Saturday, March 5, 2011

લવ યુ અમદાવાદ!

અમદાવાદને છસ્સો વર્ષ પૂરાં થયાં. તેની જન્મજયંતી હતી છવ્વીસ ફેબ્રુઆરીએ, તે ધામધૂમથી અનેક લોકોએ ઊજવી. અમને પણ ખૂબ ઉત્સાહ હતો. આ અમારું પ્યારું નગર છે. બહાર ગયા હોઈએ, પાછા ફરીએ અમદાવાદનાં ઝાડવાં દેખાય કે અમે પ્રફુલ્લિત થઈ જઈએ. આમ તો અમે NRK. કહેવાઈએ. જેમ NRI કેટેગરી છે તેવી કેટેગરી છે NRK. એટલે કે નોનરેસિડેન્ટ કાઠિયાવાડી. આ શહેરમાં મારા જેવા ઘણા NRK છે. ભલે અમે કાઠિયાવાડી પણ એકડો અમદાવાદમાં ઘૂંટેલો અને એલએલબી પણ અમદાવાદમાં થયેલા (માંડ માંડ). નોકરીની શરૂઆત પણ આ શહેરમાં કરેલી, નિવૃત્ત પણ અહીંયાં જ થયા.

આ અમદાવાદની માયા-મોહિની અજબ છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા કશ્યપને કોઈ સ્નેહીએ પૂછયું, “હું અમદાવાદ જાઉં છું કાંઈ મંગાવું છે?” “યાર ત્યાં જતા હો તો મારા માટે એક પ્લાસ્ટિક બેગમાં અમદાવાદની માટી લેતો આવજે, સૂંઘી લઈશ કે તાજો થઈ જઈશ.”

આ અસર છે અમદાવાદની. કોઈકે નિરીક્ષણ કર્યું છે કે માણસ અમદાવાદની બહાર નીકળી શકે પણ તેનામાંથી અમદાવાદ બહાર નીકળી ન શકે. ગાંધીજી પણ અમદાવાદમાં રહેલા NRK જ હતા. અમદાવાદની ભૂમિમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. અમદાવાદનો આશ્રમ જગ-મશહૂર થઈ ગયો. અમદાવાદે ગાંધીજીની યાદમાં ગાંધીરોડ પણ બનાવ્યો છે. પણ ખૂબી એ છે કે ગાંધીમાર્ગ, એક માર્ગી, વન-વે છે આ વાત ઘણી સૂચક છે.

ઘણાં ક્ષેત્રોમાં અમદાવાદનું પ્રદાન છે. વિજ્ઞાન અને અંતરીક્ષ ટેક્નોલોજીમાં અમદાવાદના વિક્રમ સારાભાઈનું પ્રદાન યાદ રહે તેવું છે. (ખરા ભારતરત્ન એ ગણાય). સંગીતક્ષેત્રે અમદાવાદના બ્રીજભૂષણ કાબરા ગિટારવાદનમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મશહૂર છે. શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદનું યોગદાન કેમ ભુલાય? દેશના મહાન કલાકારો જાન્યુઆરીમાં ‘સપ્તક’માં ભેગા થયા.

અમદાવાદની ગલી ગલીમાં ક્રિકેટ રમાતું હોય છે. ભલે તે મેદાની રમત કહેવાતી. અમદાવાદમાં તે ગલીની રમત છે. સાંકડી ગલીમાં કોઈ દીવાલ ઉપર ચીતરેલા સ્ટમ્પ સામે છોકરાઓ ક્રિકેટ રમતાં હોય. હા, ક્રિકેટ ક્ષેત્રે ઝાઝા રમતવીરો અમદાવાદે નથી આપ્યા. પણ જસુ પટેલને ન ભૂલી શકાય. જસુ પટેલ અમદાવાદી ક્રિકેટના ખૂબ ચહીતા ખેલાડી હતા. ઓસ્ટ્રેલિયન બોલર લીલી ખૂબ લોકપ્રિય ગણાય. એ બોલિંગ નાખવા જાય કે ત્યાંના પ્રેક્ષકો લી.લી.લી...લી એમ સમૂહમાં ગાવા માંડે. એ લીલી અગાઉ એવું દૃશ્ય અમદાવાદના ક્રિકેટ મેદાન ઉપર જોવા મળતું. કોઈ વિદેશી ટીમ અમદાવાદમાં રમવા આવે, જશુભાઈ એમને ભારે પડે જ. અને ત્યારે મેદાનમાં બેઠેલા પ્રેક્ષકો જેમ લીલીને લોકો બિરદાવતા તેમ જશુ પટેલને બિરદાવે. જશુભાઈ જેવા રન-અપના માર્ક ઉપર જાય કે પ્રેક્ષકો બૂમો શરૂ કરે - ‘બોય - લર’... ‘બોય....લર’ (બોલર) આ જસુભાઈએ સૌ પ્રથમ વાર આ દેશને ટેસ્ટની મોટી જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને ધૂળ ચાટતી કરી હતી.

અમદાવાદનું માણેકચોકનું રાત્રી બજાર અમદાવાદની ઓળખ છે. પાણીપૂરી-પકોડીનો મેળો અમદાવાદમાં ખાસ ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાએ લોકો એને ‘પકોડી-પૂનમ’ તરીકે ઓળખે છે. પકોડી-પૂનમ એ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે. રાજસ્થાનીઓ કહેતા હોય છે. ‘દિવાળી અઠે કઠે પણ હોળી તો મારવાડે’ તેવી રીતે અમદાવાદનો ઉત્તરાયણનો માહોલ જબરજસ્ત હોય છે. દેશ-વિદેશોમાં વસેલા અમદાવાદીઓ પણ ‘દિવાળી અઠે-કઠે પણ ઉત્તરાયણ તો અમદાવાદે ભલી’ એવું માનતા હોય છે. દશેરાના ફાફડા - જલેબી સમગ્ર અમદાવાદને ફાફડામય કરી દે છે.

અમદાવાદ તરફ ઈર્ષા રાખનાર એની નીચલી કક્ષાની મજાકો કરે છે. સ્વ. યશોધર મહેતા કહેતા કે જેને અમદાવાદમાં ઘર કે સાસરું નથી મળ્યું એ લોકો જ આવી અમદાવાદની મજાક કરી તેમની ઈર્ષાઓ ઠાલવે છે...

વાઈડ બોલ

દરેક સ્ત્રી તેના પતિની દૃષ્ટિએ મહારાણી ન પણ હોય, પણ તેના પિતાની નજરે તે કુંવરી જ છે.

No comments: