Wednesday, December 15, 2010

ભજ્જી એટલે ભડક્યો હતો!


આપણે ત્યાં પઠાણી ઉઘરાણી શબ્દ છે. ફેંટ પકડીને વસૂલાત કરવામાં આવે તેને પઠાણી ઉઘરાણી કહે છે. બેંગલુરુની વન-ડે મેચમાં ‘પઠાણી ઉઘરાણી’ જોવા મળી. યુસૂફ પઠાણે ન્યુઝીલેન્ડર્સની ફેંટ પકડી વિજય મેળવી લીધો.

ન્યુઝીલેન્ડવાળાએ ત્રણસો પંદર રન કરી લીધા અને પછી ભારતની પાંચ વિકેટ પાડી દીધી ત્યારે વિટ્ટોરીને લાગ્યું હતું કે મેચ જીતી ગયા, પણ પઠાણે ન્યુઝીલેન્ડની બાજી ફીટાઉંસ કરી દીધી.

વિશ્વમાં પ્રથમ વાર વન-ડેમાં બેવડી સદી થઈ તે તેંદુલકરે કરેલી. આજ સુધી વન-ડેની એકમાત્ર બેવડી સદી છે. ત્યારે આ કોલમમાં લખાયેલું કે કોઈ બીજી વાર વન-ડેમાં બેવડી સદી મારે તો તે યુસૂફ પઠાણ જ હશે, બેંગલુરુમાં એ પ્રમાણે જ પઠાણગીરી જોવા મળી.

કોટ (કિલ્લો) નગરની રક્ષા માટે હોય છે. પહેલાંના વખતમાં કોટ નગરની રક્ષા કરતા, બેંગલુરુમાં ટીમ-ઈન્ડિયાની ઈજ્જત યુસૂફ પઠાણે કરી, તો તમે એને ‘પઠાણકોટ’ કહી શકો.

* * *

ટીમ ઈન્ડિયામાં ભજ્જી યાને હરભજન અને યુવરાજસિંહ પેલી મુન્ની જેવા છે. જે સ્વમુખે જાહેરાત કરે છે કે તે બદનામ થઈ ગઈ છે. ભજ્જી સાયમન્ડ સાથેની બબાલથી એક વાર બદનામ થયેલ, પછી બદનામીઓનો જશ્ન મનાવવો હોય તેમ શ્રીસંતને જાહેરમાં લાફો મારી દીધો હતો. હવે લોકો પણ જાણે છે કે શ્રીસંત તો નામનો જ સંત છે. અને એ શેતાની ઉપર ગમે ત્યારે ઊતરી આવે. એની કોઈ શેતાનીથી ઉશ્કેરાયેલા ભજ્જીએ એક લાફો ઝીંકી દીધો. ચેનલવાળાએ વારંવાર એ દૃશ્ય બતાવ્યા કર્યું. (સબ ટીઆરપી કા ખેલ હૈ) એ મારેલી થપાટની ગુંજ ભજ્જીના કાનમાં ખાસ્સી ગુંજી હતી. કરોડ રૂપિયામાં એ થપાટ પડી હતી.

મનમાં ભજ્જીને બદનામ કરતી હરકતો ધ્યાનમાં રાખી હમણાં એક એવોર્ડ સેરેમનીમાં સંચાલકે ભજ્જીને સવાલ કર્યો, “મુન્ની બદનામ કૈસે હો ગઈ?” અને ભજ્જીને “વો ભૂલી દાસ્તાં ફીર યાદ આ ગઈ” ગીત યાદ આવી ગયું હશે એટલે અકળાઈને કહ્યું, “મુન્ની ગઈ ભાડમાં” ભજ્જીએ મુન્નીને મારેલી આ રિમોટ થપાટ કહી શકાય.

* * *

એક ઔર સમારંભની યાદ આવે છે. તાજેતરમાં ડો. ચિમનભાઈ ત્રિવેદીને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ચિમનભાઈને એક્યાશી વર્ષે આ ચંદ્રક મળ્યો. ખાસ્સું મોડું કહેવાય એવા સંકેતથી ધીરુભાઈ ઠાકરે ધનસુખલાલ મહેતાને મોડા મળેલ ચંદ્રક અંગે જ્યોતિન્દ્ર દવેનો અભિપ્રાય કહ્યો. જ્યોતિન્દ્ર દવેએ ત્યારે ટિપ્પણી કરેલી “અત્યાર સુધી ચંદ્રકે ધનસુખલાલને લટકાવ્યા, હવે ધનસુખલાલ ચંદ્રકને લટકાવશે”.

ડો. ચિમનભાઈ ત્રિવેદી સાહિર લુધિયાનવીની પંક્તિ પ્રમાણે ‘જો મીલ ગયા ઉસે મુકદ્દર સમજ લીયા’માં માનનારા, કોઈ દાદ-ફરિયાદ સ્વભાવમાં જ નહીં. આ પ્રકૃતિ માટે કવિ નિરંજન ભગતે કહ્યું, “ચિમનભાઈ ત્રિવેદી વિદ્વાન છે છતાં પણ સજ્જન છે”.

‘કહીં પે નિગાહે કહી પે નિશાના’ જેવું આ વિધાન કોઈકને લાગે પણ ખરું.

No comments: