સુધી પહોંચે તે છે. આ પ્રથા સામે ચેનલની ભાષામાં કહું તો ‘સવાલિયા નિશાન ખડા કરને વાલે’ સંસદ સભ્યોને એક સવાલ પૂછવાનું મન થાય છે. આ સાંસદો અનેક કોન્ફરન્સ, સેમિનારમાં ભાગ લેતા હોય છે. એ સમારંભોમાં જોવામાં આવ્યું છે કે માનનીય વક્તા, જે સાંસદ પણ હોઈ શકે. સ્ટેજ ઉપર જવા પગ ઉપાડે કે તેની બંને બાજુએ સુંદર યુવતીઓ આવી જાય છે અને તેમને સ્ટેજ સુધી દોરી જાય છે. એને એ લોકો ‘એસ્કોર્ટ’ કહે છે. શા માટે આ નેતાઓને સ્ટેજ સુધી જવા માટે સુંદર યુવતીઓ સાથ આપે છે? શું એના વગર તેઓ ભૂલા પડી જાય? આ પ્રથા સામે કેમ કોઈ સંસદીય સમિતિ સવાલ ઊભા નથી કરતી.

આઈપીએલમાં મહિલા ક્રિકેટની મેચો થવી જોઈએ. તેવી પણ એક વાત આવી છે. શક્ય છે તેમાં ચીયર લીડર્સ તરીકે કેટલાંક નર્તકો - પુરુષો જોવા મળે. જે બરમૂડા પહેરીને સ્ટેજ ઉપર નાચી બાઉન્ડરીને વધાવતા હોય. ચીયર્સ લીડર્સની પ્રથા રહેશે કે જશે? ક્રિકેટની ભાષામાં જ કહીએ તો ‘લેટ અસ વેઈટ એન્ડ વોચ - ટિલ ટૂમોરો...’

વાઈડ બોલ

પ્રામાણિક માણસનું મૂલ્ય છે.

ભ્રષ્ટ માણસની કિંમત હોય છે.

No comments: