Wednesday, December 29, 2010

કાંદાયણ

સામાન્ય રીતે ડુંગળી ખરીદો પછી તેને સમારો ત્યારે આંખમાં આંસુ આવે છે પણ અત્યારે તો ડુંગળી સમાર્યા પહેલાં કેવળ ખરીદવા જતી વખતે તેના ભાવ સાંભળતા જ આંખમાં આંસુ આવી જાય છે.

* * *

એક વખતે આપણા સર્વોચ્ચ નેતા મોરારજીભાઈને ઈન્દિરા ગાંધીએ તેમના ખાસ શોખ પ્રમાણે કેબિનેટમાંથી પડતા મૂક્યા હતા. ત્યારે મોરારજીભાઈએ ભારે હૈયે કહેલું મને ડુંગળી બટાકાની જેમ ફેંકી દીધો. હવે ડુંગળી બટાકાને તે હૈયે લગાડવાના અર્થમાં વાપરી શકાય. જો ઉમા ભારતી ભાજપમાં વાપસી કરે તો ભાજપે તેમને ડુંગળી બટાકાની જેમ ગળે લગાડયાં તેમ કહી શકાય.

* * *

કુંવરી અને કાંદામાં કોઈ સામ્ય ખરું? કુંવરી માટે લોકકથામાં કહેવાય છે તેમ રાતે ન વધે એટલી દિવસે વધે, અને દિવસે ન વધે તેટલી રાતે વધે. કાંદાની કિંમતમાં પણ એવું છે. દિવસે ન વધે તેટલી રાતે વધે, રાતે ન વધે તેટલી દિવસે વધે.

* * *

“પેલા મહેન્દ્ર જોષીને દલ્લો લાગ્યો લાગે છે.”

“કેમ એમ લાગ્યું?”

“માળો રોજ ડુંગળી ખરીદતો હોય છે.”

મોહનભાઈ તેની દીકરી માટે વરની શોધ કરતા હતા. તેમણે જગનને પૂછયું,

“જગનભાઈ, દીકરી માટે મહાસુખભાઈનો દીકરો કેવો?”

“કરો કંકુના. ખમતીધર કુટુંબ છે. એમના ઘેર જમવામાં રોજ કાંદા તો હોય જ છે.”

* * *

એક અખબારે જાહેરાત કરી. આ વખતે ગિફ્ટ કૂપન સામે પાંચ કિલો કાંદા અપાશે.

એ અખબારના સરક્યુલેશનમાં પણ કાંદાના ભાવની જેમ જ વધારો થયો છે.

* * *

એક હોટેલવાળાએ જાહેરાત કરી છે.

કાંદા - લસણ કેન્સલ વાનગી ઉપર ખાસ કન્સેશન અપાશે.

* * *

શરદ પવાર ક્રિકેટ બોર્ડના પ્રમુખ છે અને ખેતીપ્રધાન પણ છે. એ રીતે તેઓ ‘ફીલ્ડ’માં તો છે જ. ઘણાં તેમને ખેતીપ્રધાન દેશના પાર્ટ ટાઈમ કૃષિપ્રધાન કહે છે. તેમણે જાહેરાત કરી છે. હવે દસ દિવસમાં ડુંગળીના ભાવ ઘટશે. અગાઉ ખાંડના ભાવ વધતા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં પત્રકારોને કહેલું, “હું કોઈ જ્યોતિષ નથી કે ખાંડના ભાવ ક્યારે ઘટશે તે કહી શકું”.

હવે તેઓ ડુંગળીના ભાવ અંગે કહેવા લાગ્યા છે. શું તેમણે જ્યોતિષવિદ્યાનો કોઈ શોર્ટટાઈમ કોર્સ કરી લીધો હશે?

* * *

શેરીમાં ભિખારી ભીખ માગી રહ્યો હતો.

“મા-બાપ, આ ગરીબને કોઈ એકાદ

કાંદો તો આપો”.

* * *

‘બૂટપોલિશ’ ફિલ્મમાં ભીખ ખરાબ વસ્તુ છે એ દર્શાવવા જ્હોન ચાચા ગાતા હતા. ‘ભીખ મે જો મોતી મીલે તો ભી હમ ન લેંગે’. આજે ‘બૂટપોલિશ’નું રિ-મેકિંગ થાય તો જ્હોનચાચા ગાય ‘ભીખ મેં જો કાંદા મીલે તો ભી હમ ના લેંગે’.

ગૂગલીઃ

સબ કા માલિક એક સાંઈ મંદિરમાં સૂત્ર હોય છે પણ લાવારિસ લાશ માટે કહી શકાય, ‘શબ કા માલિક કોઈ નહીં’.

Saturday, December 25, 2010

અબ કુત્તે પે સત્તા... આયા

સરવે આધુનિક સમયનો એક મોટો વ્યવસાય થઈ ગયો છે. એક સરવે પ્રમાણે આપણા પ્રિય નગર અમદાવાદ યાને કે કર્ણાવતીમાં અઢી લાખ કૂતરાં છે. છગનના અંદાજ મુજબ અમદાવાદમાં કુટુંબદીઠ બે રઝળતાં કૂતરાં છે, સત્તાધીશોએ આંખ લાલ કરી છે. આ લાલચોળ આંખ રઝળતાં કૂતરાં સામે છે.

હવે કૂતરાંઓનું આવી બનશે, તેવું કેટલાક માની રહ્યા છે. કેટલાક નથી પણ માનતા. કોર્પોરેશનના સત્તાવાળા કૂતરાંઓ ઉપર બગડયા છે. આ નગરની સ્થાપના માટે કહેવાયું છે કે ‘જબ કુત્તે પર સસ્સા આયા’ હવે અવળીગંગા થઈ છે. અબ કુત્તે પર સત્તા એટલે કે સત્તાધીશ આવ્યા છે. સત્તાવાળા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અમલદારોને લાગ્યું છે કે, પાણી સર સે ઉપર આ ગયા હૈ, રિવરફ્રન્ટમાં નહીં પણ કૂતરાંઓના ત્રાસની બાબતે. અમલદારોને તેમ લાગ્યું, શક્ય છે કે તેમના કોઈ કુટુંબીજનને કૂતરું કરડયું હોય. એ બાબતે અમલદારનાં પત્ની ઉશ્કેરાયાં હોય, ‘આ તમારો કેવો રેઢિયાળ વહીવટ છે મારા ભાઈને કૂતરું કરડી ગયું’ એવું વડચકું અમલદાર પત્નીએ ભર્યું હોય. ‘તારો ભાઈ તો એ જ લાગનો છે. અમારા ઘરમાં કૂતરાં છોડી ગયા છે તેનું કાંઈ નહીં!’ આવો જવાબ અમલદારે વિચાર્યો હશે પણ આપ્યો નહીં હોય અને આદર્શ પતિની જેમ પત્નીને આશ્વાસન આપતાં કહ્યું હશે, “શહેરમાં રઝળતાં કૂતરાંઓનો હું સરવે કરાવીશ પછી જોઈ લેજે એ કૂતરાંઓને એમની છઠ્ઠી યાદ કરાવી દઈશ.” સરવે કરાવવામાં આવ્યો અને જાહેર થયું શહેરમાં અઢી લાખ કૂતરાં છે. જોકે આ સર્વે જે રીતે કરવામાં આવ્યો છે તે પણ એક ગમ્મત છે. શહેરના અમુક વિસ્તારમાં કૂતરાંઓની ગણતરી કરી તેના આધારે બાકીના વિસ્તારમાં પણ એટલાં જ કૂતરાં હશે તેમ ગણતરી કરી અંદાજ મૂકી દેવામાં આવ્યો છે. અમારા મિત્ર સતપાલસિંહને બેન્કમાંથી નોટનું બંડલ આપવામાં આવ્યું અને કહ્યું ગણી લેજો બરાબર છે ને! સતપાલે અડધું બંડલ ગણીને કહ્યું બરોબર છે. કેશિયરે કહ્યું, “પૂરા ગણી લ્યો ને” “નહીં નહીં, ઈધર તક બરોબર હૈ તો આગે ભી ઠીક હી હોગા.” એમ કહી પૈસા ખિસ્સાંમાં મૂક્યા. સતપાલ થિયરી પ્રમાણે આ કૂતરાંઓની સંખ્યાની ગણતરી કરવામાં આવી છે. હવે કોર્પોરેશને કૂતરા સામે યુદ્ધ છેડવાનું બ્યુગલ વગાડી દીધું છે. કૂતરાઓને નગરની ધરતી ઉપરથી નાબૂદ કરવાની ઇચ્છા પ્રગટ કરી છે. ઇતિહાસ કહે છે કે ભગવાન પરશુરામના અથાગ પ્રયત્નો (૨૧ વાર) છતાં પૃથ્વી ઉપરથી ક્ષત્રિય નાબૂદ થયા ન હતા, તેમ મેયરશ્રી પરશુરામ અવતાર ધારણ કરે તો પણ અમદાવાદ કૂતરાં વગરનું થવાનું નથી. એક લોબી જે પ્રાણી પર અત્યાચારનો વિરોધ કરે છે તે કૂતરાંઓને બચાવવા સક્રિય છે. ઘણા પંડિતોને નવાઈ લાગે છે કે કૂતરાઓને મત આપવાનો અધિકાર નથી, છતાં શા માટે તેનું તુષ્ટિકરણ કરવામાં આવે છે!

શ્વાનોના ત્રાસની નાબૂદીની જાહેરાતને ઘણાં લોકો ‘આજની જોક’ ગણે છે. એ મિત્રોને દૃઢ શ્રદ્ધા છે કે કૂતરાંઓનો વાળ વાંકો નહીં થાય (અને પૂંછડી સીધી નહીં થાય) પણ હવે તો મેયરશ્રીએ લાલ આંખ કરી છે ત્યારે તો પરિણામ આવશે ને!

પેલા શ્રદ્ધાળુઓ સ્મિત કરતાં કહે છે, “આતંકવાદીઓ ધડાકા કરે છે ત્યારે પ્રધાનમંત્રી લાલ આંખ કરે જ છે ને! તેમજ સફેદ દાઢી સાથે લાલ આંખનું ‘કોન્ટ્રાસ્ટ મેચિંગ’ ત્યારે સારું લાગે છે. એટલું જ, ગૃહમંત્રીશ્રી પણ ઉગ્ર ચેતવણી આપે છે છતાં એક ધડાકો કર્યા પછી ત્રાસવાદીઓ વેકેશનમાંથી પરત આવી બીજો ધડાકો કરે જ છે. એ પ્રથા પ્રમાણે કૂતરાંઓ પણ તેમની કામગીરી કર્યા કરશે, ભસશે, કરડશે, ચોર દેખાશે તો સૂઈ જશે. પ્રાણીરક્ષાનાં કાર્યકરો છે ત્યાં સુધી કૂતરાંઓની પૂંછડી પણ સીધી કરી શકવાના નથી. સમજો કે નહીં?’

વાઈડ બોલ

અહીં માપપટ્ટી બધાંની અલગ છે. અને આપણે રોજ સાબિત થવાનું.

- ગૌરાંગ ઠાકર

Wednesday, December 22, 2010

પાર્ટીપ્લોટ કે ઉસ પાર

છાપામાં રહેઠાણની નવી સ્કીમની જાહેરાત આવે છે. તેમાં જાતજાતનાં પ્રલાભનો હોય છે. અમારી સોસાયટીથી પાંચ જ મિનિટના રસ્તે હોસ્પિટલ, (એટલે કે તમારે મારામારી થાય તો ૧૦૮ પહેલાં રીક્ષામાં તમે પહોંચી શકો) દસ મિનિટના રસ્તે દેરાસર કે મંદિર.(ઘરના જુનિયર સભ્યોને આ બાબત ખાસ આકર્ષે ડોસા-ડોસીની કચકચ ઓછી રહેશે.)

કોઈ હાઉસિંગ સ્કીમવાળાએ થિયેટર કેટલું નજીક હશે તેની જાહેરાત નથી કરી. હકીકતમાં મંદિરમાં તો બેસતા વર્ષે કે વર્ષગાંઠે જવાનું હોય, પણ ટોકીઝમાં તો બાર બાર જવાનું હોય છે. સ્કૂલનો ખાસ ઉલ્લેખ જાહેરાતમાં નથી હોતો, કારણ કે ખૂબ જ પ્રતિષ્ઠિત શાળામાં પોતાનાં બાળકોને દાખલ કરવા લોકો ઈચ્છતા હોય એટલે એ દૂર હોય તો પણ જઈ શકાય. ડોનેશનની સગવડ હોય તો તે શાળા દૂર નથી રહેતી.

છગનનું કહેવું છે કે આ બધાં પ્રલોભનો વિશે વિચારતા પહેલાં એ જાણવું જોઈએ કે મકાનથી કોઈ પાર્ટીપ્લોટ નજીકમાં નથી ને! આજકાલ નગરના ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ કે લગ્ન માટેની વાડીઓ ઝગમગાટ સાથે ઊભાં છે.

આપણી પ્રિય નગરી કર્ણાવતી પણ કલાવતી કન્યાની જેમ ફૂલી ફાલી છે. એટલે એમાં ખૂણે ખૂણે પાર્ટીપ્લોટ પથરાયેલા પડયાં છે. આ છૂપો શાપ છે. તેમ છગન કહે છે. છગનના મોટા ભાઈ હેમંતભાઈ તો પાર્ટીપ્લોટને અડીને રહેવા ગયા ત્યારે હરખાતા હતા. ‘સુનીલ પાર્ટીપ્લોટ’ની બાજુમાં જ અમારું ઘર છે. ત્યાં શરણાઈ વાગે, જાણે અમારા ઘેર શરણાઈ વાગી. બોલવામાં આવું ઠીક લાગે. પણ મિત્રો તમારી દાઢમાં સખત દુખાવો થતો હોય અને ત્યારે તમારી સામે કોઈ શરણાઈ વગાડે તો એને સાંબેલું મારવાની જ ઇચ્છા થાય ને!

હેમંતભાઈનો પુત્ર દસમા બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો અને બેન્ડવાળા જોરશોરથી પાર્ટી પ્લોટ ગજવતા હોય આજ મેરે યાર કી શાદી હૈ. પરીક્ષાના સમયે દોસ્તની શાદી હોય અને આવા કડાકા-ભડાકાવાળાના અવાજો થતા હોય તો કહેવું પડે કે, ‘દોસ્ત દોસ્ત ન રહા’

પાર્ટીપ્લોટ પાસેના મકાનમાં રહેતા રહીશને કોઈ માંદગી આવે ત્યારે પાર્ટીપ્લોટ પાસે રહેવાની સજાનો અનુભવ થાય છે. શરીર ધખતું હોય, માથું દુખતું હોય, અકળામણ પણ હોય અને પાર્ટીપ્લોટમાં વાગતું હોય - ‘પરદેશી - પરદેશી જાના નહીં’ ત્યારે એ દર્દીનું મન ગાતું હોય.. ‘દુઃખી મન મેરે - જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ શું થાય? પૂરા પૈસા ચૂકવી મકાનનો કબજો હજી હમણાં જ મેળવ્યો છે.

સંસ્કૃત સુભાષિતોમાં અનેક પ્રકારનાં દુઃખોની વાતો કહી છે. પણ પાર્ટીપ્લોટ પાસે રહેતા લોકોની વેદનાની વાત કરવાની રહી ગઈ છે.

એમાં કોઈનાં મધરાતે લગ્ન હોય, તમે માંડ સૂતા હો અને કર્કશ અવાજે બેન્ડના તાલે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ વાગવા માંડે. ખરેખર આ સંજોગોમાં જીવવું એ પણ એક વીરત્વ ગણાય.

હીરાલાલ પાર્ટીપ્લોટની નજીક રહે છે. એ કાળી કિનારની રૂપેરી કોર જુએ છે. એ પાર્ટીપ્લોટમાં દરેક પ્રસંગે સારાં કપડાં પહેરી જમી આવે છે. (ચાંલ્લો કર્યા વગર) એમને ઘરનું ‘લોકેશન’ પસંદ છે.

ગૂગલી

ખાલી ખિસ્સું એ સૌથી વજનદાર ચીજ છે. એનો બોજો વહન કરવો અઘરો છે.

Saturday, December 18, 2010

કાંદાની સુગંધ

સોના અને કાંદામાં એક સામ્ય છે.

બંનેના ભાવ નિરંતર વધતા રહે છે. સામાન્ય માણસને સોનું અને વધુ સામાન્ય માણસને કાંદા પોસાતા નથી.

સોનું ને કાંદા બંને માણસની આંખમાં આંસુ લાવે છે. તેમાં જ્યારે દોઢ તોલાનો નેકલેસ કોઈ ગઠિયો ગળામાંથી ખેંચી જાય છે ત્યારે ગળાનો ગયેલો નેકલેસ આંખમાં આંસુ લાવે છે. સોનાના આજના ભાવમાં નવા નેકલેસનું સ્વપ્ન પણ આવી શકે તેમ નથી.

ક્રૂડ ઓઈલને કાળું સોનું કહેવામાં આવે છે. તેમ કાંદાને પણ સોનાની ઉપમા આપી શકાય. તેને સફેદ સોનું કે લાલ સોનું કહી શકાય.

એક વખત પાપડી સાથે છૂટથી અપાતી કાંદાની કચૂંબર હવે બીજી વાર માગો તો ટોણો સાંભળવો પડે.

કાંદા ખરીદનારને લોકો આદરની નજરે જુએ છે. કેટલાંક ગરીબીની રેખા નીચે મરવાના વાંકે જીવતા લોકો, ‘જૂતે ભી ખાયે, ઔર પ્યાજ ભી ખાઈ’ની ઉક્તિ પ્રમાણે કાંદા મળતા હોય તો જૂતાં ખાવા તૈયાર છે.

ફિલ્મોમાં ‘ફેડ-અપ’ દૃશ્ય વિલાઈ જાય ને બીજું દૃશ્ય બતાવવામાં આવે તેમ આ લેખમાં ‘ફેઈડ-અપ’ આપી બીજા દૃશ્ય તરફ લઈ જાઉં છું.

* * *

દૃશ્ય - ૨

જૂહુની મોંઘીદાટ હોટેલમાં માસ્ટર પ્રતીક મિત્ર સાથે દાખલ થાય છે. જો કે હવે તેને માસ્ટર ન કહેવાય તેની ઉંમર ચોવીસ વર્ષ થઈ ગઈ છે. આજે તેની વર્ષગાંઠની ઉજવણી છે. તેઓશ્રી ધુરંધર અભિનેત્રી સ્મિતા પાટીલના અને રાજ બબ્બરના પુત્ર છે.

આ ઉંમરે પણ તે ફિલ્મલાઈનમાં છબછબિયાં જ કરે છે. કામ કે નામ મળ્યું નથી. તેમની ઓળખ સ્મિતા પાટિલ કે રાજ બબ્બરના પુત્ર તરીકે જ છે. જન્મદિન હોવાથી ખુશ થઈને મેનેજરને કહી દીધું - આજે હોટેલમાં જે લોકો હોય તે બધાને ‘ડ્રિન્ક્સ’ મારા તરફથી. ઓર્ડર આપતા તો આપી દીધો. હોટેલ મેનેજમેન્ટે તેને રૂ. ૭૦, ૦૦૦ (સિત્તેર) હજારનું બિલ પકડાવી દીધું. કોના બાપની દિવાળી? તે આનું નામ. સ્મિતાજી હવે છે નહીં અને પિતા રાજ બબ્બર ધોબીના કૂતરાની જેમ રાજકારણ અને ફિલ્મ બંને ઘાટ ઉપર આંટા માર્યા કરે છે. કઈ કમાણી ઉપર સીત્તેર હજાર ભરવાના? બબ્બરના નવાબી છોકરાએ સિત્તેર હજાર રૂપિયા અજાણ્યા માણસો પાછળ ખર્ચી નાંખ્યા.

* * *

હવે ફરી પાછા કાંદા-ડુંગળીના દૃશ્યમાં આવી જઈએ. કાંદા, મગફળી, કપાસ જેવા પાકોમાં ઘણી વાર ભારે તેજી આવતી હોય છે ત્યારે ખેડૂતો ન્યાલ થઈ જાય.

તળાજા પંથકમાં ડુંગળી સારી પાકે. કેટલાંક વર્ષ પહેલાં ડુંગળીમાં ખેડૂતો માલામાલ થઈ ગયા હતા. ખેડૂતોનાં ઘર ડુંગળીએ ખૂશ્બુથી ભરી દીધાં હતાં. એવે વખતે એક ખેડૂત કાંદા વેચી, ખિસ્સાંમાં ઠસોઠસ નોટો ભરી ઘર તરફ ઊપડયો. મહુવા જવાના ચાર-પાંચ રૂપિયા એસટીનું ભાડું હતું. ખેડૂતે કંડક્ટરના હાથમાં પાંચસોની નોટ મૂકી, ટિકિટ માટે. કંડક્ટરે નોટ જોયા કરી, પછી કહ્યું, “અદા, આટલા બધા છૂટા ક્યાંથી લાવું?” પેલા ખેડૂતે ખુશીથી કહ્યું, “એસટીના તમામ લોકોની ટિકિટના પૈસા આમાંથી કાપી લ્યો”, એ ખેડૂત રાજ બબ્બરનો પુત્ર ન હતો પણ ધરતીમાતાનો પુત્ર હતો. ધરતીમાતાની મહેરબાની અને પરસેવો પાડીને પૈસા રળેલા હતા. પેલા પ્રતીકભાઈએ પારકે પૈસે પરમાનંદ, આખી હોટેલના ડ્રિન્ક્સનું બિલ ચૂકવ્યું. ઘણાં લોકો પ્રતીક જેવાને બીપીએલના ચેરમેન કહે છે. બાપના પૈસે લહેર કરનારા.

સિત્તેર હજાર રૂપિયા ઉડાડયા... શું કાંદા કાઢયા?

કાંદા કાઢયા પેલા તળાજા પંથકના ખેડૂતે.

ખરું ને!

વાઈડ બોલ

‘પતિ કુટુંબનો ‘હેડ’ (મસ્તક) છે. પણ પત્ની કુટુંબની ગરદન છે. ગરદન જે દિશામાં ઇચ્છે છે તે પ્રમાણે મસ્તક ફરે છે.’

Wednesday, December 15, 2010

ભજ્જી એટલે ભડક્યો હતો!


આપણે ત્યાં પઠાણી ઉઘરાણી શબ્દ છે. ફેંટ પકડીને વસૂલાત કરવામાં આવે તેને પઠાણી ઉઘરાણી કહે છે. બેંગલુરુની વન-ડે મેચમાં ‘પઠાણી ઉઘરાણી’ જોવા મળી. યુસૂફ પઠાણે ન્યુઝીલેન્ડર્સની ફેંટ પકડી વિજય મેળવી લીધો.

ન્યુઝીલેન્ડવાળાએ ત્રણસો પંદર રન કરી લીધા અને પછી ભારતની પાંચ વિકેટ પાડી દીધી ત્યારે વિટ્ટોરીને લાગ્યું હતું કે મેચ જીતી ગયા, પણ પઠાણે ન્યુઝીલેન્ડની બાજી ફીટાઉંસ કરી દીધી.

વિશ્વમાં પ્રથમ વાર વન-ડેમાં બેવડી સદી થઈ તે તેંદુલકરે કરેલી. આજ સુધી વન-ડેની એકમાત્ર બેવડી સદી છે. ત્યારે આ કોલમમાં લખાયેલું કે કોઈ બીજી વાર વન-ડેમાં બેવડી સદી મારે તો તે યુસૂફ પઠાણ જ હશે, બેંગલુરુમાં એ પ્રમાણે જ પઠાણગીરી જોવા મળી.

કોટ (કિલ્લો) નગરની રક્ષા માટે હોય છે. પહેલાંના વખતમાં કોટ નગરની રક્ષા કરતા, બેંગલુરુમાં ટીમ-ઈન્ડિયાની ઈજ્જત યુસૂફ પઠાણે કરી, તો તમે એને ‘પઠાણકોટ’ કહી શકો.

* * *

ટીમ ઈન્ડિયામાં ભજ્જી યાને હરભજન અને યુવરાજસિંહ પેલી મુન્ની જેવા છે. જે સ્વમુખે જાહેરાત કરે છે કે તે બદનામ થઈ ગઈ છે. ભજ્જી સાયમન્ડ સાથેની બબાલથી એક વાર બદનામ થયેલ, પછી બદનામીઓનો જશ્ન મનાવવો હોય તેમ શ્રીસંતને જાહેરમાં લાફો મારી દીધો હતો. હવે લોકો પણ જાણે છે કે શ્રીસંત તો નામનો જ સંત છે. અને એ શેતાની ઉપર ગમે ત્યારે ઊતરી આવે. એની કોઈ શેતાનીથી ઉશ્કેરાયેલા ભજ્જીએ એક લાફો ઝીંકી દીધો. ચેનલવાળાએ વારંવાર એ દૃશ્ય બતાવ્યા કર્યું. (સબ ટીઆરપી કા ખેલ હૈ) એ મારેલી થપાટની ગુંજ ભજ્જીના કાનમાં ખાસ્સી ગુંજી હતી. કરોડ રૂપિયામાં એ થપાટ પડી હતી.

મનમાં ભજ્જીને બદનામ કરતી હરકતો ધ્યાનમાં રાખી હમણાં એક એવોર્ડ સેરેમનીમાં સંચાલકે ભજ્જીને સવાલ કર્યો, “મુન્ની બદનામ કૈસે હો ગઈ?” અને ભજ્જીને “વો ભૂલી દાસ્તાં ફીર યાદ આ ગઈ” ગીત યાદ આવી ગયું હશે એટલે અકળાઈને કહ્યું, “મુન્ની ગઈ ભાડમાં” ભજ્જીએ મુન્નીને મારેલી આ રિમોટ થપાટ કહી શકાય.

* * *

એક ઔર સમારંભની યાદ આવે છે. તાજેતરમાં ડો. ચિમનભાઈ ત્રિવેદીને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ચિમનભાઈને એક્યાશી વર્ષે આ ચંદ્રક મળ્યો. ખાસ્સું મોડું કહેવાય એવા સંકેતથી ધીરુભાઈ ઠાકરે ધનસુખલાલ મહેતાને મોડા મળેલ ચંદ્રક અંગે જ્યોતિન્દ્ર દવેનો અભિપ્રાય કહ્યો. જ્યોતિન્દ્ર દવેએ ત્યારે ટિપ્પણી કરેલી “અત્યાર સુધી ચંદ્રકે ધનસુખલાલને લટકાવ્યા, હવે ધનસુખલાલ ચંદ્રકને લટકાવશે”.

ડો. ચિમનભાઈ ત્રિવેદી સાહિર લુધિયાનવીની પંક્તિ પ્રમાણે ‘જો મીલ ગયા ઉસે મુકદ્દર સમજ લીયા’માં માનનારા, કોઈ દાદ-ફરિયાદ સ્વભાવમાં જ નહીં. આ પ્રકૃતિ માટે કવિ નિરંજન ભગતે કહ્યું, “ચિમનભાઈ ત્રિવેદી વિદ્વાન છે છતાં પણ સજ્જન છે”.

‘કહીં પે નિગાહે કહી પે નિશાના’ જેવું આ વિધાન કોઈકને લાગે પણ ખરું.

Saturday, December 11, 2010

ગંગાનો ચમત્કાર, ભગીરથને ફિટકાર

ગંગાજીનું પૂજન થતું હતું.

સ્વર્ગની મહાન નદી પૃથ્વી ઉપર આવી તેનું પૂજન ચાલી રહ્યું હતું. છેલ્લે એક ખૂણામાં એક ઉપેક્ષિત સાધુ પુરુષ ઊભા હતા.

“એ કોણ છે?” પ્રશ્ન થયો.

“કોણ?”

“પેલા ખૂણામાં ઊભા છે, કોઈ તપસ્વી જેવા લાગતા પુરુષ, ટોળાની રીડિયારમણ વચ્ચે મૂંઝાયેલા હોય એમ ઊભા છે તે?”

“ઓહ એ તો ભગીરથ છે.”

“ભગીરથ?”

“હા ભગીરથ, ગંગાનું પૂજન થઈ રહ્યું છે તે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા તે ભગીરથ. તે પૂજન આયોજન કરનારાઓની નજરથી દૂર ઊભા છે.”

ગંગાને પૂજે છે પણ જેના કારણે ગંગા છે તે ભગીરથની અવગણના થાય છે.

આપણા રમતોત્સવમાં પણ એવું જ જોવા મળે છે. રમતોત્સવમાં ધામધૂમ થાય છે, પણ જેને કારણે તે રમતોત્સવ છે તે રમતવીરો ખોવાઈ જાય છે.

એશિયન ગેમ્સમાં આપણા એક મેડલ વિજેતા મુંબઈ એરપોર્ટ ઉપર આંટાફેરા મારી રહ્યા હતા.

એ રમતવીર મેડલ વહન કરી રહ્યા હતા. પણ તે રમતવીરને વહન કરવા માટે કોઈ વાહનની સગવડ એરપોર્ટ ઉપર હતી જ નહીં. કોઈ અધિકારી પણ તેમને લેવા માટે હાજર ન હતા.

ગંગાનું પૂજન થયું પણ તેને લાવનાર ભગીરથની અવગણના થતી હતી.

કોમનવેલ્થ ગેમ્સ જેને લૂંટફાટ વેલ્થ ગેમ્સ પણ કહેવામાં આવી છે. તેમાં દેશને વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવનાર યુવતી કુ. ચાનેની કહાની પણ કંઈક એવી જ છે. મેડલ લઈ ઘરે જવા માટે વાહન મેળવવા તે ફાંફાં મારતી હતી. ‘જાયે તો જાયે કૈસે?’ એવો માહોલ હતો છેવટે તે રીક્ષામાં બેસી ઘર તરફ ગઈ.

ગંગાનું પૂજન પણ ભગીરથની અવજ્ઞા આને કહેવાય.

કાળા વાદળની રૂપેરી કિનાર જેવી એક ઘટના હમણાં બની. ક્યારેક કોઈક ‘સહારો’ ક્યાંકથી મળી જતો હોય છે. આપણા રમતવીરોનું સન્માન એક ઉદ્યોગ ગ્રૂપે કર્યું. એક ટીવી ચેનલે તે કાર્યક્રમ પ્રસાર કર્યો, ક્રિકેટરોનું તો સન્માન આપણે ત્યાં થાય જ છે પણ અન્ય રમતવીરોનું બહુમાન એ ગ્રૂપે કર્યું. એમાં સન્માન સાથે મનોરંજન પણ હતું.

આપણો બોક્સર મેડલ વિજેતા વિજેન્દર સોહામણો યુવાન છે. તે ફિલ્મવાળાની નજરે ચડી ગયો છે. વિજેન્દર બોકસર છે પણ પાતળી કાઠીનો છે. સૂમો પહેલવાન કોઠી જેવા હોય બોકસર માટે તે જરૂરી નથી, એ વાત ઉપર કોમેન્ટ કરતાં શાહરૂખે કહ્યું, “તને બોકસર તરીકે જોઈ મને થયું કે હું પણ બોકસર બની શકું”. ત્યારે ફિલ્મી દુનિયાનાં દ્વાર ખટખટાવી રહેલ વિજેન્દરે શાહરૂખને કહ્યું, “તમને એકટર જોઈ મને થયું કે હું પણ એકટર થઈ શકું તેમ છું.”

ધોની, યુવરાજ, તેંડુલકરને ગીત ગાતા જોવા મળ્યા. એમની બેટિંગ કરતાં એક અલગ પ્રકારની મજા એમાં હતી.

વીરેન્દ્ર સેહવાગે એની બેટિંગ જેવો જ ઝંઝાવાત સ્ટેજ ઉપર દેખાડયો.

શિક્ષણમાં જેમ ‘રેગિંગ’ છે તેમ ક્રિકેટમાં ‘સ્લેજિંગ’ છે. જેમાં ક્રિકેટરો તેમના હરીફોને ચોપડાવતા હોય છે. શાહરૂખ ખાને પૂછયું, “વીરુ,તેં સ્લેજિંગ કરેલું?” વીરુભાઈએ જવાબ આપ્યો, “શું હું એવો લાગું છું?” છતાં એક પ્રસંગ કહ્યો. પાકિસ્તાનમાં સેહવાગ બોલરોને બરાબર ઝૂડી રહ્યો હતો ત્યારે અકળાયેલા શોએબ અખ્તરે બમ્પર ફેંકવા માંડયા અને વીરુને કહ્યું, “હુક કર, હુક કરને”. ત્યારે વીરુએ કહ્યું, “સામેના છેડે તારો બાપ ઊભો છે એ હુક કરશે જા...” સામે છેડે તેંડુલકર હતો. આની સામે શોએબ અખ્તરે બમ્પર ફેંક્યો ત્યારે તેંડુલકરે હુક કરી સિક્સર ઝીંકી દીધેલી. પછી સેહવાગે શોએબને કહ્યું, “દેખ બેટા, બેટા બેટા હોતા હૈ ઔર બાપ બાપ હોતા હૈ”, આ પ્રસંગની વાત થતી હતી ત્યારે કેમેરો સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક ઉપર ગયો, એનું મોઢું પડી ગયું હતું તે જોઈ શકાતું હતું. છગને કહ્યું, “શોએબ મલિકે સમજવું જોઈએ કે રિશ્તે મેં સેહવાગ સાળા લગતા હૈ, એ તો ફિરકી લઈ શકે.”

ક્રિકેટર સિવાયના ખેલાડીઓનું પણ સન્માન અને પ્રસંગમાં નેતાઓની બાદબાકી, અવળી ગંગા લાગતી હતી. ભગીરથનો આત્મા ખુશ થશે.

વાઈડ બોલ

હાસ્ય લેખકો, વ્યંગ લેખકો સાહિત્યિક ‘સ્લેજિંગ’ કરતા હોય છે તેમ સિંદબાદ કહે છે.

Thursday, December 9, 2010

પુસ્તકો અને સાબુ

એક ગાંધીવાદી મિત્રને મેં પૂછયું, “તમારે ત્યાં સાબુ છે?”

લોકો મેળવણ માટે પૂછતા હોય છે કે “તમારે ત્યાં મેળવણ હશે?”

પણ આ માણસ તો “સાબુ છે એમ પૂછે છે?” ગાંધીવાદી મિત્ર મારા પ્રશ્નથી વિચારમાં ચડી ગયા હતા. શું ઉછીની વસ્તુઓ લેવાની યાદીમાં આ માણસે સાબુનો પણ સમાવેશ કર્યો હશે? એમ એમને થયું હશે. એટલે એમણે વળતો પ્રશ્ન કર્યો, “શું તમારે સાબુ જોઈએ છે?”

સાબુનો બીજો પણ એક અર્થ છે. સામાન્ય બુદ્ધિ. કોમનસેન્સ માટે ટૂંકાક્ષરી ‘સાબુ’ શબ્દ વપરાય છે. ઘણાં લોકો પાસે એ ‘સાબુ’ નથી હોતી. અસામાન્ય બુદ્ધિ ધરાવનાર પાસે પણ કેટલાંક કિસ્સામાં સાબુનો અભાવ દેખાય. જેમ કે આઈનસ્ટાઈન. તેમણે એમને મળેલો એક ચેક, ચોપડીની વચ્ચે કાપલી (બુકમાર્ક) તરીકે મૂકી રાખેલો. તેમણે એ જાણવું જોઈતું હતું કે ચેક વટાવવાની એક સમયમર્યાદા હોય છે. પછી તે વટાવી નથી શકાતો. બ્રહ્માંડના ભેદ સમજનાર એ મહાન વૈજ્ઞાનિક આ સામાન્ય બાબતથી અજાણ હતા એવું લાગે છે.

એ ગાંધીવાદી મિત્રને એ વાત યાદ આવી હશે એટલે સચેત થઈ ગયા. “જો સામાન્ય બુદ્ધિની વાત કરતા હો તો તે મારી પાસે છે, અને જો સાબુ નાહવાનો કે કપડાં ધોવાના સાબુની વાત કરતા હો તો તે પણ મારી પાસે છે.”

“મિત્ર, આપણે વિગતે વાત કરીએ, ચાલો તમને ખબર છે બાપુએ પુસ્તકો વિશે શું કહ્યું છે?”

“બાપુએ તમામ વિષયો ઉપર કંઈક ને કંઈક કહ્યું જ છે. એટલે પુસ્તકો વિશે પણ કંઈક કહ્યું જ હશે”.

“બરોબર છે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો” પણ બાપુ કાંઈ ન મેલે, દરેક વિષય ઉપર બાપુએ કહ્યું જ છે તેમ પુસ્તક વિશે પણ કહ્યું છે.

“શું કહ્યું છે?” ગાંધીવાદી મિત્રે પૂછયું.

“બાપુએ કહ્યું છે પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે”

“અચ્છા?”

“હા, તમે સાબુથી તન સાફ કરી શકો, પણ મન માટે સફાઈકામ ફક્ત પુસ્તકો જ કરી શકે.”

બાપુએ મનની સફાઈ માટે પુસ્તકોની ભલામણ કરી હતી. એટલે મેં ગાંધીવાદી મિત્રને પૂછેલું કે “તમારા ઘરમાં સાબુ છે? મતલબ કે પુસ્તકો છે?”

ગાંધીજી માનતા હતા કે પુસ્તકો મનને શુદ્ધ કરે છે.

એટલે તનની સફાઈ જેમ સાબુથી થાય, તેમ મનની સફાઈ પુસ્તકોથી થાય.

જો કે તન, મન અને ધનનો વિચાર કરીએ તો હાલમાં પુસ્તકો એટલાં મોંઘાં છે કે ધનની સફાઈ પણ પુસ્તકો કરી શકે છે.

એક વિચારક લેખક દ્વારા તૈયાર થયેલું, ‘વાલ્મીકિ રામાયણ’ની કિંમત હતી નવસો રૂપિયા!

સિંદબાદ કહેતો હતો, ‘આ વાલ્મીકિ રામાયણ વાલ્મીકિને ન પોસાય, પણ વાલિયા લૂંટારુંને જ પોસાય’.

યાદ આવે છે કે ઘણાં લોકો સાબુમાં પણ કરકસર કરે છે. મોરારજીભાઈએ મોંઘવારી વિશે જવાબ આપતાં કહ્યું કે સાબુ તમે સાચવીને વાપરો તો વધુ ચાલે પછી ઉમેર્યું, “મારે સાબુ એક વર્ષ ચાલે છે” ત્યારે એક વ્યંગ લેખકે કોમેન્ટ કરેલી કે “મોરારજીભાઈ સાબુ કેવળ સૂંઘતા હશે”, પુસ્તકને સાબુના અર્થમાં જોઈએ તો ઘણાંને એક સાબુ વરસોનાં વરસ ચાલે છે. છગને પાંચ વર્ષ પહેલાં એક પુસ્તક ખરીદ્યું હતું. - હજી એ જ સિલકમાં છે. બાપુએ કહેલા મનનો સાબુ ચલાવવાનો આ રેકોર્ડ ગણાય.

ગૂગલી

મહારાષ્ટ્રની શાળામાં બાળકોના નાસ્તામાં મરેલો સાપ હતો.

- ચેનલ સમાચાર.

કદાચ ચીનની સ્કૂલનું પાર્સલ ભૂલથી આવી ગયું હશે

Saturday, December 4, 2010

કંકોત્રીનું કમઠાણ


કંકોત્રીઓમાં થતા ગોટાળાની વાત કરવી છે.

કંકોત્રીઓ દર વર્ષે આવતી જ હોય છે. દર વર્ષે નહીં પણ દર છ મહિને કે ત્રણ મહિને આવતી હોય છે. કોઈ ઉતાવળીયો NRI આવી જાય તો કમુરતામાં લગ્ન કરે તો કમુરતામાં પણ કંકોત્રી જોવા મળે. કેટલાંક વર્ષો પહેલાં બ્રિટનની ‘ઈમિગ્રેશન પોલિસી’માં ફેરફાર આવી રહ્યા હતા. ત્યારે ઢગલાબંધ બ્રિટનના NRIs ગુજરાતમાં ઉભરી આવ્યા અને શ્રાદ્ધ પક્ષમાં જ અનેક લગ્ન લેવાયાં હતાં. કહે છે ગોરમહારાજોએ ‘ઈમ્પેક્ટ ફી’ લઈને મુહૂર્તો કાઢી આપ્યાં હતાં. શ્રાદ્ધ પક્ષમાં થયેલાં લગ્નોનું શું થયું હતું? એનો એક સરવે કરાવવો જોઈએ, ‘રેશનાલિસ્ટ એસોસિએશન’ આ કામ હાથ ધરી શકે.

વાત કંકોત્રીઓની થતી હતી. મિત્રો, તમારે ત્યાં આવતી કંકોત્રીઓનો અભ્યાસ કરો તો ઘણું જાણવા મળી શકશે.

આમ તો કંકોત્રીઓનો એકમાત્ર ઉદ્દેશ તમને માહિતી આપવા માટે છે કે અમુક-તમુકનાં લગ્ન તમુક-અમુક સાથે અમુક તારીખે, અમુક વારે છે આવી જજો. પણ મિત્રો આટલી સાદી વાત કહેવામાં પણ કંકોત્રીઓમાં અનેક બફાટ જોવા મળે છે. ‘ઘરથી કવરની સફર’માં કેટલું થાકી જવાય તેની વાત શાયરે કરી છે. તે પ્રમાણે લગ્નની માહિતી આપવામાં એક સાદી વાતમાં કેટલા બફાટ થઈ શકે છે તે કંકોત્રીઓમાં જોવા મળે છે.

ઘણી વાર કેટલાંક સુવાક્યો કે પંક્તિઓ આપણને ખૂબ જ ગમી જાય છે. એટલે તેનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકાતી નથી. એમાંથી બફાટનું સર્જન થતું હોય છે. એક ભાઈ જે ડ્રગ ખાતાના ગેઝેટેડ ઓફિસર અને ગોલ્ડ મેડાલિસ્ટ એને સ્ત્રી આગળ લાગતો ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો. ડ્રગ ખાતાના કમિશનર ભગતસાહેબ નિવૃત્ત થતા હતા, તેના સમારંભમાં તેમને સજોડે આમંત્રણ હતું. પેલા ગોલ્ડમેડાલિસ્ટે તેના પ્રવચનની શરૂઆત કરી, ‘આદરણીય ભગત સાહેબ તેમજ તેમનાં ગંગાસ્વરૂપ પત્નીશ્રી’ સાહેબ નોકરી છોડી રહ્યા હતા. જિંદગી નહીં પણ એ ભાઈને ગંગાસ્વરૂપ શબ્દ ગમેલો એટલે છુટ્ટા હાથે વાપર્યો.

અમારા એક સ્નેહીની પૌત્રીનું લગ્ન હતું. તેની કંકોત્રી આવેલી. અમારા સ્નેહી હયાત છે. પણ પૌત્રીની લગ્નની કંકોત્રીમાં તેમના નામ આગળ ગંગાસ્વરૂપ સાવિત્રીબહેન લખ્યું હતું. (નામ બદલ્યું છે) એમના કુટુંબીજનોને પણ ગંગાસ્વરૂપ શબ્દ ગમી ગયેલો એટલે પિતા હયાત હોવા છતાં માતા આગળ ગંગાસ્વરૂપ શબ્દ ઉમેરી દીધો. એ વાત ખરી કે પૌરાણિક કાળની સાવિત્રી તો ગંગાસ્વરૂપ થઈ હતી, પાછી અ.સૌ. થઈ ગયેલી. (આને અવળીગંગા કહેવાય!) પણ અમારા સ્નેહીનાં પત્નીને તો પતિ હયાત હોવા છતાં ગંગાસ્વરૂપ શબ્દ કંકોત્રીમાં લાગી ગયો. લોકો ઘણી વાર હજ્જારો રૂપિયા કંકોત્રીની પાછળ ખરચે છે પણ બસ્સો-પાંચસો રૂપિયા ખરચીને કોઈ ભાષાવિદ્ પાસે કંકોત્રીનો ડ્રાફ્ટ કરાવતા નથી.

એક સ્નેહીની પુત્રીનાં લગ્ન હતાં. એમણે કંકોત્રીમાં એવી પંક્તિ છપાવી કે જે છબરડો જ કહેવાય, એમણે લખ્યું, ‘પુત્ર તો તમારો ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તે પરણ્યો નથી, પણ પુત્રી તમારી કાયમ પુત્રી રહે છે.’

એ ભાઈએ પોતાની પુત્રીને નજરમાં રાખી હશે, પણ વેવાઈનો પુત્ર, એમના જમાઈની લાગણી ન જોઈ. એમણે વેવાઈને ચેતવણી આપી ગણાય કે લગ્ન થવા દો પછી તમારો પુત્ર તમારો રહેશે નહીં અથવા તેમની પોતાની પુત્રીની શક્તિ ઉપર ભરોસો હશે કે મારી દીકરી આ બધાને ઠેકાણે પાડી દેશે. એમ હોત તો પણ આમ બહારવટિયાની જેમ જાસાચિઠ્ઠી આપવાની કાંઈ જરૂરત ખરી? કંકોત્રી કંકોત્રી જ છે તેને જાસા ચિઠ્ઠીમાં ન ફેરવો.

ઘણી કંકોત્રીઓમાં કન્યા કે વરપક્ષના વડીલો આમંત્રણ પાઠવે, તેમાં લખે દર્શનાભિલાષી, સારી વાત છે તમારાં દર્શનની એ લોકો અભિલાષા રાખે છે. પણ એમાંથી કેટલાંક સ્વર્ગસ્થ હોય છે. જ્યારે સ્વર્ગસ્થ માણસ તમારા દર્શન કરવાની અભિલાષા રાખે છે તેમ કહેવામાં આવે તે બદદુવા જ ગણાય ને! તમે મરો ને મારી પાસે આવો તેવો અર્થ નીકળે, પણ સુંદર - સુંદર કંકોત્રીમાં લખાતા મુદ્દાની કોઈ સંભાળ લેવાતી નથી.

વાઈડ બોલ

‘રાષ્ટ્રપતિ ખાડી દેશોમાં’

- સમાચાર

‘રાષ્ટ્ર ખાડામાં, રાષ્ટ્રપતિ ખાડીમાં....’

- છગનની કોમેન્ટ

Wednesday, December 1, 2010

બિહારના દબંગ

બિહારનાં પરિણામો બહાર આવ્યાં કે લાલુપ્રસાદ સડક થઈ ગયા. સડક થઈ જવાનાં કારણોમાં એક કારણ સડક પણ ગણી શકાય.

વરસ પહેલાં લાલુપ્રસાદે જાહેર કર્યું હતું કે બિહારની સડકો તેઓ હેમા માલિનીના ગાલ જેવી બનાવી દેશે.

ઘડીક ભર જનતાને ધર્મેન્દ્ર હોય તેવો આભાસ પણ કરાવ્યો, પણ સડકો એવી જ રહી. જનતા સમસમી ગઈ. લાલુજી નૌટંકી કલાકારની જેમ અનેક વાર જનતા સામે કોઈને કોઈક ખેલ લઈને આવતા રહ્યા.

મેઘાણીની એક કથામાં હતું કે નગરશેઠની દીકરીને પરણાવી તે ગામમાં પાણીનું ભારે દુઃખ હતું. નગરશેઠે પોતાનો ખર્ચે (માર્ક- પોતાના ખર્ચે) એક નહેર દીકરીના ઘર સુધી લઈ આવ્યા, જેથી દીકરી ઘરના ઉંબરેથી બેઠા બેઠા પાણી ભરી શકે. લાલુજી પણ એમની દીકરીના સાસરાના ગામમાં વીજળી-પાણીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરી નાખી હતી. પણ વિખ્યાત અમેરિકન પ્રમુખે કહ્યું છે કે તમે તમામ લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી.

લાલુના ‘પાસ’માં જનતા ન બંધાઈ. નીતીશકુમારની પાર્ટી ફરી જંગી બહુમત લઈને આવી ગઈ ત્યારે લાલુજી તેમની શૈલીમાં બોલી ઊઠેલા, ‘યે સસૂરા તો ફિર સે મેદાન માર ગયા.’ કહે છે કે નીતીશકુમારે લાલુજીના બળાપા સામે એક વાર પ્રહાર કરેલો. નીતીશ વિશે એલફેલ તેઓ બોલ્યા હતા ત્યારે વધુ એક અમેરિકન પ્રમુખ યાદ આવે છે, જેમણે ચૂંટણી સમયે હરીફ ઉમેદવારને બેફામ વાણીવિલાસનો જવાબ આપતાં કહેલું કે ‘તમે મારી વિશે જૂઠું બોલવાનું બંધ કરો, નહીંતર હું તમારા વિશે સાચું બોલીશ.’ આ ધમકીની અસર થયેલી. નીતીશકુમાર એન્ડ કંપનીએ લાલુજી વિશે સાચી વાતો કરી. જનતા સમજી ગઈ. લાલુજી પણ સમજી ગયા કે અબ કોઈ ‘ચારા’ નહીં હૈ, કોઈ ચારા ન રહા, સહારા ન રહા. સચિવાલયમાં ક્લાર્ક તરીકે પણ ન ચાલે, તેવા રાબડીદેવીને લાલુપ્રસાદે મુખ્યપ્રધાન બનાવી દીધાં. (મતલબ કે જનતાને માથે માર્યા.) પ્રજાએ આ બધી વાતનો ‘ગિન ગિન કે બદલા લિયા’. કોંગ્રેસે ‘એકલો જાને રે’ની નીતિ અપનાવી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સભાઓ અને સરઘસો ભવ્ય રહ્યાં હતાં. એમ કોંગ્રેસીજનોને આશા હતી પણ કોંગ્રેસને આખા રાજ્યમાં ગણીને ચાર સીટ મળી. જે રાજ્યમાં આપણા આક્રમક ક્રિકેટર કીર્તિ આઝાદના પિતાશ્રી આઝાદ મુખ્યપ્રધાન હતા એ રાજ્યમાં ક્રિકેટ ટીમના રિઝર્વ ખેલાડીની સંખ્યા જેટલા પણ ધારાસભ્યોને કોંગ્રેસને નથી મળ્યા. પાજોદ દરબારની ભાષામાં ‘આવી હાલત થશે, કોણ માનશે’ છતાં સ્થાનિક કોંગી આગેવાનો એવી વાતો કરે છે જાણે, ‘નાટક તો સફળ જ હતું, પણ ઓડિયન્સ ફેઈલ ગયું.’ હવે આપણા જેવાને જાણવામાં એ રસ છે કે ‘કેટલા ગુંડા ચૂંટાયા છે? (કોઈ પણ પક્ષમાં) કેટલા ગુંડા હારી ગયા? આખરે સફળતાનો માપદંડ તો એ જ છે.’

ગૂગલી

છગનનું અવલોકન, ‘કોઈ ન્યાયાધીશને લગ્ન કરવા હોય તો ગોર પાસે જવું પડે અને ગોરને છૂટાછેડા જોઈતા હોય તો ન્યાયાધીશ પાસે જવું પડે.’