Wednesday, July 28, 2010

ગીતની બીજી બાજુ

રેડિયો ઉપર કેસટ ઉપર સીડી પ્લેયર ઉપર અનેક વાર એક ગીત મેં સાંભળેલું છે. તમે પણ સાંભળ્યું હશે. ખૂબ જ લોકપ્રિય ગીત છે કે સનમ કે શ્રીમતી જે હોય તેને સંબોધીને નાયક ગાય છે- ‘ઓ મેરી જાને જા... તૂમ મેરી પાસ હોતી હો તો કોઈ દૂસરા નહીં હોતા.’

કેવી હિંમતથી નાયક કહે છે! નાયક એટલે કે હીરો. નાયક પત્નીને સંબોધીને કે તું જ્યારે મારી પાસે હોય છે ત્યારે બીજું કોઈ નથી હોતું. છગન સવાલ કરે છે કે તો એ જ્યારે નથી હોતી ત્યારે શું હોય છે? ત્યારે શું બીજી કોઈ હોય છે? એ ગાનાર નાયક પત્નીને બેવકૂફ સમજે છે? એવું કહેવાથી તે રાજી થયા કે તું હોય છે ત્યારે બીજું કોઈ નથી હોતું. એટલે કે તું પિયર જાય ત્યારે કોઈ હોઈ શકે છે.

ગીત સુંદર અવાજે ગવાયું છે. સુંદર તરજ સંગીતકારે બનાવી છે, પણ સ્ત્રીને ઉલ્લુ બનાવવાની વાત છે. નવાઈ એ વાતની છે કે કેમ કોઈ મહિલા આગેવાનોએ આનો વિરોધ ન કર્યો?

આમાં ગીતના નાયકના નિવેદનમાં ચતુરાઈ દેખાય છે. પત્નીએ પૂછયું હશે કે તમારે કોઈ ‘અફેર’ છે? ત્યારે એણે ગીતમાં કહી દીધું કે તું મારી પાસે હોય ત્યારે કોઈ દૂસરા નહીં હોતા? જવાબ આમ સાચો ગણાય પણ દાનત વિશે શંકા પડે તેવું ગણાય. નરો વા કુંજરો વા જેવો અર્થ નીકળે. તું મારી સાથે હોય ત્યારે કોઈ નથી હોતું એવો ગોળગોળ જવાબ નાયક આપે છે.

નાયિકા પણ નાયકને ઉલ્લુ બનાવતી હોય તેવા એક જૂના ગીતમાં પોતાના ભાવિજીવનની ઇચ્છા જાહેર કરે છે- ‘છોટા સા બંગલા હો, બંગલે મેં ગાડી હો ઔર બલમા અનાડી હો.’

પેલી લોકકથામાં આવે છે તેવી વાત થઈ. ભગવાને ગરીબ અંધ માણસને કહ્યું કે એક વરદાન માગી લે. અંધજન તો આંખો જ માગે ને! પેલાને બીજું ઘણું જોઈતું હતું. એટલે એણે કહ્યું, ‘પ્રભુ, સાત માળની હવેલીમાં સુવર્ણના હીંચકા ઉપર હીંચકે ખાતા ખાતા કમ્પાઉન્ડમાં આવતી ટોયટો કે હોન્ડા કારમાંથી ઊતરતી સુવર્ણથી લદાયેલી મારી પુત્રવધૂને હું જોઉં...’

એક જ વરદાનમાં પેલા અંધે કેટલું બધું માગી લીધું. સાત માળની હવેલી, લક્ઝુરિયસ કાર, પુત્રવધૂ સુવર્ણ અલંકારથી લદાયેલી, એટલે વૈભવ પણ ખરો, પુત્રવધૂ આવી એટલે લાંબા આયુષ્યવાળો પણ ગણાય. અને તે તેને જોઈ શકે, એટલે કે વરદાનમાં ઢગલાબંધ લાભ આખું પેકેજ. પેલી કથાની નાયિકા પણ આ જ રીતે કહે છે. બંગલો હોય, ગાડી હોય, એટલે વૈભવશાળી પતિ તો હોય જ. ઉપરાંત બલમા અનાડી હો, એમ પણ જાહેર કરે છે. આ તેની હોશિયારી છે. બલમો ચાલાક ન હોવો જોઈએ, પૈસો હોવો જોઈએ, પણ બલમો તો અનાડી જ જોઈએ. ર્ગિભત અર્થ એવો નીકળે કે બલમો અનાડી હોય તો તેને ફાવે તેમ નચાવી શકાય. જો રાજ કરવું હોય તો બલમો જરા અનાડી હોય તે જરૂરી છે. ઘણાં ધનાઢય કુટુંબમાં પતિ હોશિયાર હોય ત્યાં સ્ત્રીને મહત્ત્વ નથી મળતું. ગાડી-બંગલો હોય પણ હોશિયાર પતિના ઈશારે જ વધુ ચાલે એ કેમ ચાલે? એટલે હોશિયાર સ્ત્રી બલમો અનાડી ઇચ્છે છે. ટચલી આંગળીનો ઉપયોગ કોરિયોગ્રાફીમાં થઈ શકે માટે.

No comments: