Tuesday, July 20, 2010

કાલિયાનું શું થશે?

માફિયા બોસ સામે એમના ગુનેગારને ખડો કરવામાં આવ્યો હતો. બોસની આજુબાજુ એના ‘ફોલ્ડરો’ શસ્ત્રો સાથે ઊભા હતા. જેમ્સ બોન્ડની ફિલ્મમાં બોસ ખોળામાં બિલાડી રાખતા અને પછી ન્યાય કરતા હતા. (આમ તો અન્યાય જ) આ બોસના ખોળામાં બિલાડી ન હતી. પણ એક કાચની કેબિનેટ હતી. તેમાં બે બોક્સ હતાં. એક ઉપર ફાંસીનો ફંદો ચીતરેલો હતો, બીજા બોક્સ ઉપર મુક્ત પંખી હતું. અને આજુબાજુ એક ઓક્ટોપસ આંટા મારતો હતો. હવે બોસે ઓક્ટોપસવાળી નવી પદ્ધતિ દાખલ કરી હતી. પહેલાં ‘માર દીયા જાયે કે છોડ દીયા જાયે’ એ કેસેટ વગાડવામાં આવતી હતી અને એ પ્રમાણે નિર્ણય થતો હતો. પણ બોસે જમાના પ્રમાણે તરીકા બદલવાનું નક્કી કર્યું હતું. ઓક્ટોપસ ફાંસીવાળા બોક્સ ઉપર બેસે તો પેલા શખ્સનું બાર દિવસ પછી બારમું નક્કી. અને જો મુક્ત પંખીવાળા બોક્સ ઉપર ઓક્ટોપસ બેસે તો... છુટ્ટી.

માફિયા આ રીતે નિર્ણય લે તો શું એ અંધવિશ્વાસ ગણાય? તર્ક સંગત ગણાય?

મિત્રો, અનિર્ણાયકતાની પળોમાં માફિયા કે મહાત્મા ગેબી રસ્તા અપનાવે છે. તેમના જીવનવૃત્તાંતમાં નોંધાયું છે કે ક્યારેક બાપુ ગૂંચવણમાં હોય, શું કરવું તે નક્કી ન થઈ શકતું હોય ત્યારે સત્યના પૂજારી બાપુ ચીઠ્ઠીનો આશ્રય લેતા હતા. બાપુ ચીઠ્ઠીઓ નંખાવતા. મહાદેવભાઈ જેવા કોઈ અંગત માણસ પાસે ચીઠ્ઠી ઉપડાવતા, ચીઠ્ઠીમાં જે આવે તે પ્રમાણે નિર્ણય કરતા. આજે સત્યની ચીઠ્ઠી કહેવાય કે ચીઠ્ઠીનું સત્ય કહેવાય? આમ તો આને પણ બાપુની ઓક્ટોપસવાળી જ કહેવાય.

એ જાણીતી હકીકત છે કે આ ચાર દિનની જિંદગીમાં મહિલાઓ બે દિવસ કયું શાક બનાવવું તેની ચર્ચામાં જ પૂરા કરતી હોય છે. એટલે છગનની પત્નીએ અંગુલિથી નિર્દેશન મેળવવાનું નક્કી કર્યું હતું. છગનની પત્ની તેને આંગળી પકડવાનું કહેતી. છગન પણ સજ્જન, આંગળી કહેતા એ પોંચો નો’તો પકડતો. આંગળી નક્કી કરતી કે કયું શાક આજે ઘરમાં બનશે. ઘણી વાર આ કારણે છગનના ઘરમાં ‘લેડીઝ ફિંગર’ નક્કી કરતી કે આજે ભીંડાનું શાક બનશે.

શું કરવું? કે શું થશે, એ માણસોની શાશ્વત મૂંઝવણ છે અને ઓક્ટોપસ પદ્ધતિ તેનો જવાબ મેળવવાનો શોર્ટકટ ગણાય.

રાજકારણમાં શું થશે કે શું હશે? તે જાણવા ‘સોનિયાગ્રાફી’નો આશરો લે છે. અને ગર્ભમાં શું હશે? તે જાણવા સોનોગ્રાફીનો આશરો લે છે. કે પછી પ્રશ્ન જ્યોતિષનો આશરો પણ લે છે.

‘એક્ઝિટ પોલ’ પણ ચૂંટણીની આગાહી કરતો એક જાતનો ઓક્ટોપસ પોલ જ છે.

‘કાલિયા તેરા ક્યા હોગા?’ એ પ્રશ્ન ફક્ત ગબ્બર જ નહીં આપણા દરેકના મનમાં ઊઠતો જ હોય છે અને એ માટે ચીઠ્ઠીથી માંડી ઓક્ટોપસ દરેકે અજમાવાય છે. આપણી વાર્તાઓમાં હોય છે કે હાથણી કળશ ઢોળે તે ઉપરથી નક્કી થાય કે કોણ રાજા થશે? કે રાજકુંવરી પામશે? હવે ટીવી ચેનલવાળા રાખી સ્વયંવરની જેમ ઓક્ટોપસની મદદથી સ્વયંવર યોજી શકે.

ગૂગલી

‘આળસ શું છે?’

‘કામ કર્યા વગર થાકી જવું’ (SMS)

No comments: