સામેના પક્ષને ચોપડાવવી એ માનવસ્વભાવ છે. લગ્નોનાં ફટાણાંનું મૂળ બીજ એ જ વૃત્તિ છે. રાજકારણમાં પણ તેનો ધૂમ ઉપયોગ જોવા મળે છે. ‘જેન્ટલમેન્સ ગેઈમ’ કહેવાતી સદ્ગૃહસ્થોની રમત ક્રિકેટમાં પણ સામેવાળાને ભાંડવાની બીના બનતી રહે છે.
હમણાં જ ડરબનમાં ભારતે દ. આફ્રિકાને હરાવ્યું, તેમાં ‘સ્લેજિંગ’ સામેવાળાને ભાંડવાની બાબત પણ ચગી હતી. દ. આફ્રિકાના કેપ્ટન અને આપણા ફાસ્ટબોલર સંતને ચડભડ થઈ હતી. ટીવી પરદે પણ આ બેની અફડાતફડી દેખાઈ હતી. આમ સંત એ કહેવાય જે ગાળાગાળીથી દૂર હોય કે ભાંડવાથી દૂર રહે, પણ ક્રિકેટના શ્રીસંત અને હરભજન બંને ‘સ્લેજિંગ’ માટે મશહૂર છે કે મુન્નીની જેમ બદનામ છે.
ખબર નથી પણ સંતે સ્મિથને કંઈક સંભળાવી, આથી અકળાયેલા સ્મિથભાઈ ‘કેચ’ આપી બેઠા.
‘સ્લેજિંગ’નો આશય આ જ હોય છે. સામેવાળાને ડિસ્ટર્બ’ કરવો, પેલો ડિસ્ટર્બ ખેલાડી ઘાંઘો થઈને ખોટો ‘શોટ’ મારીને આઉટ થઈ જાય. કહેવાય છે જાવેદ મિંયાંદાદે એની જીભથી ઘણી વિકેટ લીધી હતી. મિંયાંદાદ ‘સ્લેજિંગરત્ન’ હતા. મિયાંદાદ સ્લીપમાં ફિલ્ડિંગ કરે, બેટ્સમેનને જાતજાતની સંભળાવે. તેને મળ્યા નહેલે પે દહેલા જેવા વિશ્વનાથ. કેટલાંક વીજળીની જેમ ઝળકીને ચાલી ગયેલા ખેલાડીઓમાં એક વિશ્વનાથ પણ હતા. જે ભારતના વિકેટકિપર તરીકે થોડાક ઝળક્યા હતા. એણે જાવેદ મિયાંદાદ બેટિંગ કરતા હતા ત્યારે વિકેટ પાછળ ઊભા રહીને બરાબરની સુણાવી હતી. જાવેદભાઈએ કેપ્ટન ગવાસ્કરને ફરિયાદ કરી ત્યારે ગવાસ્કરે કહ્યું, “હી હેઝ બીન પેઈડ ઈન સેઈમ કોઈન” (જૈસે કો તૈસા)
સેહવાગ, શોએબ અખ્તર વચ્ચે પણ ટપાટપી થયેલી. એની એક વાત તો અગાઉ આ કોલમમાં લખેલી. બીજી રસપ્રદ ‘સ્લેજિંગ’ની વાત. શોએબ સહેવાગ ઉપર બમ્પરનો મારો ચલાવતા હતા. તેને હૂક કરવા, લલચાવવા માટે પણ સહેવાગ લલચાયો નહીં. શોએબ એને વારંવાર ટકોરે “હૂક માર ને.. હૂક મારને” ત્યારે સહેવાગે કહ્યું, “યાર, તૂ બોલિંગ કરતા હૈ કિ ભીખ માંગતા હૈ?”
ક્યારેક કોમેન્ટરીબોક્સમાંથી ‘સ્લેજિંગ’ જેવી જ ઝેરી કોમેન્ટ સંભળાય છે.વીનીની કોમેન્ટ યાદ આવે છે. દત્તાજી ગાયકવાડ બેટિંગ કરે, વેસ્લી હોલના બમ્પર સામે એ બેટ સીધું રાખી નીચે બેસી જાય.વીની કહે, “હી ડક્સ લાઈક સબમરીન પેરીસ્કોપ ઓન હીઝ હેડ” અને ખડખડાટ તીરી ઉડાવતું હાસ્ય. (આ માણસ બાઉન્સર સામે સબમરીનની જેમ નીચે બેસી જાય છે. ઊંચું રાખેલું બેટ પેરિસ્કોપ હોય તેવું લાગે છે)
ક્રિકેટ પણ યુદ્ધના મેદાન જેવું છે. પહેલાં યુદ્ધના મેદાનમાં પણ ‘સ્લેજિંગ’ થતું. પંચતંત્રની એક વાર્તામાં આવે છે કે પ્રતિસ્પર્ધી યોદ્ધાને બીજો યોદ્ધો કહે છે, “તું જે કુળમાં જન્મ્યો છે ત્યાં કોઈએ હાથી માર્યાનું જાણમાં નથી.”
મહાભારતમાં પણ યુદ્ધના મેદાનમાં ‘સ્લેજિંગ’ના કિસ્સા નોંધાયા છે. રથ હાંકતા રાજા શલ્યે પણ મહારથી કર્ણને ઘણાં ટોણાં મારેલા.
રીકી પોન્ટીંગ પણ આપણી સાથેની મેચમાં ‘સ્લેજિંગ’માં સંડોવાયેલો.
* * *
હાસ્ય એ જાત ઉપર ‘સ્લેજિંગ’ કહી શકાય. એક હાસ્યકાર નહાવા માટે ગરમ પાણીની તપાસમાં હતા. રૂમમાં પડેલા ‘રોડ હીટર’ (સળિયાવાળું) દર્શાવી મેં કહ્યું, “આનાથી પાણી ગરમ કરી લ્યો. પણ આ પ્રકારના હીટર જોખમી ગણાય.” હાસ્યકારે કહ્યું, ‘હા, એમાં ક્યારેક જોખમ થાય ખરું. તો જાવા દો, મારું નાહવાનું પાણી ગરમ કરતા કંઈક થાય અને મારા નાહવાના પ્રયાસમાં મારા સગાંવહાલાંને નાહવું પડે તેવું આમાંથી બને.” તેમણે પ્રયાસ માંડી વાળતાં કહ્યું.
આને સ્લેજિંગ કહી શકાય.
ગૂગલી
સંઘ અને સિમી બંને આતંકવાદી છે તેવું નિવેદન કરનાર રાહુલ ગાંધી ઉપર સિંદબાદે કોમેન્ટ કરી.
‘ભેજા વિનાના ભોમિયાની મદદથી આ માણસ રાજકારણના ડુંગરા ભમવા નીકળ્યો છે.’
No comments:
Post a Comment