Tuesday, February 1, 2011

નેતાઓ જ્યારે હસે છે...

રાજકારણની વાત નીકળે ત્યારે સૌને કૌભાંડો જ યાદ આવે.

ડુંગળીના ભાવ સાંભળીને આંસુ આવી જાય છે (શરદકૃપા?) પણ રાજકારણીઓ રડાવવા સિવાય ક્યારેક હસાવવાનું કામ પણ કરતા હોય છે.

પંડિત જવાહરલાલ મજાક કરવામાં માહેર હતા. એક વાર મહાન અભિનેત્રી નરગીસ એમને મળવા ગઈ. પંડિતજીની તંદુરસ્તી જોઈ તેણે સવાલ કર્યો. “સર, આ ઉંમરે પણ આપ આટલા તંદુરસ્ત છો! રાઝ શું છે”.

પંડિતજીએ આખી વાતને ગમ્મતમાં ઉડાવતા ગાલીબનો શેર ફેંક્યો.

‘ઉનકો દેખને સે ચહેરે પે રોનક આ ગઈ,

તો વો સમજને લગે કે બીમાર કા હાલ અચ્છા હૈ’

બધાં આ સાંભળી હસી પડયા.

‘શ્રી ૪૨૦’ ફિલ્મને નહેરુજીના હસ્તે મેરિટ ર્સિટફિકેટ આપવામાં આવ્યું હતું. રાજકપૂર સ્ટેજ ઉપર તે પ્રમાણપત્ર લેવા ગયો. પંડિતજીએ તેનો ખભો પકડી પૂછયું, “આ તને શ્રી૪૨૦ ફિલ્મ માટે નવાજવામાં આવે છે”.

“જી, સર!”

“શું આ ૪૨૦ ફિલ્મ અપને આપ પર બનાઈ હૈ?”

આ નિર્દોષ મજાક હતી. આખું ઓડિયન્સ ખુશ ખુશ થઈ ગયું.

બ્રિટનનાં મહારાણી સ્વતંત્ર ભારતની મુલાકાતે આવ્યાં હતાં.

ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ હતા. રાજેન્દ્રબાબુ કાયદાની માસ્ટર ડિગ્રી પામેલા હતા. એટલું જ નહીં તેમાં ગોલ્ડમેડલ મેળવેલો હતો. ત્યારે પ્રજામાં ભણતર ઓછું હતું પણ નેતાઓ ખૂબ જ ભણેલા અને અભ્યાસી હતા. આપણા રાષ્ટ્રપિતા બેરિસ્ટર હતા. નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પણ બેરિસ્ટર હતા. પહેલા પ્રધાનમંડળમાં સામેલ શ્યામાપ્રસાદ મુકરજી બત્રીસ વર્ષની ઉંમરે કોલકાત્તા યુનિર્વિસટીમાં ‘વાઈસ ચાન્સેલર’ રહી ચૂકેલ... આવો માતબર નેતાગણ ત્યારે દેશમાં હતો. બ્રિટનનાં મહારાણી રાજેન્દ્રબાબુને મળ્યાં ત્યારે જાણ્યું કે તેમણે પોતાની આત્મકથાનો દળદાર ગ્રંથ લખ્યો છે. રાણીએ આશ્ચર્યથી પૂછયું “આટલો મોટો ગ્રંથ લખવાનો સમય આપને કઈ રીતે મળ્યો?”

રાજેન્દ્રબાબુએ મલકતાં મલકતાં કહ્યું, “આપની હકૂમતે મને વર્ષો સુધી જેલમાં રાખ્યો હતો, ત્યાં સમય ને સમય જ હતો”. આમાં રમૂજ અને ટોણો બંને હતાં.

ઈન્દિરાજી સ્વભાવે અક્કડ હતાં. પણ રાજીવ ગાંધીમાં વિનોદવૃત્તિ જણાઈ આવતી. કોંગ્રેસ પક્ષને સો વર્ષ થયાં તેના શતાબ્દી વર્ષનો સમારંભ મુંબઈ ખાતે હતો. રાજીવજી બોલવા ઊભા થયા અને માઈક બંધ થઈ ગયું. તુરંત જ હળવી રીતે રાજીવજીએ કોમેન્ટ કરી, “આ માઈક પણ કોંગ્રેસની જેમ સો વર્ષ પુરાણું લાગે છે”.

જનસંઘના નેતા જગન્નાથ રાવ જોષી પણ તીવ્ર વિનોદશક્તિ ધરાવતા હતા. તેઓ પણ એમ.એ. ગોલ્ડમેડાલીસ્ટ હતા.

અશોક ભટ્ટની ધારાસભાની પ્રથમ ચૂંટણી હતી. જગન્નાથ પ્રચારમાં ખાડિયામાં સભા સંબોધતા હતા ત્યારે ભારત સરકારે અવકાશમાં દેશનો પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ છોડયો હતો. ઈન્દિરાજી ચૂંટણી પ્રચારમાં તેનો ઉલ્લેખ કરતાં હતાં. એટલે ખાડિયામાં જગન્નાથ રાવે કહ્યું, ‘વો દીખાયેગી આર્ય ભટ્ટ, હમ દીખાયેગે અશોક ભટ્ટ’.

આચાર્ય એસ.આર. ભટ્ટ પણ રાજકીય સભાઓમાં તેમના સૂક્ષ્મ વ્યંગ અને વિનોદથી લોકોને મજા કરાવતા હતા. જયંતિલાલ સમર્થ સાહિત્યકાર જનતા પરિષદની સભાઓમાં છવાઈ જતા હતા. વ્યંગ - વિનોદ ત્યારે ઘણાં ખીલ્યા હતા. વધુ વાત ક્યારેક ફરી.

ગૂગલી

યોગ ગુરુ રામદેવ કહે છે, સારા સ્વાસ્થ્ય માટે સાંસ પર કાબૂ રાખો.

‘અરે ભલા, બીબી ઉપર તો કાબૂ આવતો નથી ત્યાં સાંસ ઉપર ક્યાંથી આવે!’

No comments: