Sunday, July 25, 2010
ભાઉની પોળનો ભપમ
સમાજમાં ખૂણે ખૂણે વિશિષ્ટ વ્યક્તિ મળી રહે છે, જેમાં ચહેરો અને નામ બદલાય છે પણ મિજાજ એકસરખો જ રહે છે. ભપમ પણ આવી એક વિશિષ્ટ વ્યક્તિ હતી. આમ તો નામ રવીન્દ્ર પણ રવીન્દ્ર તરીકે એ પોતે પણ હોંકારો ન ભણે. ભાઉની પોળના ભપમ તરીકે જ ઓળખાય. ભપમનો અર્થ તમને ભગવદ્ ગોમંડલમાં પણ નહીં મળે તેની ખાતરી. સાડા પાંચ કરોડ ગુજરાતીમાં આ નામ નહીં મળે. કદાચ એક અબજ ભારતમાં કે સાત અબજ દુનિયામાં પણ આ નામ ન હોઈ શકે.
એ ભપમ અચાનક ગુજરી ગયો. અમદાવાદમાં નહેરુ પુલની પશ્ચિમ છેડે આવેલી ઓફિસના પગથિયે તેને હેમરેજ થઈ ગયું. મિત્રો અને સ્નેહીજનો બધા એક જ વાત કરતા હતા. હજી હમણાં તો જોયો હતો. વાત કરી હતી પણ હાર્ટ એટેક અને હેમરેજ એ એવા છે કે તેમને વ્યક્તિના નામ આગળ સ્વ. લગાડતા વાર નથી લાગતી.
અમદાવાદમાં ખાડિયાની ફૂટપાથ પાર્લમેન્ટ ખૂબ જ જાણીતી છે. એ પાર્લમેન્ટના સ્થાપક સક્રિય કાર્યકરોમાં ભપમ પણ એક. વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટ કે સાંસદ હરીન પાઠક અને કેટકેટલાય કોર્પોરેટરો ફૂટપાથ પાર્લમેન્ટની ફૂટપાથ સીટ ઉપર બેઠેલા એ બધાય ભપમના ચાહકો. ફૂટપાથ પાર્લમેન્ટમાં ચા-પાણી થાય. પણ મમરા ન આવે. ભપમ વાતોમાં મમરા મૂકવાનું કામ કરતો હતો. એના મમરાથી પાર્લમેન્ટના સભ્યોને મજા પડી જતી હતી. અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં કૂતરાની હડકવા વિરોધી રસી મુકાવા સવારમાં લાઈન થઈ જાય. ભપમ કહે ‘અહીંના વોર્ડબોય એને કૂતરાની લાઈન કહે છે.’ લેખક રજનીકુમાર પંડયાના ટૂંકા નામાક્ષરમાં રજનીકુમાર ડી. પંડયા છે. તે તેમને ‘રડી પડયા’ કહેતો.
પાર્લમેન્ટમાં રાજકારણની ગરમાગરમ કે સમાજકારણની હેતુલક્ષી ચર્ચાઓ ચાલે ત્યાં આ ભાઈ મોડે સુધી બેઠા રહેતા. ઉપરથી સંગીતની જબરી ધૂન. શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લીધું ન હતું, પણ ઘણાખરા રાગ-રાગિણી ઓળખે. ખાડિયાના પ્રખ્યાત ગાયક કેતૂમાન પારધી પણ એના ખાસ દોસ્ત હતા. સંગીતના શોખના કારણે ભપમ સંગીતપ્રધાન ફિલ્મો ખાસ જુએ. ‘સંગીત સમ્રાટ તાનસેન’ ખાડિયાની મોડલ સિનેમામાં આવેલું. આ ફિલ્મ ફ્લોપ હતી. એક જ અઠવાડિયું અમદાવાદમાં ચાલેલી, પણ તેટલા સમયમાં તેણે સાત વાર એ ફિલ્મ જોઈ નાખેલી.
સંગીતના ચાહકોનું ખાડિયામાં મોટું ગ્રૂપ. એમાંય સાથે પંડિત દામોદર શાસ્ત્રી રામાયણની સંગીત કથા ઠેર ઠેર કરે. દામોદરજી સંગીતના આ પ્રકારના મસ્તોથી (શોખીનબાજોથી) પ્રભાવિત. આ સંગીતના દીવાનાઓને મળે એટલે દામોદરજી કહેતા, ‘મસ્તો કો મત છેડો મસ્તો મેં દમ નહીં, મસ્તો કી મસ્તી ઈબાદત સે કમ નહીં’
ખાડિયામાં ત્યારે જનસંઘ ઊભરી રહ્યો હતો. તેણે કોઈ પણ અપેક્ષા વગર તેમાં કામગીરી કરી હતી. વસંત ગજેન્દ્રગડકર સાથે ઘરોબો થઈ ગયો હતો. વસંતભાઈનું અચાનક અવસાન થયું, વસંતભાઈની સ્મશાનયાત્રામાં હાથમાં રહેલી તમાકુ તેણે ફેંકી દીધી, ‘બસ આજથી તમાકુ બંધ વસંતભાઈના સન્માનમાં’ એવું કશુંક કહ્યું અને છ મહિના તમાકુ ન પણ ખાધી. ફરી પાછી શરૂ કરી. કોઈકે કમેન્ટ કરી, ‘શું વસંતભાઈ સજીવન થઈ ગયા.’ પણ મસ્તોનું તો આવું જ હોય ને!
એ કાળની વાત છે જ્યારે સેંટ ઝેવિયર્સમાં આચાર્ય ફાધર ડીસોઝા હતા અને રીલીફ રોડ ઉપર એક ટેલરનું નામ પણ ડીસોઝા હતું. ભપમનું પેન્ટ ફાટયું હશે. ને એના પિતાએ તેને કહ્યું, ‘લાવ રિપેર કરી આપું’ પિતાજીએ સરળ રીતે પેન્ટને ધાગા મારી આપ્યા. પેન્ટ હાથમાં લેતા ભપમે સૂક્ષ્મ કોમેન્ટ કરી, ‘થેંક્યુ ફાધર ડીસોઝા!’
તે ભણતર પામી ન શક્યો, પણ ગણતર ભરપૂર પામેલો. એની બેન્કના એક ઓફિસર શ્રીક્રિષ્ણા કહેતા કે ‘ઓફિસરો પણ ઝટ પકડી શકે નહીં તેવી ભૂલો બેન્કિંગમાં આ માણસ પકડે છે.’ જીવનના વહાણને યોગ્ય શઢ અને ખલાસી મળી જાય તો આ પ્રકારના માણસની જિંદગી બદલાઈ જાય.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
very touching article about bhai ravindra,"bhapam".thanks niranjanbhai.
Post a Comment