ગાંધીનગર અને તકલીફોને ઘેરો સંબંધ છે.
પત્નીથી ત્રાસેલા પતિદેવોનું એક મંડળ ગાંધીનગરમાં ચાલે છે.
પત્નીત્રસ્ત પતિદેવોના મંડળનું પણ પાટનગર ગાંધીનગર છે, એટલે કે એ મંડળનું હેડક્વાર્ટર ગાંધીનગર છે.
આ મંડળે ત્રેવીસમી જૂને ઠેર-ઠેર રેલી કાઢી હતી. આ રેલીમાં પત્નીથી ત્રસ્ત થયેલા પતિદેવો જોડાયા હતા. કેટલાંક નેતા જોડાયા પત્નીથી ત્રસ્ત હોવા છતાં, આગળ શું થશે? એવી ચિંતાથી કેટલાંક નેતા આવ્યા તેવું મંડળના સક્રિય કાર્યકરે જણાવ્યું હતું. લગ્ન વિશે કહેવાય છે કે તે એવો લાડુ છે કે જે ખાય તે પસ્તાય ન ખાય તે પણ પસ્તાય. આ રેલી, આ મંડળ લાડુ ખાઈને પસ્તાયેલાઓનું હતું.
એક ગીત છે ‘પરણેલા પુરણ પસ્તાય હવે શું કરીએ રે?’ હવે શું કરીએ રે તેનો જવાબ રેલી કાઢવામાં મળ્યો. સ્ત્રી ઉપર થતા અત્યાચાર માટે કાનૂની વ્યવસ્થા છે. કેટલીક સ્ત્રી સંસ્થાઓ ઝનૂનપૂર્વક સ્ત્રીઓના રક્ષણ માટે લડે છે. પણ આ પત્નીત્રસ્ત મંડળવાળા કહે છે...
પુરુષો માટે કશું નથી. આ મંડળના પ્રમુખનું નામ છે દશરથભાઈ. કમાલ કહેવાય ને. યાદ કરો રામાયણના શ્રી દશરથને, એ દશરથ રાજાએ ત્રણ ત્રણ પત્ની નિભાવી હતી. જ્યારે આ દશરથ એક પત્નીથી વાજ આવી ગયા? અમેરિકામાં અનેક પ્રકારનાં મંડળો ચાલે છે. જાડા લોકોનું મંડળ, પાતળા લોકોનું મંડળ, માંસાહારીનું મંડળ તો શાકાહારીનું મંડળ, પણ પત્નીત્રસ્ત લોકોનું મંડળ નથી. એવું નથી કે અમેરિકામાં પત્નીઓ નથી, અમેરિકામાં પત્નીઓ છે અને તે પતિને ત્રસ્ત કરે છે પણ ખરી, પતિ પત્નીને ત્રસ્ત કરે છે. સમાન અધિકારમાં એ લોકો માનનારા છે. પણ ત્યાં છૂટાછેડા ભરપૂર છે. ન ફાવે એટલે છૂટા. એટલે આવા દશરથભાઈવાળાં મંડળો ત્યાં નથી. સી.એન.એન.ના એન્કર ‘લેરી કીંગ’ - આઠમી વાર છૂટાછેડા લેવા જઈ રહ્યાં છે.
ભોગીલાલ સિંદબાદ કહે છે કે બહુપત્નીત્વથી પત્નીઓના કંકાસ ઉપર અંકુશ રહેતો હતો. પત્નીને ડર રહેતો હતો કે હું ત્રાસ આપીશ તો એ બહાર શાક લેવા જશે ત્યારે શાકની સાથોસાથ શોક્ય પણ લેતા આવશે. રાજાઓની કથામાં પણ આ તત્ત્વ જોઈ શકાય છે. રાજાને સાત રાણી છ માનીતી અને એક અણમાનીતી. કચકચ કરતી પત્ની અણમાનીતી ‘કેટેગરી’માં જતી રહેતી. જેમ પ્રમોશનની લાલચથી લોકો સારું કામ કરે છે તેમ પત્ની પણ ‘ડીમોશન’ અણમાનીતિ થઈ જવાના ભયથી વ્યવસ્થિત રહી શકે. સિંદબાદનું કહેવું છે કે માણસ કાં તો ભય અથવા લાલચથી જ સારું વર્તન કરે છે. આપણે બહુપત્નીત્વ તરફ તો જઈ શકીએ તેમ નથી. પણ સરળ છૂટાછેડા એવી કોઈ યોજના પેલા મંડળવાળાની શાંતિ અર્થે દાખલ કરી શકીએ. અત્યારે દશરથભાઈ અને તેમના સાથીઓની હાલત તલત મહેમૂદે ગાયેલા ગીત જેવી છે. ‘જાયે તો જાયે કહાં?’ ‘સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલ કી જૂંબા.’ આ ગીત એકદમ હિટ તેના જમાનામાં થયેલું તેનું કારણ મોટાભાગના લોકોને લાગેલું કે તલતે એમના માટે જ આ ગીત ગાયું છે.
જેમ ‘ચટ મંગની પટ બ્યાહ’ હોય છે, ધોનીએ કર્યું તો એ જ રીતે ‘પટ ડાયવોર્સની સગવડ હોવી જોઈએ.’ કેટલાંક છોકરાંઓ ભણવામાં નિષ્ફળ જાય છે ત્યારે ક્યારેક આપઘાત કરે છે કે ભણવાનું છોડી દે છે. આ સાદો ઉપાય છે? લાઈન બદલી ન શકાય? સ્કૂલ બદલી ન શકાય? આપઘાત એ જ ઉપાય છે? જો પટ ડાયવોર્સ લોકો અપનાવે તો દશરથભાઈનું ‘પત્નીત્રસ્ત પતિદેવોનું મંડળ’ સમેટાઈ જશે.
No comments:
Post a Comment