Tuesday, February 8, 2011

સારા ઘરના છીએ...

“અમે કાંઈ જેવા તેવા નથી. સારા ઘરના છીએ”. વન વટાવી ચૂકેલી મહિલા ઉશ્કેરાઈ.

“અહીંયાં આવતા બધાંને અમે સારા જ ગણીએ છીએ. પણ એ કહેવાતા સારા ઘરના લોકોનાં કરતૂત સારાં ન હોય તો હું ચલાવતો નથી ભલે તે સારા ઘરના હોય કે ખરાબ ઘરના હોય.” સિક્યુરિટી-મેન બોલી રહ્યો હતો.

આધેડ મહિલા ઉશ્કેરાયેલી હાલતમાં હતાં, બાજુમાં વીસી વટાવી ચૂકેલી તેમની પુત્રવધૂ બાળક તેડીને ઊભી હતી. દૃશ્ય હતું આપણા પ્રિય નગર અમદાવાદના એક શોપિંગ મોલનું. સાસુ-વહુ મોલમાં ખરીદી માટે આવ્યાં હતાં. સ્ટાફનું કહેવું હતું ખરીદી નહીં હાથ મારવા આવ્યાં હતાં. સિક્યુરિટીવાળાની ચકોર નજરે જોઈ લીધું કે પુત્રવધૂએ કેટલીક કોસ્મેટિક વસ્તુ મારી લીધી છે. મોલના રેક ઉપર ખુલ્લામાં પડેલી, સરસ સરસ આકર્ષક વસ્તુઓ ‘સારા ઘર’ના લોકોની ચૌર્યવૃત્તિને ઉત્તેજિત કરે છે. સિંદબાદ કહે છે, જેમ ઉત્તેજક પોશાક પુરુષોને મહિલાની છેડતી માટે ઉત્તેજે છે તેમ મોલમાં પડેલો, ખુલ્લામાં પથરાયેલો માલ લોકોમાં તફડંચી કરવાનો ભાવ પ્રેરે છે.

તમે ખુલ્લામાં સરસ, આકર્ષક શેમ્પૂ, સુગંધીદાર સેન્ટ સ્પ્રે તો પેલી મહિલા જેવા લોકો તો લલચાય જ ને! લલચાયેલી મહિલાએ કેટલાંક કોસ્મેટિક થેલીમાં નાખ્યા ત્યારે તેને ખબર ન હતી કે ‘તેને પંથ સી આફત ખડી છે’. સિક્યુરિટીમેન તથા મોલના કેટલાંક કર્મચારીઓ તે મહિલાઓની આસપાસ વીંટળાઈ વળ્યા. આધેડ મહિલાએ બચાવમાં પ્રતિ આક્રમણ કર્યું.

“તમે લોકો સમજો છો શું? શું અમે આવી વસ્તુઓ જોઈ નથી?”

શાયરે કહ્યું છે ને ‘જીસને દેખે સેંકડો હસી, ઊસકી નિયતી ખરાબ ક્યા હોગી?’ એવો અંદાજ હતો. “અમે તો પાંચ પાંચ હજારનું બિલ બનાવીએ છીએ.” તેણે કહ્યું.

“એની ના નથી પણ જે વસ્તુઓ તમે બિલ બનાવ્યા વગર લઈ જવાની કોશિશ કરો છો તે સામે અમારો વાંધો છે.” સ્ટોર સુપરવાઈઝરે કહ્યું.

કોસ્મેટિક વ્યક્તિને સુંદર દેખાડે પણ સ્ટોરમાં કોસ્મેટિક તફડાવાના કારણે યુવતી બદસૂરત દેખાતી હતી. મોટી ઉંમરની મહિલાએ અમે તો સારા ઘરના છીએનું ગાન ચાલુ રાખ્યું ત્યારે મોલના એક કર્મચારીએ કહ્યું, “બેનજી, તમે ખરાબ કામથી સારું ઘર બનાવ્યું લાગે છે.” સિક્યુરિટી પર્સનલે કહ્યું, “તમારી થેલી ચેક કરવા દો. ‘શું અમે ચોર છીએ” બંને મહિલાએ કોરસમાં અવાજ કર્યો. “હવેના સ્ટોર્સમાં કેમેરા ફીટ કરેલા હોય છે. તેમાં તમારું કરતૂત ઝડપાઈ ગયું હશે, કેસ કરીશું તો ફસાઈ જશો.” સ્ટોર મેનેજરે ચેતવણી આપી.

મહિલાના પતિ પણ આવી ગયા. “જો ચોરી સાબિત ન થાય તો તમારી પથારી ફેરવી દઈશ.” તેણે ધમકી આપી. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. ત્યારે મહિલાને ખ્યાલ આવ્યો કે કહેવતમાં ભલે કહ્યું હોય કે ચોરનારને ચાર આંખ હોય છે પણ અહીંયાં ચોકીદારને આઠ આંખો હતી. દૃશ્ય ઝડપાઈ ગયાં હતાં. વાત સમાધાન ઉપર આવી ગઈ. સ્ટોરનો નિયમ એવો કે તફડંચીના દસ ગણા ભરવા પડે. પેલી મહિલાએ શેમ્પૂ - સ્પ્રેના રૂ. ૩૧૧૦ ભર્યા.

કહેવત છે કે ‘મુલ્લાં ચોરે મૂકે, પણ અલ્લા લઈ જાય ઊંટે’. મુલ્લાં મૂઠી ભરીને તફડાવે પણ ભગવાન ઊંટ કેરીયર જેટલું તેનું લઈ લે. આ સ્ટોરવાળા પણ ભગવાન જેવા જ હતા. મુઠ્ઠીભર ચોરીની ઊંટ કેરીયર જેટલી સજા કરી.

પેલી બંને ‘સારા ઘર’ની મહિલાઓએ આવા ખરાબ સ્ટોરમાં ક્યારેય પણ નહીં આવીએ તેવી ઘોષણા કરી ચાલતી પકડી...

ગૂગલી

તમારા મૂડ પ્રમાણે બોલી ન નાંખતા. તમારો મૂડ તો બદલાશે, બદલી શકાય, પણ તમારા બોલેલા શબ્દો પછી બદલી નથી શકાતા.

No comments: