Saturday, February 26, 2011

જે કર ચલાવે કડછી, તે પામે ખુરશી

રાજસ્થાનના પંચાયત ખાતાના મંત્રી અમીનખાંએ નિવેદન કર્યું કે, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ કોઈ સમયે ઇંદિરાજીને ત્યાં રસોઈ કરતાં હતાં. એમની આ રસોઈ કામગીરી, ગાંધીકુટુંબની સેવાને કારણે એના પુરસ્કારરૂપે તેમને રાષ્ટ્રપતિ પદ મળ્યું છે. આ નિવેદનને લીધે મંત્રીશ્રીએ પદ ગુમાવ્યું છે. હવે તેઓ ભૂતપૂર્વ મંત્રી થઈ ગયા છે, આવા અભૂતપૂર્વ નિવેદનને કારણે. આપણાં રાષ્ટ્રપતિ ઇંદિરાજીને ત્યાં રસોઈ કરતાં હતાં તે મંત્રીશ્રીની બાફવાની કામગીરી જ ગણાય. બાફવું એ રસોઈની એક પ્રક્રિયા ગણાય છે. ભલે પ્રતિભાજીને રસોઈને કારણે પદ મળ્યું હોય પણ અમીનખાંએ બાફવાને કારણે પદ ગુમાવ્યું છે. સ્વાદિષ્ટ રસોઈથી વ્યક્તિને રાજી કરી શકાય છે. રસોઈથી પ્રસન્ન થયેલી વ્યક્તિ રસોઈ કરનારને ઇચ્છિત ફળ આપે છે, આમાં ખોટું પણ શું છે?

આમ તો નિર્ણય લેવામાં વરસો નીકળી જાય છે. જેમ કે, અફઝલ ગુરુની ફાંસીની ફાઈલ હવામાં લટકે છે (લટકવાનું અફઝલને હતું) પણ રાજસ્થાન સરકારે અમીનખાં એમનું નિવેદન પૂરું કરે કે તુરંત જ બરતરફ કરી દીધા. ઈંદિરાજીએ ‘કામ કરતી સરકાર’ એવું સૂત્ર આપેલું. તમે નવું શું કહો છો? એના જવાબમાં એમણે કહેલું, અમારી સરકાર ઝડપથી કામ કરતી સરકાર હશે. રાજસ્થાન સરકારે તેનો અમલ કરી દેખાડયો. એમણે ઝડપથી કામગીરી કરી પંચાયતપ્રધાનને ઘરભેગા કરી દીધા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આટલી ઝડપી કામગીરી માટે રાજીવ ખેલરત્ન જેવો કોઈ એવોર્ડ મળવો જોઈએ. કેટલાક માને છે કે અમીનખાં પંચાયત પ્રધાન હતા, પણ તેમણે આવી પંચાતમાં પડવાની જરૂર નહોતી.

ભારતનું બંધારણ અમે ભણ્યા છીએ, વાંચ્યું છે, ‘લો’ની પરીક્ષાના સાત દિવસ પહેલાં વિક્રેતા પાસે બંધારણનું પુસ્તક અમે ભાડેથી લઈ આવ્યા હતા. ભાડે બંધારણ લાવ્યો હતો તે જાણી અમારા એક મિત્રે કહેલું, ‘તું જે રીતે બંધારણને હળવાશથી લે છે, તો રાજકારણમાં ઘણો સફળ રહ્યો હોત, મૂળ વાત કરીએ તો બંધારણમાં રાષ્ટ્રપતિની લાયકાત આપેલી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પાંત્રીસથી વધુ ઉંમરનો હોવો જોઈએ, ગાંડો ન હોવો જોઈએ વગેરે વગેરે. તેમાં ક્યાંય નથી લખ્યું કે તેણે કોઈ વડાપ્રધાનને ઘેર રસોઈનું કામ કરેલું હોવું જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે જે કરે ચાકરી તે પામે ભાખરી. હવે તમે જો ભાખરી મારફત ચાકરી કરો તો એ સૌથી રૂડું ગણાય.

વળી મહિલાઓ માટે તો રાંધણકળા સૌથી જરૂરી ગુણ ગણાયો છે. પ્રતિભાજી એ ગુણ ધરાવતાં હશે. એમને ઇંદિરાજી સાથે ઘરોબો હતો તેમ જાણકારો કહે છે. એટલે ઇંદિરાજીને ત્યાં જતાં હશે ત્યારે તેમની રાંધણકળાનો લાભ આપતાં હશે.

મા કે હાથ કા મૂલી કા પરાંઠા, તેમજ માશી કે હાથ કે બેસન કે લડ્ડુને હિન્દી ફિલ્મોએ પ્રખ્યાત કરી દીધા છે.

અમને પણ અમારાં માશી દળના લાડુ ખવડાવતાં હતાં. જો અમે સત્તાધીશ હોત તો અમારી માશીને ફાયદો મળે તેવું જરૂર કરત.

પ્રતિભાજીના કિસ્સામાં કહી શકાય કે ‘જે કર ઝાલે કડછી, તે પામે ખુરશી’.

ચેનલોવાળા એક જોરદાર મોકો ચૂકી ગયા છે. તેમણે પ્રતિભાજીનો ઈન્ટરવ્યુ લેવો જોઈતો હતો. તેમને પૂછવું જોઈતું હતું કે ઇંદિરાજીને કઈ કઈ વાનગી વધુ ભાવતી હતી? ઇંદિરાજીની ભોજનની ટેવો કેવી હતી?

આવા પ્રશ્નોની રસપ્રદ માહિતી પ્રજાને મળત. ઇંદિરાજીની કિચન કેબિનેટ જાણીતી હતી, પણ આવા ઇન્ટરવ્યુથી તેમની કિચન હેબિટ પણ લોકોને ખબર પડત.

બીજું, રસોઈકાર્ય એક ઉમદા કાર્ય ગણાયું છે. રાંધનારને અન્નપૂર્ણાનો હોદ્દો અપાયો છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલસિંગે તો નિવેદન કરેલું કે ઇંદિરાજી કહે તો હું ઝાડુ મારવા તૈયાર છું. અલબત્ત, ઇંદિરાજીએ તેઓને પૂરતી સંખ્યામાં ઝાડુ મારનાર હોય તેવા રાષ્ટ્રપતિ ભવનમાં બેસાડેલા.

મિત્રો, ઝાડુ મારવા કરતાં રાંધવું વધુ ગૌરવપ્રદ કામગીરી ગણાય છે.એટલે વર્તમાન રાષ્ટ્રપતિએ ઇંદિરાજી માટે વધુ ગૌરવપ્રદ કામગીરી કરેલી. પ્રતિભાજીએ પદ કઈ રીતે મેળવ્યું છે તેની ચોવટ કરવા જતાં અમીનખાંએ પોતાની નોકરી ગુમાવી છે. સત્તા આગળ આવું ગાંડપણ ન કરાય.

વાઈડ બોલ

એક જાહેરાતઃ અમારો પુત્ર સેન્સેક્સ અને અમારી પુત્રી નિફ્ટી, અમારી કહ્યામાં નથી, તો એની સાથે લેવડ-દેવડ કરશો નહીં. (sms)

No comments: