Sunday, January 16, 2011

ગધ્ધે કી હરાજી

ખેતીવાડી ખાતાના પ્રધાન શરદ પવારના ભવ્ય સન્માનનું આયોજન થયું હતું. એમના વજન કરતાં પણ વધુ હારતોરા એમને થયા. પવારના આ જબરજસ્ત સન્માન પાછળનું રહસ્ય શું?

સિંદબાદે એક આગેવાનને પૂછયું, “તમે શરદ પવાર ઉપર કેમ વારી ગયા છો? આટલું બધું સન્માન તેમને કેમ?”

ત્યારે તે આગેવાને કહ્યું, “મિત્ર, શરદ પવારે જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે.”

“ભારતને ખેતીપ્રધાન દેશમાંથી ક્રિકેટપ્રધાન દેશ બનાવ્યો તે?”

“ના મિત્ર ના, ભલે લાખ્ખો ટન અનાજ સરકારી ગોડાઉનમાં સડી જતું પણ તેમની એક સિદ્ધિ એવી છે કે બધું જ માફ, સમાજ એમના માટે ગૌરવ લઈ શકે તેમ છે.”

“મહાશય, એમની એ મહાન સિદ્ધિ ઉપર પ્રકાશ પાડશો?”

“અવશ્ય અવશ્ય... સદીઓથી દેશના સંતો-મુનિઓ લોકોને ડુંગળી છોડવાની સલાહ આપતા રહ્યા છે. પણ તે તમામ મુનિસાહેબો, આચાર્યસાહેબો જે કરી ન શક્યા તે પવારજીએ કરી બતાવ્યું... લોકોએ એમના વહીવટમાં ડુંગળી ખાવાની છોડી દીધી છે!”

***

મિત્રો, હરાજી એક ઉત્તેજિત કરનાર પ્રસંગ છે. ભલે તમે હરાજીમાં ભાગ ન લો પણ તેની માહિતી પણ આનંદપ્રદ બની રહે છે.

ફિલ્મોમાં હરાજીનાં દૃશ્યો ઘણી વાર જોવા મળ્યાં છે. હરાજી બોલનાર, દસ લાખ એક વાર - દસ લાખ બે વાર એમ બોલી દસ લાખ ત્રણ વાર બોલવા માટે લાકડાની હથોડી ઊંચકે ત્યાં એક ખૂણામાંથી અગિયાર લાખ-એમ અવાજ આવે. સન્નાટો છવાઈ જાય, ઘણી વાર હરાજીમાં ચડસાચડસી બતાવવામાં આવે.

ફિલ્મોની હરાજી પછી ક્રિકેટમાં હરાજી આવી છે. સિંદબાદ કહે છે કે, ફિક્સિંગની વાતો જાહેર થયા પછી ક્રિકેટની આબરૃની હરાજી જ થઈ હતી.

ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફિક્સિંગની બાબતમાં જેની સંડોવણી જણાઈ હતી તેવા ક્રિકેટર ઉપર આજીવન ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમાં એક ક્રિકેટર હતા આપણા અઝહરુદ્દીન. અઝહરુદ્દીન આમેય ક્રિકેટમાં નિવૃત્તિના આરે હતા. કોઈ કર્મચારી રિટાયર થવાનો હોય અને એ સમયે એને ડિસમિસ કરવામાં આવે તેવો એ ખેલ હતો.

ભારતે આઈપીએલ ક્રિકેટ શરૃ કર્યા પછી ક્રિકેટરોની હરાજી શરૃ થઈ છે. આપ સૌ જાણતા હશો. ગુજરાતના વૌઠામાં ગધેડાંઓની હરાજી થાય છે. ત્યાં તો ગધેડાંઓને નામ પણ આપવામાં આવે છે. એક વાર આ મેળામાં એક ગધેડાનું નામ આમિર હતું. એક ગધેડાનું શાહરૃખ નામ હતું. દર વરસે ગધેડાંઓની હરાજી રસપ્રદ બને છે. એ જ રીતે ક્રિકેટરોની હરાજી પણ રસપ્રદ બને છે. હમણાંના સમાચાર પ્રમાણે આઈપીએલની આ વખતની હરાજીમાં સૌરવ ગાંગુલી, જે ‘દાદા’ તરીકે ઓળખાય છે તેનો કોઈ લેવાલ નથી. દાદાની દાદાગીરી સમાપ્ત થઈ ગઈ છે.

ડોના ગાંગુલી જે સૌરવ ગાંગુલીનાં પત્ની છે. તેને આંચકો લાગ્યો હશે. ઘણી પત્નીઓ તેમના પતિદેવને કહેતી હોય છે, “તમારું તો કોઈ ફદીયું પણ ન આપે.” ડોના ગાંગુલી સૌરવ ગાંગુલીને આ વાક્ય અધિકારપૂર્વક સંભળાવશે.

ડોનાએ ડાયમંડ સેટની માગણી કરી હશે. ગાંગુલીએ કહ્યું હશે, “બસ આ વખતે આઈપીએલના પૈસા આવશે ત્યારે તને ડાયમંડથી મઢી દઈશ.” પણ? ડોનાના દિલ કા અરમાન બહ ગએ. હાય વો દિન કહાં કે ડોનાના ડિલ ઉપર ડાયમંડ!

ઘણાં બિલો ચૂકવવાનાં હશે, તેનો મદાર સૌરવે આ હરાજી ઉપર રાખ્યો હશે. કવિ મરીઝે કહ્યું હતું કે, “બધાંનું દેવું ચૂકવી દઈશ... ગર અલ્લાહ ઉધાર દે” સૌરવે પણ વિચાર્યું હશે. આ આઈપીએલની હરાજી પછી આમ કરીશ, તેમ કરીશ. બટ આફ્ટર ઓલ, આઈપીએલ ગોડ ડિસ્પોઝિસ!

No comments: