Thursday, December 9, 2010

પુસ્તકો અને સાબુ

એક ગાંધીવાદી મિત્રને મેં પૂછયું, “તમારે ત્યાં સાબુ છે?”

લોકો મેળવણ માટે પૂછતા હોય છે કે “તમારે ત્યાં મેળવણ હશે?”

પણ આ માણસ તો “સાબુ છે એમ પૂછે છે?” ગાંધીવાદી મિત્ર મારા પ્રશ્નથી વિચારમાં ચડી ગયા હતા. શું ઉછીની વસ્તુઓ લેવાની યાદીમાં આ માણસે સાબુનો પણ સમાવેશ કર્યો હશે? એમ એમને થયું હશે. એટલે એમણે વળતો પ્રશ્ન કર્યો, “શું તમારે સાબુ જોઈએ છે?”

સાબુનો બીજો પણ એક અર્થ છે. સામાન્ય બુદ્ધિ. કોમનસેન્સ માટે ટૂંકાક્ષરી ‘સાબુ’ શબ્દ વપરાય છે. ઘણાં લોકો પાસે એ ‘સાબુ’ નથી હોતી. અસામાન્ય બુદ્ધિ ધરાવનાર પાસે પણ કેટલાંક કિસ્સામાં સાબુનો અભાવ દેખાય. જેમ કે આઈનસ્ટાઈન. તેમણે એમને મળેલો એક ચેક, ચોપડીની વચ્ચે કાપલી (બુકમાર્ક) તરીકે મૂકી રાખેલો. તેમણે એ જાણવું જોઈતું હતું કે ચેક વટાવવાની એક સમયમર્યાદા હોય છે. પછી તે વટાવી નથી શકાતો. બ્રહ્માંડના ભેદ સમજનાર એ મહાન વૈજ્ઞાનિક આ સામાન્ય બાબતથી અજાણ હતા એવું લાગે છે.

એ ગાંધીવાદી મિત્રને એ વાત યાદ આવી હશે એટલે સચેત થઈ ગયા. “જો સામાન્ય બુદ્ધિની વાત કરતા હો તો તે મારી પાસે છે, અને જો સાબુ નાહવાનો કે કપડાં ધોવાના સાબુની વાત કરતા હો તો તે પણ મારી પાસે છે.”

“મિત્ર, આપણે વિગતે વાત કરીએ, ચાલો તમને ખબર છે બાપુએ પુસ્તકો વિશે શું કહ્યું છે?”

“બાપુએ તમામ વિષયો ઉપર કંઈક ને કંઈક કહ્યું જ છે. એટલે પુસ્તકો વિશે પણ કંઈક કહ્યું જ હશે”.

“બરોબર છે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો” પણ બાપુ કાંઈ ન મેલે, દરેક વિષય ઉપર બાપુએ કહ્યું જ છે તેમ પુસ્તક વિશે પણ કહ્યું છે.

“શું કહ્યું છે?” ગાંધીવાદી મિત્રે પૂછયું.

“બાપુએ કહ્યું છે પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે”

“અચ્છા?”

“હા, તમે સાબુથી તન સાફ કરી શકો, પણ મન માટે સફાઈકામ ફક્ત પુસ્તકો જ કરી શકે.”

બાપુએ મનની સફાઈ માટે પુસ્તકોની ભલામણ કરી હતી. એટલે મેં ગાંધીવાદી મિત્રને પૂછેલું કે “તમારા ઘરમાં સાબુ છે? મતલબ કે પુસ્તકો છે?”

ગાંધીજી માનતા હતા કે પુસ્તકો મનને શુદ્ધ કરે છે.

એટલે તનની સફાઈ જેમ સાબુથી થાય, તેમ મનની સફાઈ પુસ્તકોથી થાય.

જો કે તન, મન અને ધનનો વિચાર કરીએ તો હાલમાં પુસ્તકો એટલાં મોંઘાં છે કે ધનની સફાઈ પણ પુસ્તકો કરી શકે છે.

એક વિચારક લેખક દ્વારા તૈયાર થયેલું, ‘વાલ્મીકિ રામાયણ’ની કિંમત હતી નવસો રૂપિયા!

સિંદબાદ કહેતો હતો, ‘આ વાલ્મીકિ રામાયણ વાલ્મીકિને ન પોસાય, પણ વાલિયા લૂંટારુંને જ પોસાય’.

યાદ આવે છે કે ઘણાં લોકો સાબુમાં પણ કરકસર કરે છે. મોરારજીભાઈએ મોંઘવારી વિશે જવાબ આપતાં કહ્યું કે સાબુ તમે સાચવીને વાપરો તો વધુ ચાલે પછી ઉમેર્યું, “મારે સાબુ એક વર્ષ ચાલે છે” ત્યારે એક વ્યંગ લેખકે કોમેન્ટ કરેલી કે “મોરારજીભાઈ સાબુ કેવળ સૂંઘતા હશે”, પુસ્તકને સાબુના અર્થમાં જોઈએ તો ઘણાંને એક સાબુ વરસોનાં વરસ ચાલે છે. છગને પાંચ વર્ષ પહેલાં એક પુસ્તક ખરીદ્યું હતું. - હજી એ જ સિલકમાં છે. બાપુએ કહેલા મનનો સાબુ ચલાવવાનો આ રેકોર્ડ ગણાય.

ગૂગલી

મહારાષ્ટ્રની શાળામાં બાળકોના નાસ્તામાં મરેલો સાપ હતો.

- ચેનલ સમાચાર.

કદાચ ચીનની સ્કૂલનું પાર્સલ ભૂલથી આવી ગયું હશે

No comments: