Saturday, February 12, 2011

રાણીનું બેસણું

‘રાણીનું બેસણું હતું”. મિત્ર ગિરીશ ભગતે કહ્યું.

માણસ માત્ર બેસણાને પાત્ર. રાણી હોય કે દાસી, ગુજરી જાય એટલે બેસણું થાય જ.

“મિત્ર, આ રાણી માણસ ન હતી પણ પ્રાણી હતી. આ વાત જાણશો એટલે હવે તમે કહેશો ‘પ્રાણી માત્ર બેસણાને પાત્ર!”

એક મિત્રે પ્રશ્ન કર્યો, “પુત્રીનું બેસણું હોય પણ કૂતરીનું બેસણું?”

અમદાવાદના એક પરિવારે એમની પ્રિય કૂતરી પાછળ બેસણું રાખ્યું હતું.

શ્વાનના બેસણાની વાત થઈ એટલે વરસો પહેલાં ખાડિયામાં એક શ્વાનનું બેસણું થયું હતું. તે શ્વાન પાલતુ ન હતો, પણ પોળનાં તમામ છોકરાંઓ એને ચાહતા. તેના મરણ પછી તેની ભવ્ય સ્મશાનયાત્રા કાઢી હતી. જોકે રેકોર્ડ જ વાગતી હતી. ઈન્સાનથી જાનવર કેટલાં સારાં છે તે મતલબનાં ગીતો તેમાં વાગ્યાં હતાં. બીજે દિવસે બેસણું પણ હતું. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે તેમ ખાડિયાના કૂતરાના બેસણાનું પુનરાવર્તન નારણપુરા તરફ થયું.

કેટલાક લોકો પુત્રી ઇચ્છતા નથી, જ્યારે આ ભાઈ કૂતરી માટે ઝૂરતા હતા. નરેન્દ્ર મોદીએ પુત્રીઓને બિરદાવવાની શરૂઆત કરી તેનાં વરસો પહેલાં એક ગુજરાતી યહૂદી કુટુંબે પુત્રી જન્મ વખતે કાર્ડ્ઝ છપાવ્યાં હતાં અને લખ્યું હતું, ‘બાળક એ તો યહોવાહે આપેલું ધન છે.’ આ અમદાવાદી ભાઈએ તો કૂતરીને પણ ઈશ્વરે આપેલી બક્ષિસ ગણી હતી.

પૌરાણિક કાળમાં પણ શ્વાન સાથે રસપ્રદ ઘટનાઓ બની છે. યુધિષ્ઠિર સ્વર્ગના દ્વારે ગયા ત્યારે આપણા ઈમિગ્રેશન ઓફિસર જેવા દ્વારપાળે તેમને રોક્યા અને કહ્યું, “મહારાજ, સ્વર્ગમાં ફક્ત આપ જ દાખલ થઈ શકશો, આપની સાથે આવેલો શ્વાન નહીં.”

“કેમ?” ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો.

“મહારાજ, સ્વર્ગમાં દાખલ થવાનો વીસા ફક્ત આપના નામનો છે, આપના શ્વાનનો વીસા નથી.”

યુધિષ્ઠિરે કૂતરા વગર પ્રવેશનો ઇનકાર કરી દીધો.

“મારા કૂતરા વગર તારું સ્વર્ગ પણ મને મંજૂર નથી” આવું તેવું એમણે કહ્યું હશે.

આ કિસ્સામાં મહારાજ યુધિષ્ઠિરની શ્વાનપ્રીતિ સ્પષ્ટ થાય છે, જે અમદાવાદમાં શ્વાન પાછળ બેસણું યોજતા સજ્જનમાં દેખાય છે.

મેનકા ગાંધી કૂતરાઓ પાછળ ઘણી હમદર્દી રાખે છે. એક વાર એમણે કૂતરાઓને ચડ્ડી પહેરાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. છગન કહે છે કે તેમાં કૂતરાઓની પ્રત્યે લાગણી કરતા થાંભલાઓને સ્વચ્છ રાખવાની તેમની ખેવના દેખાતી હતી. જો મેનકાજીને આ કૂતરીના બેસણાની ખબર હોત તો જરૂર તેમાં સામેલ થયાં હોત.

બેસણું એ સ્વર્ગસ્થ વ્યક્તિ સાથે તો ઉપસ્થિત વહેવાર અને તેના કુટુંબીજનોનો ભાવાત્મક સંબંધ પ્રગટ કરે છે. આ પ્રકારનાં બેસણાં ‘રેર’ કહેવાય. કૂતરાને કારણે બેસણાના પ્રસંગ ઊભા થાય તેવું ઘણી વાર બને છે. કૂતરાના કરડવાથી કોઈક મરે, તેનું બેસણું પણ થાય. પણ કૂતરું મરે તેનું બેસણું વિરલ ગણાય. આ અમદાવાદ જ્યાં સદીઓ પહેલાં એક સસલાએ બાદશાહના કૂતરાને બેઈજ્જત કર્યો હતો. આજે એ જ શહેરમાં એક કૂતરાને અંજલિ અપાઈ રહી છે. કૂતરાની ઈજ્જતનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એક શ્વાનની શોકસભા યોજાઈ છે એ જાણી બાદશાહના કૂતરાના આત્માને પણ શાંતિ મળી હશે.

દેવલોક પામેલા પોતાના કૂતરા પાછળ બેસણું, બારમું વગેરે કરનારને જો મેનકા ગાંધી સત્તામાં હોત તો પદ્મશ્રી મળી ગયો હોત.

‘હું તારું લોહી પી જઈશ’ એવું કૂતરાને કહેનાર ધર્મેન્દ્ર જેવા કલાકાર છે તો કૂતરાની અંતિમક્રિયા અને ઉત્તરક્રિયા ભાવપૂર્વક કરનાર સજ્જનો પણ આ દુનિયામાં છે. થોડા સમય પહેલાં કડીમાં પોતાની ભેંસનું જગતિયું કરનાર એક સજ્જન પણ હતા. ભેંસની હયાતીમાં જ બારમું - તેરમું કરી ગામ જમાડયું હતું. પ્રાણીમાત્ર પ્રેમને પાત્ર.

વાઈડ બોલ

“કવિતાના એક સામયિકના સંપાદક બીમાર છે, આંખે પણ હવે ઓછું ભાળે છે.”

“છેલ્લા અંકનું સંપાદન જોતા ખબર પડી જાય છે કે સંપાદક બીમાર છે.”

No comments: