Sunday, July 18, 2010

પંડિત પોલની જય!

સ્પે ન ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું. નેધરલેન્ડ હારી ગયું. નેધરલેન્ડવાસીઓ દુઃખી દુઃખી હતા.

‘‘નેધરલેન્ડવાસીઓ સે દુઃખી કૌન હૈ?’’ પૃથ્વી સે ભારી કૌન હે? તેવા અંદાજમાં છગને પૂછયું.

‘‘કોણ છે?’’

‘‘ભારતના રેશનાલિસ્ટો સ્પેનના જીતવાથી નેધરલેન્ડ કરતાં પણ વધુ દુઃખી છે.’’

‘‘એમ કેમ? સ્પેને રેશનાલિસ્ટોનું શું બગાડયું છે?’’

‘‘સ્પેન નહીં પણ પેલા ઓક્ટોપસ પોલે બગાડયું છે, રેશનાલિસ્ટો થનગની રહ્યા હતા કે સ્પેન હારે કે અંધશ્રદ્ધા વિરુદ્ધ નિવેદનો ફટકારવા માંડવાનાં. કેટલાંક રેશનાલિસ્ટો નિવેદનો તૈયાર રાખીને જ બેઠા હતા, જેમ બીમાર નેતાની જીવન ઝરમર કેટલાંક છાપાંવાળા તૈયાર રાખે છે તેમ.”

સ્પેનનો જયજયકાર થયો સાથોસાથ ઓક્ટોપસ પોલની વધુ જયજય થઈ.

ટીવી કવરેજને હિસાબે આપણી ક્રિકેટપ્રેમી જનતા પણ ફૂટબોલ મેચ જોવા માંડી છે. બાકી આપણને તો બારાતી તરીકે પણ આમંત્રણ નથી. ભારતની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પણ યોગ્ય ગણાતી નથી. આ અંગે એક રમૂજ અમારા મિત્ર મહેન્દ્ર જોષીએ મોકલી. પ્રેમિકા એના પ્રેમીને પૂછે છે તું મને કાયમ પ્રેમ કરીશ ને? ત્યારે પ્રેમી નવા અંદાજમાં જવાબ આપે છે. ચાંદ-તારાની સાક્ષીને બદલે કહે છે, “જ્યાં સુધી ભારત ફૂટબોલ વર્લ્ડકપ નહીં જીતે ત્યાં સુધી હું તને પ્રેમ કરતો રહીશ.’’ કાયમ પ્રેમ કરતો રહીશ એ કહેવાનો આ અંદાજ લાજવાબ ગણાય.

ફૂટબોલના મેદાનમાં બોલને પડતી લાતોને જોઈ એક ગીત યાદ આવ્યું, કિશોરકુમારનું ‘ઘુંઘરૂ કી તરહ બજતા હી રહા હૂં મૈં, કભી ઉસ પૈર મેં, કભી ઉસ પૈર મેં...

જિંદગીની કરુણાનો ભોગ બનેલો પણ ગાઈ શકે, ‘ફૂટબોલ કી તરહ પીટાતા હૂં મૈં,

કભી ઈસ પૈર સે કભી ઉસ પૈર સે...’

સમાજની લાતો ખાધેલો માણસ ફૂટબોલમાં પોતાની જાતને જોઈ શકે.

ફાઈનલ ધબાધબીમાં નેધરલેન્ડના એક ખેલાડીએ સ્પેનના ખેલાડીની છાતીમાં લાત ફટકારી હતી. ત્યારે ઘણાંને શ્રીમદ્ ભગવત યાદ આવ્યું હતું. દુર્વાસા મુનિ ફૂટબોલ રમતા ન હતા, પણ તેમણે પણ ભગવાન શ્રીકૃષ્ણની છાતીમાં લાત ફટકારી હતી. સાક્ષાત્ ભગવંત હતા એટલે એમણે દુર્વાસાને કોઈ કાર્ડ બતાવ્યું ન હતું. પણ લાત મારવા જતા તમારા પગને ઈજા નથી થઈને એમ પૂછયું હતું.

ફૂટબોલ રમનારાઓ લવરમૂછિયા કહેવાય તેવા યુવાનો હોય છે. ઉકળાટ વ્યક્ત કરતા વાર ન લાગે. તેમ છતાં રેફરીના યલો કાર્ડ અને રેડ કાર્ડને ભલે કચવાતે મને પણ આદર આપતા હતા. એ લવરમૂછિયા ખેલાડીઓ સાથે આપણા પીઢ નેતાઓ સંસદ અને વિધાનસભામાં કેવા દેકારા કરે છે! કેવી તોડફોડ કરે છે. સંસદના રેફરી જેવા સ્પીકરના આદેશને સાંભળતા જ નથી. આપણે સંસદ અને વિધાનસભાના સ્પીકરને યલો કાર્ડ કે રેડ કાર્ડ આપી રાખવા જોઈએ. ખેલાડીઓ પાસેથી આપણા પીઢ નેતાઓ કંઈ શીખી લેશે?

આપણે વર્લ્ડકપ લેવલ ઉપર રમી નથી શકતા પણ સ્થાનિક ટુર્નામેન્ટ આપણે ત્યાં ચાલતી જ હોય છે. મહિલા ફૂટબોલ મેચ પણ ચાલતી હોય છે. ગોલકીપરને ટૂંકમાં ગોલી પણ કહેવાય છે. છગન કહે છે કે મહિલા ફૂટબોલમાં મહિલા ગોલકિપરને ગોલી કહો તો કેવું લાગે?

આપણે ત્યાં સ્થાનિક કક્ષાએ ફૂટબોલ ઘણો રમાય છે. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણી ડિપોઝીટ જપ્ત થઈ તેમ કહેવાય એવા નાના દેશો ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. ફૂટબોલ વર્લ્ડકપ યોજનાર ‘ફિફા’નું નામ ભારતમાં જાણીતું થઈ ગયું. આપણે ત્યાં દમ વગરનું કામ કરનાર માટે ફીફાં ખાંડે છે તેમ કહેવાય છે. પણ ફૂટબોલ ક્ષેત્રે ભારત ફીફાં ખાંડે છે તેમ કહી શકાય. અને તેમ છે ત્યાં સુધી આપણી નોંધ નહીં લેવાય.

ઓક્ટોપસ પોલને પૂછવું પડે કે આપણને એન્ટ્રી ક્યારે મળશે?

વાઈડ બોલ

આવતા વર્ષે અંધજન ચલાવી શકે તેવી કાર રસ્તા ઉપર આવી જશે

- સમાચાર.

‘અત્યારે રસ્તા ઉપર અંધજનો જ કાર ચલાવતા હોય તેવું ઘણી વાર લાગે છે.’

No comments: