માણસો ટેલિફોનથી ભયાનક ત્રાસ વર્તાવી શકે છે તે આપણે અનુભવ્યું છે. કસમયે ડોરબેલ વાગે તેમ ટેલિફોનની ઘંટડી વાગે એટલે તમે ઊંઘમાંથી ડિસ્ટર્બ થઈ જાવ. ફોન કરનાર તો સલામત અંતરે બેઠો છે. તમારા આરામની પળ એ હરામ કરી નાંખે છે. ઘણી વાર એક જ વ્યક્તિના રોંગનંબર આવ્યા કરે એ ફોન કરતો હોઈ કોઈ છગનને અને ફોન તમારો જ લાગ્યા કરે. આવી પજવણી અંગે તમે લાચાર છો. કેટલાક ફોન ઉપર લાંબી વાતો કરીને ત્રાસ આપ્યા કરે. આરડીએક્સ જ નહીં પણ ટેલિફોનથી ત્રાસ ફેલાવી શકાય છે.
ટેલિફોનના ઉપયોગથી વિવિધ રીતે ત્રાસ ફેલાવી શકાય છે તે લોકોએ અનુભવ્યું છે. પણ ટેલિફોનથી નકારાત્મક રીતે ત્રાસ પણ ફેલાવી શકાય છે. ટેલિફોન ન કરીને ત્રાસ આપી શકાય છે. નકારાત્મક ઉપયોગથી અન્યને નુકસાન પહોંચાડી શકાય છે. મહેશ પાસે હજારની નોટ હતી. ખિસ્સામાંથી તે કાઢે ત્યારે તેના મોભામાં વધારો થતો હતો. ચાની કીટલીવાળો નોટ સામે અહોભાવથી જોઈ લ્યે, પછી કહે “સાબ, આટલા પૈસા ગલ્લામાં જ નથી”, પરિણામે મહેશના મિત્રોમાંથી કોઈ કીટલીવાળાને પૈસા ચૂકવી દે. હોટેલના ગલ્લા ઉપર તે નોટ પછાડે. ગલ્લાધિપતિ ખૂબ જ આદરપૂર્વક કહે, “સા’બ છુટ્ટા આપો” અને એકાદ મિત્રનું ગજવું હળવું થઈ જાય. રૂપિયા હજારની નોટ મહેશના ત્રીજા નેત્ર સમાન બની ગયેલી. મહેશના ખિસ્સામાં હજારની નોટને કારણે મિત્રોના ખિસ્સામાંથી સિલક ઓછી થતી હતી.
આવું જ કાંઈક ટેલિફોનનું છે. ટેલિફોનના ઉપયોગ યાને કે દુરુપયોગથી તમે અનેક લોકોને પરેશાન કરી શકો છો તેમ ટેલિફોનનો ઉપયોગ ન કરીને તમે સગાંવહાલાં કે મિત્રોને પરેશાન કરી શકો છો.
સુરેશ એનાં લગ્નની ‘એનિવર્સરી’ યાને કે લગ્નતિથિનો વાર્ષિક દિનની ઉજવણીનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ ‘એનિવર્સરી’ શબ્દ ગુજરાતી ઘણી વાર છબરડો પેદા કરે છે. સિંદબાદે એક વાર મેરેજ ‘એનિવર્સરી’ માટે આજે મારા લગ્નની વરસી છે એમ કહ્યું. એમાંથી બબાલ થઈ હતી. એની પત્નીને ખોટું લાગી ગયું. “તમને લગ્નતિથિ વરસી જેવી લાગે છે ને?” એમાંથી ઝઘડો થયો, વિવાહની વરસી થઈ. ઝઘડો લાંબો ચાલ્યો હોત તો ‘વરસી’નો મોકો ઊભો થઈ જાત.
સુરેશ એનાં લગ્નની તિથિની ઉજવણી માટે સારી હોટેલમાં જવાની તૈયારી કરતો હતો. પતિ-પત્ની બંને લગભગ તૈયાર થઈ ગયાં હતાં. અને ડોરબેલ વાગી... એ ડોરબેલ નહીં પણ મૃત્યુઘંટ હતો. તેમના કાર્યક્રમનો મૃત્યુઘંટ.. બારણું ખોલતા જ છગન ઘરમાં દાખલ. “મને થયું ચાલ આજે સુરેશના ઘરે જઈ ગપ્પાં મારું.”
“અલ્યા પણ ફોન કરીને આવવું જોઈએ ને?” સુરેશે નારાજગી પ્રગટ કરતાં કહ્યું.
“અલ્યા તારે ત્યાં મારે ફોન કરીને આવવાનું?” પછી માધવ રામાનુજની એક પંક્તિ છગને ટાંકી, ‘એવું કોઈ ઘર હોય જ્યાં કારણ વગર પણ જઈ શકું.’
“છગન, કવિએ કારણ વગર જવાની વાત કરી છે પણ ફોન કર્યા વગર નહીં...”
સુરેશનો પ્રોગ્રામ ચોપટ થઈ ગયો. છગને ફોન ન કર્યો તેથી. ફોનનો આ નકારાત્મક ત્રાસવાદ છે. ફોન કર્યા વગર કોઈના પણ ઘરે પહોંચી જાવ. સુરેશને તેની પત્નીએ પછી ઝાડી નાખ્યો હતો. “આવા મિત્રો હોય? સાવ રીતભાત વગરના.” ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ નો’તી કરી ત્યારે આવા બનાવ બનતા. પણ બેલ સાહેબે માનવજાતને ફોનની ભેટ આપી છે. લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ તેવું સિંદબાદ કહે છે. એ કહે છે ઘણી વાર બહાર જવા તૈયાર થઈએ કે છગન જેવા ફોન-કા-દુશ્મન હાજર થઈ જાય. કાર્યક્રમ ખલ્લાસ. ક્યારેક અમુક માણસોને આપણે જમવા બોલાવ્યા હોય ત્યાં તમુક ટેલિફોન કર્યા વગર હાજર થઈ જાય. ત્યારે કેવી અકળામણ થાય?
છગન પણ પાર્ટીમાં બિન બુલાયે મહેમાન થઈ જાય. યજમાનને મૂંઝવણ થાય. અતડું-અતડું લાગે. સિર્ફ એક ફોનનો સવાલ હતો. મંદિરમાં ઘંટ વગાડીને જાવ છો તેમ કોઈના ઘરે જતા ટેલિફોનની ઘંટડી વગાડીને જતા તમને શું થાય છે?
વાઈડ બોલ
ટીવી ઉપર કરોડપતિ થવા માટે સવાલના જવાબ આપવા પડે પણ નેતાઓ પહેલાં કરોડ બનાવી લે છે પછી સવાલના જવાબ આપે છે. ઉરાંગઉટાંગ જેવા. (આ અવળી ગંગા)
No comments:
Post a Comment