Wednesday, December 22, 2010

પાર્ટીપ્લોટ કે ઉસ પાર

છાપામાં રહેઠાણની નવી સ્કીમની જાહેરાત આવે છે. તેમાં જાતજાતનાં પ્રલાભનો હોય છે. અમારી સોસાયટીથી પાંચ જ મિનિટના રસ્તે હોસ્પિટલ, (એટલે કે તમારે મારામારી થાય તો ૧૦૮ પહેલાં રીક્ષામાં તમે પહોંચી શકો) દસ મિનિટના રસ્તે દેરાસર કે મંદિર.(ઘરના જુનિયર સભ્યોને આ બાબત ખાસ આકર્ષે ડોસા-ડોસીની કચકચ ઓછી રહેશે.)

કોઈ હાઉસિંગ સ્કીમવાળાએ થિયેટર કેટલું નજીક હશે તેની જાહેરાત નથી કરી. હકીકતમાં મંદિરમાં તો બેસતા વર્ષે કે વર્ષગાંઠે જવાનું હોય, પણ ટોકીઝમાં તો બાર બાર જવાનું હોય છે. સ્કૂલનો ખાસ ઉલ્લેખ જાહેરાતમાં નથી હોતો, કારણ કે ખૂબ જ પ્રતિષ્ઠિત શાળામાં પોતાનાં બાળકોને દાખલ કરવા લોકો ઈચ્છતા હોય એટલે એ દૂર હોય તો પણ જઈ શકાય. ડોનેશનની સગવડ હોય તો તે શાળા દૂર નથી રહેતી.

છગનનું કહેવું છે કે આ બધાં પ્રલોભનો વિશે વિચારતા પહેલાં એ જાણવું જોઈએ કે મકાનથી કોઈ પાર્ટીપ્લોટ નજીકમાં નથી ને! આજકાલ નગરના ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ કે લગ્ન માટેની વાડીઓ ઝગમગાટ સાથે ઊભાં છે.

આપણી પ્રિય નગરી કર્ણાવતી પણ કલાવતી કન્યાની જેમ ફૂલી ફાલી છે. એટલે એમાં ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ પથરાયેલા પડયાં છે. આ છૂપો શાપ છે. તેમ છગન કહે છે. છગનના મોટા ભાઈ હેમંતભાઈ તો પાર્ટીપ્લોટને અડીને રહેવા ગયા ત્યારે હરખાતા હતા. ‘સુનીલ પાર્ટીપ્લોટ’ની બાજુમાં જ અમારું ઘર છે. ત્યાં શરણાઈ વાગે, જાણે અમારા ઘેર શરણાઈ વાગી. બોલવામાં આવું ઠીક લાગે. પણ મિત્રો તમારી દાઢમાં સખત દુખાવો થતો હોય અને ત્યારે તમારી સામે કોઈ શરણાઈ વગાડે તો એને સાંબેલું મારવાની જ ઇચ્છા થાય ને!

હેમંતભાઈનો પુત્ર દસમા બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો અને બેન્ડવાળા જોરશોરથી પાર્ટી પ્લોટ ગજવતા હોય આજ મેરે યાર કી શાદી હૈ. પરીક્ષાના સમયે દોસ્તની શાદી હોય અને આવા કડાકા-ભડાકાવાળાના અવાજો થતા હોય તો કહેવું પડે કે, ‘દોસ્ત દોસ્ત ન રહા’

પાર્ટીપ્લોટ પાસેના મકાનમાં રહેતા રહીશને કોઈ માંદગી આવે ત્યારે પાર્ટીપ્લોટ પાસે રહેવાની સજાનો અનુભવ થાય છે. શરીર ધખતું હોય, માથું દુખતું હોય, અકળામણ પણ હોય અને પાર્ટીપ્લોટમાં વાગતું હોય - ‘પરદેશી - પરદેશી જાના નહીં’ ત્યારે એ દર્દીનું મન ગાતું હોય.. ‘દુઃખી મન મેરે - જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ શું થાય? પૂરા પૈસા ચૂકવી મકાનનો કબજો હજી હમણાં જ મેળવ્યો છે.

સંસ્કૃત સુભાષિતોમાં અનેક પ્રકારનાં દુઃખોની વાતો કહી છે. પણ પાર્ટીપ્લોટ પાસે રહેતા લોકોની વેદનાની વાત કરવાની રહી ગઈ છે.

એમાં કોઈનાં મધરાતે લગ્ન હોય, તમે માંડ સૂતા હો અને કર્કશ અવાજે બેન્ડના તાલે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ વાગવા માંડે. ખરેખર આ સંજોગોમાં જીવવું એ પણ એક વીરત્વ ગણાય.

હીરાલાલ પાર્ટીપ્લોટની નજીક રહે છે. એ કાળી કિનારની રૂપેરી કોર જુએ છે. એ પાર્ટીપ્લોટમાં દરેક પ્રસંગે સારાં કપડાં પહેરી જમી આવે છે. (ચાંલ્લો કર્યા વગર) એમને ઘરનું ‘લોકેશન’ પસંદ છે.

ગૂગલી

ખાલી ખિસ્સું એ સૌથી વજનદાર ચીજ છે. એનો બોજો વહન કરવો અઘરો છે.

No comments: