‘લાલાને કે.જી.માં દાખલ કરવાનો છે... જઈ આવજો’ લાલાની માતાએ લાલાના પિતાશ્રી સુનિલને કહ્યું.
સુનિલ દોડતો થઈ ગયો, લાલાના એડમિશન માટે - ડોનેશનની વ્યવસ્થા કરવાની હતી. પી.એફ. જેને ભવિષ્યનિધિ કહેવામાં આવે છે. તે ભવિષ્યનિધિમાંથી લાલાનું વર્તમાન સુધારવા માટે પૈસા ઉપાડયા. અને લાલાએ સ્કૂલગમન કર્યું.
વાત યાદ આવી ગઈ. આ છાપાના જ એક પત્રકારમિત્રે લખ્યું હતું કે કથાઓમાં કહેવાય છે કે ‘મા તે મા બાકી બધા વગડાના વા’ પણ એ લોકો એમ કેમ નથી કહેતા કે ‘બાપ એ બાપ, બાકી બધા વગડાના સાપ’ પત્રકારમિત્રની વાત સો ટચની છે. કવિઓ, લેખકો બધા જ મા એ મા ની રેકોર્ડ વગાડે છે, બાપની કોઈ વિસાત નથી. સુનિલે લાલાના એડમિશન માટે ડોનેશન આપવા પી.એફ.ની લોન લીધી એની કોઈ વાત નહીં થાય. આ સમાજે આ વિશે ઢગલાબંધ કહેવતોનો ઢગલો કરી દીધો છે. બાપ વિશે કોઈ કહેવત યાદ કરવાનો પ્રયાસ કર્યો તે એક યાદ આવી ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો’ બાપને યાદ કર્યો તો ગધેડા સાથે જ, બાપને ગધેડા બનાવવાની જ વાત છે ને! છગન ‘ગરજે ગધેડા...’વાળી કહેવતમાં ઉમેરણ કરે છે છે કે ગરજ પતી ગઈ હોય તો બાપને પણ ગધેડો કહેવો. ‘બાગબાન’ ફિલ્મ જોનારાઓ એ વાત મંજૂર રાખશે.
કહેવાય છે કે શરૃમાં ફક્ત ‘મધર્સ ડે’ જ ઉજવાતો ત્યાર પછી ઘણાં વર્ષે ‘ફાધર્સ ડે’ની શરૃઆત થઈ. જમતા વધેલું ક્યારેક બીજાને આપવામાં આવે છે ને તેમ.
લાલાના જન્મની વાત કરીએ તો પુત્રજન્મ થયો છે તેવી જાણ થતા સગાં-સ્નેહી, મિત્રો બધાએ સુનિલ પાસે પેંડાની માગણી કરી. બાપ બનવાની ખુશીમાં સુનીલ પેંડા લઈ આવ્યો. બીજા દિવસથી રોજ હોસ્પિટલના દોડા શરૃ કર્યા ટિફિન લઈને. થોડા દિવસમાં ડોક્ટરને કંઈક ગરબડ લાગી કે બાળકોના ડોક્ટર તરફ સુનીલે દોડાદોડ કરી.
ડોક્ટરે એક છાપેલી યાદી આપી. કઈ કઈ રસી ક્યારે લાલાને મુકાવાની. ક્યારેક પોલિયો પીવરાવવાનો.આ બધા માટે પિતા સુનિલે જ દોડાદોડી કરેલી. પછી દવાવાળાની દુકાનના આંટા શરૃ થઈ ગયા. ડોક્ટરે લાલા માટે લખેલી દવાઓ તો લાવવી પડે ને! સુનીલે જાણે પગમાં પૈડાં નંખાવ્યાં હતાં, અમીર બાપ કા દિલ હૈ.
લાલો થોડોક મોટો થયો કે લાલાની માતાએ ફરમાઈશ કરી હતી. આ બાબતે દરેક માતાઓ જાણે ઝૂમરીતલૈયામાં જન્મી હોય છે. સતત ફરમાઈશ કરતી જ હોય. ‘લાલા માટે સરસ સરસ કપડાં લઈ આવજો.’ સુનીલ સરસ સરસ કપડાં અને લાઈટવાળાં બૂટ લઈ આવ્યો. સુનીલના હૃદયમાં બાપનો હરખ હતો. માની મમતાની વાત કરતા કવિઓ, બાપની બાપતા વિશે કેમ કશું લખતા નથી! કે.જી.થી માંડી કોલેજ સુધીના લાલાના એડમિશનને એક મિશન સમજી સુનીલે દોડાદોડી કરી હતી.
લાલાની મા ગરમાગરમ રસોઈ પીરસતી, પણ તે માટે લાલાના બાપા ગરમ ગરમ સડકો ઉપર દોડાદોડી કરતા.
‘લાલાને સારી કોલેજ - સારી લાઈન અપાવજો’ માતાએ ઈચ્છા જાહેર કરી ‘અક્કરમીની જીભ અને અક્કરમીના ટાંટિયા’ કહેવત છે ને. સુનિલ લાલા માટે દોડતો રહ્યો. તેની કોલેજની ફી, ચોપડીઓ, કેન્ટીન બધાના ખર્ચા માટે સુનીલે પાછું વળીને જોયું નહીં. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ એવું લખનાર જનકની કામગીરી વિશે ચૂપ રહ્યા. ‘કામ કરે જનક, જશ ખાય જનની’ એવી જમાનાની તાસીર છે.
લાલાની ભણતર પછી તેની નોકરી માટે સુનીલે અનેક જગ્યાએ ઓળખાણ પીછાણ માટે ટાંટિયાની કઢી કરી. આવા કંઈક લાલાઓ માટે કંઈક બાપાઓ નાના-મોટા ભોગ આપતા હોય છે. પણ સમાજ આને જ મહત્ત્વ આપે છે.
શાયરની વાત યાદ આવે છે :
‘જો તાર સે નીકલી વો ધૂન સબને સૂની હૈ’
‘જો સાજ પે ગૂજરી વો કીસને દેખા હૈ’
મા સંગીત છે, બાપ સાજ છે.
ગૂગલી
‘સત્ય અને અસત્ય વચ્ચે અંતર?’
‘૨૫ કિલોમીટર, ગાંધીઆશ્રમથી ગાંધીનગર વિધાનસભા’ (મિત્રનો SMS)
1 comment:
નિરંજન ભાઈ લેખ અને ગુગલી વાંચવાની મજા આવી ગયી. લાલાના બાપા નહિ પણ દરેક બાપાની કંઇક આવી જ પરિસ્થિતિ હોય છે.
http://rupen007.feedcluster.com/
Post a Comment