Saturday, December 18, 2010

કાંદાની સુગંધ

સોના અને કાંદામાં એક સામ્ય છે.

બંનેના ભાવ નિરંતર વધતા રહે છે. સામાન્ય માણસને સોનું અને વધુ સામાન્ય માણસને કાંદા પોસાતા નથી.

સોનું ને કાંદા બંને માણસની આંખમાં આંસુ લાવે છે. તેમાં જ્યારે દોઢ તોલાનો નેકલેસ કોઈ ગઠિયો ગળામાંથી ખેંચી જાય છે ત્યારે ગળાનો ગયેલો નેકલેસ આંખમાં આંસુ લાવે છે. સોનાના આજના ભાવમાં નવા નેકલેસનું સ્વપ્ન પણ આવી શકે તેમ નથી.

ક્રૂડ ઓઈલને કાળું સોનું કહેવામાં આવે છે. તેમ કાંદાને પણ સોનાની ઉપમા આપી શકાય. તેને સફેદ સોનું કે લાલ સોનું કહી શકાય.

એક વખત પાપડી સાથે છૂટથી અપાતી કાંદાની કચૂંબર હવે બીજી વાર માગો તો ટોણો સાંભળવો પડે.

કાંદા ખરીદનારને લોકો આદરની નજરે જુએ છે. કેટલાંક ગરીબીની રેખા નીચે મરવાના વાંકે જીવતા લોકો, ‘જૂતે ભી ખાયે, ઔર પ્યાજ ભી ખાઈ’ની ઉક્તિ પ્રમાણે કાંદા મળતા હોય તો જૂતાં ખાવા તૈયાર છે.

ફિલ્મોમાં ‘ફેડ-અપ’ દૃશ્ય વિલાઈ જાય ને બીજું દૃશ્ય બતાવવામાં આવે તેમ આ લેખમાં ‘ફેઈડ-અપ’ આપી બીજા દૃશ્ય તરફ લઈ જાઉં છું.

* * *

દૃશ્ય - ૨

જૂહુની મોંઘીદાટ હોટેલમાં માસ્ટર પ્રતીક મિત્ર સાથે દાખલ થાય છે. જો કે હવે તેને માસ્ટર ન કહેવાય તેની ઉંમર ચોવીસ વર્ષ થઈ ગઈ છે. આજે તેની વર્ષગાંઠની ઉજવણી છે. તેઓશ્રી ધુરંધર અભિનેત્રી સ્મિતા પાટીલના અને રાજ બબ્બરના પુત્ર છે.

આ ઉંમરે પણ તે ફિલ્મલાઈનમાં છબછબિયાં જ કરે છે. કામ કે નામ મળ્યું નથી. તેમની ઓળખ સ્મિતા પાટિલ કે રાજ બબ્બરના પુત્ર તરીકે જ છે. જન્મદિન હોવાથી ખુશ થઈને મેનેજરને કહી દીધું - આજે હોટેલમાં જે લોકો હોય તે બધાને ‘ડ્રિન્ક્સ’ મારા તરફથી. ઓર્ડર આપતા તો આપી દીધો. હોટેલ મેનેજમેન્ટે તેને રૂ. ૭૦, ૦૦૦ (સિત્તેર) હજારનું બિલ પકડાવી દીધું. કોના બાપની દિવાળી? તે આનું નામ. સ્મિતાજી હવે છે નહીં અને પિતા રાજ બબ્બર ધોબીના કૂતરાની જેમ રાજકારણ અને ફિલ્મ બંને ઘાટ ઉપર આંટા માર્યા કરે છે. કઈ કમાણી ઉપર સીત્તેર હજાર ભરવાના? બબ્બરના નવાબી છોકરાએ સિત્તેર હજાર રૂપિયા અજાણ્યા માણસો પાછળ ખર્ચી નાંખ્યા.

* * *

હવે ફરી પાછા કાંદા-ડુંગળીના દૃશ્યમાં આવી જઈએ. કાંદા, મગફળી, કપાસ જેવા પાકોમાં ઘણી વાર ભારે તેજી આવતી હોય છે ત્યારે ખેડૂતો ન્યાલ થઈ જાય.

તળાજા પંથકમાં ડુંગળી સારી પાકે. કેટલાંક વર્ષ પહેલાં ડુંગળીમાં ખેડૂતો માલામાલ થઈ ગયા હતા. ખેડૂતોનાં ઘર ડુંગળીએ ખૂશ્બુથી ભરી દીધાં હતાં. એવે વખતે એક ખેડૂત કાંદા વેચી, ખિસ્સાંમાં ઠસોઠસ નોટો ભરી ઘર તરફ ઊપડયો. મહુવા જવાના ચાર-પાંચ રૂપિયા એસટીનું ભાડું હતું. ખેડૂતે કંડક્ટરના હાથમાં પાંચસોની નોટ મૂકી, ટિકિટ માટે. કંડક્ટરે નોટ જોયા કરી, પછી કહ્યું, “અદા, આટલા બધા છૂટા ક્યાંથી લાવું?” પેલા ખેડૂતે ખુશીથી કહ્યું, “એસટીના તમામ લોકોની ટિકિટના પૈસા આમાંથી કાપી લ્યો”, એ ખેડૂત રાજ બબ્બરનો પુત્ર ન હતો પણ ધરતીમાતાનો પુત્ર હતો. ધરતીમાતાની મહેરબાની અને પરસેવો પાડીને પૈસા રળેલા હતા. પેલા પ્રતીકભાઈએ પારકે પૈસે પરમાનંદ, આખી હોટેલના ડ્રિન્ક્સનું બિલ ચૂકવ્યું. ઘણાં લોકો પ્રતીક જેવાને બીપીએલના ચેરમેન કહે છે. બાપના પૈસે લહેર કરનારા.

સિત્તેર હજાર રૂપિયા ઉડાડયા... શું કાંદા કાઢયા?

કાંદા કાઢયા પેલા તળાજા પંથકના ખેડૂતે.

ખરું ને!

વાઈડ બોલ

‘પતિ કુટુંબનો ‘હેડ’ (મસ્તક) છે. પણ પત્ની કુટુંબની ગરદન છે. ગરદન જે દિશામાં ઇચ્છે છે તે પ્રમાણે મસ્તક ફરે છે.’

No comments: