“છૂટાછેડાના સમારંભની કંકોતરી હોય?”
“કેમ ન હોય? લગ્નની હોય છે કે નહીં?”
“પણ લગ્નમાં તો આનંદ પ્રગટ થતો હોય છે એટલે કંકોતરી હોય છે.”
“બરોબર, તો છૂટાછેડા થવાથી આનંદ થતો હોય તો કંકોતરી બહાર પડાય કે નહીં?”
“પડાય. જરૂર પડાય. હરખ પ્રગટ થતો હોય તો પ્રગટ કરવાની તક શા માટે ચૂકવી?”
વાત જાપાનની છે. હમણાં જ ત્યાં એક યુગલે છૂટાછેડા લીધા અને તેની ઉજવણી કરી. જાપાન આમ તો રૂઢિચુસ્ત સમાજ કહેવાય. આપણી જેમ, પણ પરિવર્તન બધે જ આવી રહ્યું છે. અમેરિકા ઊંચી ઈમારતોનો દેશ છે. તે મોટી ઈમારતોના દેશમાં લગ્નજીવન સરેરાશ નાનું હોય છે. આપણે ત્યાં ‘આઈટી’વાળા જે ઝડપથી નોકરી બદલે છે તેથી વધુ ઝડપે એ લોકો જીવનસાથી બદલે છે. આપણી સરકાર પણ આર્થિક ક્ષેત્રે અમેરિકા જેવી પ્રગતિ ઇચ્છે છે. તો સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ પછાત રહેવા નથી માગતી એટલે આપણે ત્યાં પણ છૂટાછેડા સરળ થાય તેવા કાનૂન ધીરે ધીરે આવી રહ્યા છે. ‘અમારા સમયમાં આવું કાંઈ ન હતું’ તેવું બોલવાનો એક વધુ મોકો સિનિયર સિટીઝનોને મળશે. (એમાં ઈર્ષાનો ભાવ પણ હોઈ શકે!) હોલિવૂડમાં પણ એક અભિનેત્રીએ તેના ‘ડિવોર્સ’ નિમિત્તે ભવ્ય પાર્ટી આપી હતી. જાપાનની મહિલાએ પણ શાનથી છૂટાછેડા ઉજવ્યા. હિન્દી ફિલ્મનું એક ગીત હતું, ‘જીતે હૈ શાન સે મરતે હૈ શાન સે’ આ જ તર્ક લગ્નજીવનને લાગુ પડે, લગ્ન પણ શાનથી થાય તો છૂટાછેડા પણ શાનથી થાય. લગ્નમાં તમે સરસ કપડાં, ઠાઠ-ઠઠારાથી જઈ શકો છો તેમ છૂટાછેડામાં પણ જઈ શકાય. કોઈના બેસણામાં તમે ઠઠારો ન કરી શકો. બેસણામાં જવા માટે બ્યુટીપાર્લરમાં થઈને ન જવાય, પણ છૂટાછેડા જે આમ જોવા જાવ તો લગ્નનું ઉઠમણું કહી શકાય પણ તેમાં તમે જરૂર ઠઠારો કરી શકો. બેસણાં-ઉઠમણાંમાં આયોજકો દુઃખી હોય છે. ઉદાસ હોય છે. અથવા કમ સે કમ દુઃખી છે, તેવી છાપ પાડવા પ્રયાસ કરે છે, પણ છૂટાછેડામાં તે મેળવનાર આનંદિત હોય છે. આપણે તેના આનંદના સહભાગી થવાનું છે, એટલે થ્રી-પીસ શૂટ પહેરીને જઈ શકાય.
હવે આ સામાજિક પરિવર્તન આગળ વધશે ત્યારે છૂટાછેડાના સમારંભો થશે, પાર્ટીપ્લોટ બુક થશે, કેટરિંગ એજન્ટોની સેવા લેવાશે. ઘણા દરજીઓ ‘મેરેજ સૂટ’ની જાહેરાત કરતા હોય છે. હવે એ લોકો ‘ડિવોર્સ સૂટ’ની પણ જાહેરાત કરશે. આપણે ત્યાં શબને પણ નવાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે તો લગ્નજીવનની અંતિમ વિધિમાં પણ નવાં વસ્ત્રનું મહત્ત્વ હોઈ શકે.
છૂટાછેડા વધતાં આર્થિક ક્ષેત્રે, વ્યાપારી ક્ષેત્રે નવી છટાઓ જોવા મળશે. અત્યારે લગ્નની કંકોતરીઓની દુકાનો જોવા મળે છે તેમ છૂટાછેડાની શાનદાર કંકોતરીઓ વેચનારાઓ પણ બજારમાં આવશે. લગ્નની કંકોતરીમાં મથાળે શુભ-લાભ છપાયેલું હોય છે. છૂટાછેડામાં ‘હાશ છૂટયા’ એવું છપાયેલું જોવા મળે શકે.
હજી આપણા મલકમાં છૂટાછેડાનું ચલણ થયું નથી. કોઈ વ્રતમાં કુમારિકાઓ જમાડવાની હોય છે. એ તો મળી રહે. કોઈ વ્રતમાં પરિણીતાઓ જમાડવાની હોય. બાર તેર જેટલી સંખ્યામાં જોઈતી હોય તે મળી રહે પણ ધારો કે કોઈ નવું વ્રત આવ્યું જેમાં દસ છૂટાછેડાવાળીને જમાડવાની છે તો આજની તારીખે તે શક્ય નથી, પણ એ દિશામાં જે ગતિએ પ્રગતિ થઈ રહી છે તે જોતાં ભવિષ્યમાં છૂટાછેડા લેનારીઓને જમાડવી હશે તો તકલીફ નહીં પડે. હવે છૂટાછેડાવાળાને પણ ‘રિસ્પેક્ટ’ મળે છે. આપણાં જાણીતાં અંગ્રેજી કોલમિસ્ટ શોભા ડે. જેને તમે કોલમિકા કહી શકો. એણે ચાર વાર લગ્ન કર્યાં છે. પહેલાં ભારતમાં પુરુષો અનેક વાર લગ્ન કરતા હતા ત્યારે ‘ચોથી ચોક પૂરે’ એમ કહેવાતું મતલબ કે ચોથી પત્ની ન્યાલ કરે. આ શોભા ડે માનતાં હશે કે આવી પુરુષપ્રધાન કહેવતનો સામનો કરવો જોઈએ એટલે ‘ચોથો વર યમન કરાવે’ એવી કંઈક કહેવત ‘કોઈન’ કરવા એમણે ચાર વાર લગ્ન કર્યાં હશે. પણ ટૂંકમાં એમણે નવી કહેવત આપવા સાથે છૂટાછેડાનો મહિમા કર્યો છે.
હવે પછી છૂટાછેડાનાં મુહૂર્તો, છૂટાછેડાની રીત-રસમોનો વિકાસ થશે, લગ્નમાં કન્યા વિદાય થતી. આમાં વર-કન્યા છુટકારાનો સમય નક્કી કરી, બંને જણાં બેન્ડના તાલે તાલે સ્વજનો સાથે નાચતાં નાચતાં વિદાય લેશે. ભલું થયું ભાંગી જંજાળ જેવું ભજનગીત પણ વાગતું હશે. કે નુસરત ફતેહઅલીની કવ્વાલી ‘મેરે બાદ કીસ કો સતાઓગે તૂમ’ પણ વગાડી શકાય.
લગ્ન એ ભેગા થવાનો આનંદ છે, તો છૂટાછેડા છૂટા થવાનો આનંદ છે. ‘જો તાલ્લુક બોજ બન જાયે ઉસે છોડના અચ્છા’ તેવી મતલબનું શાયરે કહ્યું જ છે.
જવાનીમાં પાડેલું પરસેવાનું દરેક ટીપું ઘડપણમાં તમને આંસુનું ટીપું પાડતા બચાવશે. - એક મિત્રનો એસએમએસ
1 comment:
નિરંજનભાઈ સરસ લેખ . છુટાછેડામાં કોઈ ઉજવણી કરે ના કરે પણ બંને પક્ષના વકીલ અને જ્જ તો જરુર કરતાં હસે જ.
http://rupen007.feedcluster.com/
http://rupen007.wordpress.com/
Post a Comment