Saturday, July 31, 2010

કૂંડાંતોડ ધારાસભ્યો


એક કારીગર માટીનાં સરસ કૂંડાં બનાવી રહ્યો હતો. છગને જઈને પૂછયું, ‘‘આ કૂંડાં કેમ આપ્યાં?’’

‘‘આપવાનાં નથી’’

‘‘આપવાનાં નથી? તો કેમ બનાવ્યાં?’’

‘‘એટલે કે તમને આપવાનાં નથી. આ બીજા પ્રદેશમાં મોકલવાનાં છે. સ્થાનિક વેચાણ અમારા માટે શક્ય જ નથી. બહારનો ઓર્ડર બહુ મોટો છે.’’

‘‘સારું સારું તમને મોટો ઓર્ડર મળ્યો. આનંદની વાત છે. કઈ બાજુથી ઓર્ડર મળ્યો છે?’’

‘‘સા’બ બિહારનો ઓર્ડર મળ્યો છે, એ લોકોએ આપણી મદદ ઠુકરાવી હતી પણ અમે તેમનો ઓર્ડર ઠુકરાવ્યો નથી.’’

‘‘આપણી મદદ તો તેમની સરકારે ઠુકરાવી.’’

‘‘હા, પણ આ ઓર્ડર બિહાર સરકારનો છે, ત્યાંની વિધાનસભા માટે મોટી સંખ્યામાં કૂંડાંઓનો ઓર્ડર આવ્યો છે’.’

‘‘એમ!’’

‘‘હા, ત્યાંની વિધાનસભાના સભ્યોએ અસભ્ય કૃત્ય કરી, પરિસરનાં બધાં જ કૂંડાં તોડી નાખ્યાં છે, એટલે એ લોકોને તાત્કાલિક કૂંડાં જોઈએ છે.’’

‘‘અભિનંદન, મિત્ર તને અભિનંદન, ભલે ત્યાંના વિધાનસભાના સભ્યોએ અભિનંદનીય કાર્ય ન કર્યું હોય, પણ આ ઓર્ડર મેળવવા બદલ અમારાં અભિનંદન.’’

‘‘આભાર સાહેબ, આ ઓર્ડરની એક ઉજળી બાજુ છે.’’

‘‘એ કઈ?’’

‘‘ત્યાંના ધારાસભ્યોએ ચેલેન્જ ફેંકી છે, સરકાર જેટલાં કૂંડાં મૂકશે એ બધાં જ અમે તોડીશું, ગીતકારે કહ્યું હતું ને કે તુમ રૂઠી રહો મૈં મનાતા રહું... એમ આ વિધાનસભ્યો કહે છે કે તમે કૂંડાં મૂકતા રહો અમે તોડતાં રહીશું, આમાં મજા મળે છે.”

‘‘કહેવું પડે’’

‘‘સા’બ, એ લોકો કૂંડાં તોડતા રહે, અમે ઘડતા રહીએ, સરવાળે મારા ઘરના રોટલા ઘડાતા રહે.’’

‘‘પણ શું આ કૂંડાં એ લોકો તોડી રહ્યા છે એના પૈસા ધારાસભ્યોના ખિસ્સામાંથી અપાય છે કે લોકોના?’’

‘‘સા’બ હું શું જાણું?’’

---

બિહાર વિધાનસભાનાં થયેલા હંગામાને કેટલાક લોકો ગુંડાગીરી કહે છે. છગન એને કૂંડાંગીરી કહે છે.

બિહાર વિધાનસભામાં થયેલી કૂંડાંઓની હત્યા. સોહરાબુદ્દીનની હત્યાથી આઘાત પામેલા લોકો દ્વારા જ થઈ છે. સોહરાબુદ્દીનની હત્યા અંગે આંસુ પાડતા એ લોકો છોડ અને કૂંડાંના નાશથી હર્ષ પામે છે. અગર આંસુ પડે છે તો પણ તે હર્ષનાં આંસુ છે.

ટીવી ચેનલ ઉપર જોઈ શકાયું હતું કે ‘મોરે યાર કૂંડા તોડ’ એવું કંઈક ગાતાં કૂંડાં તોડી રહેલાં મહિલા સભ્ય(!) હતાં. તેમનું નામ જ્યોતિ છે. એક કવિએ લખ્યું છે. ‘ભારત કી નારી ફૂલ નહીં ચિનગારી હૈ.’’

આ જ્યોતિ માટે ચેનલવાળાએ લખ્યું હતું. ‘જ્યોતિ બની જ્વાલા’ પણ આ ચિનગારી તો ભડકો હતી. એ ભડકામાં લોકશાહીનાં મૂલ્યો, શિષ્ટાચાર, સમજદારી બધું સ્વાહા થઈ ગયેલું જણાયું.

પ્રખ્યાત પહેલવાન કિંગકોંગ તેના હરીફોને ઊંચકીને કુસ્તીની રીંગની બહાર ફેંકી દેતો હતો. એવા જ જુસ્સાથી જ્યોતિજી કૂંડાંઓને ઊંચકી ઊંચકીને ફેંકી રહ્યાં હતાં. ખૂબ લડી મર્દાની, ઝાંસી કી રાણીની જેમ જ્યોતિજીનું શૌર્ય લોકોએ ટીવીના પરદે જોયું. નાને પરદે મોટા ખેલ જોવા મળ્યા. ભારતની નારીશક્તિએ કરેલી પ્રગતિનું ઉદાહરણ ટીવી ઉપર જોવા મળ્યું.

જોવા મળ્યું કે આપણા ધારાસભ્યો નબળા નથી. સશક્ત છે. આજે કૂંડાં ઉપર તેમણે આક્રોશ ઠાલવ્યો. કાલે સમાજના બીજા સળગતા પ્રશ્નો ઉપર આવો જ ‘કૂંડાતુલ્ય’ આક્રોશ બતાવશે. એ સમસ્યાઓનો ભુક્કો બોલી જશે. જ્યોતિજીની આક્રમક્તા જોઈ, તેમના પતિદેવનું કૌશલ્ય પણ કલ્પી શકાયું. બીજી મહિલાઓ ફેંકવા માટે કેવળ રસોડાંનાં સાધનોનો જ ઉપયોગ કરતી હશે જેમ કે, સાણસી, તવેથો વગેરે જ્યારે જ્યોતિજી રસોડાની બહાર નીકળી કૂંડાં સુધી પહોંચી ગયાં છે.

એકાદ ‘પદ્મ’ એવોર્ડનાં તેઓ અધિકારી છે. ખરું કે નહીં?

વાઈડ બોલ

‘જ્યારે તમે મગજ ગુમાવ્યા વગર કે આત્મશ્રદ્ધા ગુમાવ્યા વગર કશું પણ સાંભળી શકો ત્યારે તમે એજ્યુકેટેડ છો. શિક્ષિત છો તેમ માનજો.’

‘આ ધારાસભ્યો અભણ છે એમ માનવાનું ને!’ (SMS)

1 comment:

rupen007 said...

નિરંજનભાઈ જોરદાર વાઈડ બોલ અને મજાનો લેખ છે.

http://rupen007.feedcluster.com/