અમદાવાદની સિટી બસ એક ચીજ છે.
એના ડ્રાઈવર-કન્ડક્ટર સુપર ચીજ છે. એના કન્ડક્ટરોની ‘કન્ડક્ટ’ ખાસ ચીજ છે.
અમદાવાદની સિટી બસના કંડક્ટર તેમની કોમેન્ટ્સથી ખાસ પહેચાન પામેલા.
કાંકરિયાના રસ્તે ત્યારે સારંગપુર મીલ નં. ૧ હતી. હવે ત્યાં બીજી કોઈ મીલ છે. પણ રાયપુરમાં આવેલી આ સારંગપુર મીલને લોકો વાંદરા મીલ તરીકે ઓળખતા. કદાચ આ મીલના કમ્પાઉન્ડમાં ઝાડ ઉપર વાંદરા વધુ દેખાતા હશે. એટલે એવું નામ પડી ગયું હશે. મીલના શેઠીયા પોતાને સારંગપુર મીલના માલિક તરીકે ઓળખતા હશે, વાંદરા મીલના શેઠ છે તેવું નહીં કહેતા હોય. પણ કારીગરો અને લોકો મીલને વાંદરા મીલ તરીકે જ જાણતા. સિટી બસના કન્ડક્ટર પણ મીલના ઝાંપે આવેલ બસ સ્ટેન્ડ પાસે બસ આવે કે બૂમ મારે, ‘છે કોઈ વાંદરા?’ બસમાં બેઠેલા લોકો એ સાંભળીને હસી પડે. (ઊભેલા પણ હસે) બે, ત્રણ પેસેન્જર છોભીલા પડી ઊતરી જાય.
આ કન્ડક્ટરોનું વર્તન સુધરે માટે વ્યવસ્થાપકો પણ વિવેક સપ્તાહ ઊજવે, પણ કન્ડક્ટરો પ્રવાસીઓને પજવે.
શેક્સપીયરે કહેલું, “બેવફાઈ તારું બીજું નામ સ્ત્રી છે”, આ હેલ્મેટ નાટકમાં તેણે કહેલું જે અમે ભણેલા (મજબૂરી) આ વિધાન સામે કોઈ મહિલા મંડળે કે આગેવાનોએ હોબાળો મચાવ્યો ન હતો. બીજા શબ્દોમાં મહિલા મંડળોએ તેમની ફરજ સાથે બેવફાઈ કરેલી. શેક્સપીયરનાં પૂતળાં બાળવાનો સોનેરી અવસર તેમણે ગુમાવેલો.
મૂળ વાત ઉપર આવું તો, (આમેય મને મૂળ વાત ઉપર આવતા વાર લાગે છે) શેક્સપીયર આજે હોત અને અમદાવાદની સિટી બસનો તેને અનુભવ હોત તો જરૂર લખત, “ઉદ્ધતાઈ તારું બીજું નામ બસ કન્ડક્ટર છે”.
શેક્સપીયરે નહીં કહેલા વાક્યને સાર્થક કરતો હોય તેવો બનાવ અમદાવાદમાં બની ગયો.
એક મંગળની રાત્રે, આ અમંગળ ઘટના બની. એક સિનિયર સિટિઝન હોન્ડા સિટી કાર ડ્રાઈવ કરતા હતા, સિટી બસના ડ્રાઈવર - કન્ડક્ટરે એમને ખૂબ ચોપડાવી. હોન્ડા સિટી કારના માલિક પોતે કાર ચલાવતા હતા. એ એક પ્રકાશક હતા. (પ્રકાશક હતા એટલે હોન્ડા સિટી કારમાં હતા, લેખક હોત તો સિટી બસમાં હોત).
ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઈટ જોઈ, એટલે કારના માલિકે કાર થોભાવી. જે પાછળ આવતી સિટી બસના ડ્રાઈવરને ન ગમ્યું. કારના માલિકે પ્રકાશક તરીકે કેટલાંક કાયદાનાં પુસ્તકો છાપ્યાં હશે એટલે તેઓ કાયદાનું પાલન ઇચ્છતા હતા, એટલે ગાડી ઊભી રાખી. ડ્રાઈવર -કન્ડક્ટરને આ નડતર લાગ્યું, પરિણામે બોલાચાલી થઈ. (આમ તો ગાળાગાળી જ કહી શકાય).
છાપામાં એવા સમાચાર પણ હતા કે, ડ્રાઈવર-કન્ડક્ટરે કહેલું કે, ‘રાતના નવ પછી ટ્રાફિક સિગ્નલ જોવાનાં જ ન હોય’ આ સિટી બસના ડ્રાઈવર લાઈન બહાર બોલિંગ કરતા બોલર જેવા છે. (નો-બોલ ફેંકનાર).
ડ્રાઈવર - કન્ડક્ટરે સમૂહમાં પ્રકાશક કાર માલિકને કહ્યું, ‘કાયદો જાય તેલ લેવા’.
કાયદો તેલ લેવા જાય તો કાર માલિક શું લેવા જાય? એમણે સિટી બસના ચેરમેન, પોલીસ કમિશનર, બધાને કાગળો લખી નાખ્યા. (એટલે કે પ્રકાશક લેખક બની ગયા).
સિટી બસના વ્યવસ્થાપકો, પોલીસખાતાના અધિકારીઓ કહે છે, કાગળો તો મળી ગયા છે. હવે શું? એ લોકો કહે છે, ‘ઘટતું કરીશું’
ઘટતું એટલે શું? --?-- માહિતી નાય,
તમને ખબર છે?
ગૂગલી
જૂની રંગભૂમિનું એક નાટક હતું, ‘એમ.એ. બના કે ક્યૂં મેરી મીટ્ટી ખરાબ કી?’
સિંદબાદ તેને યાદ કરીને કહે છે, ‘મનમોહનસિંહ અત્યારે કહેતા હશે, પી.એમ. બના કે ક્યૂં મેરી મીટ્ટી ખરાબ કી?’
No comments:
Post a Comment