Sunday, February 20, 2011

ક્રિશ્નાજીની અંડર આર્મ બોલિંગ


યુનોમાં આપણા મહાન ભારતના વિદેશપ્રધાન ભાષણ વાંચતા હતા. થોડીક વાર પછી ખબર પડી કે આ ભાષણ એમનું ન હતું પણ પોર્ટુગીઝના વિદેશ પ્રધાનનું હતું. ડેસ્ક ઉપર કાગળ આડા-અવળા થઈ ગયા હતા. એમાં પોર્ટુગીઝના વિદેશ પ્રધાનનું ભાષણ હાથમાં આવી ગયું એટલે એ એમણે વાંચવા માંડયું. પછી ખબર પડી કે શાકમાં કોળું સમાર્યા વગરનું ગયું છે, પછી તો સાંધાવાળાએ (લાઈનમેન) સાંધો બદલીને ગાડીને મૂળ લાઈન ઉપર લાવી દીધી. જો ખરેખર રેલવેમાં ગાડી ખોટા પાટા ઉપર દોડાવી હોત તો બે-ત્રણ જણ સસ્પેન્ડ થઈ ગયા હોત. પણ તુલસીદાસજીએ કહ્યું છે કે, ‘સમરથ કો નહીં દોષ ગોંસાઈ’ દોષ કરનાર સમર્થ વ્યક્તિ હતી એટલે વાંધો ન આવ્યો. એક સિનિયર કોંગ્રેસના નેતાએ ક્રિશ્નાને આ મુદ્દે હટાવવાની માંગણી પણ કરી છે. પણ ક્રિશ્નાજી ગાય છે ‘મૈં તૂંફા સે ક્યું ડરું મેરે સાહિલ આપ હૈ...’ ક્રિશ્નાજી આ તોફાનથી ગભરાતા નથી. સાહિલ-રખવાળા ઉપર તેમને ઈતબાર છે. ક્રિશ્નાજી ઉપર પસ્તાળ પડી રહી છે. લોકો SMSમાં તેમના ઉપર કોમેન્ટ કરતા રહે છે. એક સંદેશ એવો હતો કે ઇચ્છા રાખીએ કે ક્રિશ્નાજી ખોટા પ્લેનમાં બેસી ન જાય.

કોઈકે સલાહ આપી કે ક્રિશ્નાજીએ તેમનું ભાષણ કન્નડમાં જ તૈયાર કરવું જેથી બીજા સાથે બદલાઈ જવાની સંભાવના નહીં રહે. એક જણાએ કહ્યું, ક્રિશ્નાજીની આ ટેવ ભળતી વસ્તુ પકડી લેવાની છે. સારું છે કે યુનોના ભોજન સમારંભમાં તેઓ પોતાની જ પત્ની સાથે ગયા હતા. (ત્યાં કોઈ ભળતી ચીજના ભુલાવામાં પડયા ન હતા).

એક વાર્તામાં નાયક ભૂલ કરી દે છે. એને એટલી ખબર કે પત્નીએ આજે લાલ રંગની સાડી પહેરી છે. એટલે એ ભાઈ પણ ક્રિશ્નાની જેમ ભૂલ કરી બેઠા એવી જ સાડી પહેરેલી મહિલાને જઈને એમણે કહી દીધું, ‘આતી ક્યા ચંડોળા?’ પછી ધમાલ થઈ હતી. જેમ વિદેશપ્રધાન ક્રિશ્નાજીએ ભૂલમાં બીજી ‘સ્પીચ’નો હાથ પકડયો તેમ.

કિશોરકુમારનું ગીત યાદ આવે છે. ‘જાતે થે જાપાન પહુંચ ગયે ચીન સમજ ગયે ના’ એ પ્રમાણે આપણા વિદેશપ્રધાન ‘પોર્ટુગલ પહોંચ ગયે’

એક સમય હતો જ્યારે ભારતમાં પોર્ટુગલ હતું. (દીવ-દમણ-ગોવા) પણ અત્યારે આપણા વિદેશપ્રધાન પોતે પોર્ટુગીઝ વિદેશપ્રધાન થઈ ગયા.

કનૈયાલાલ મુનશીની ‘અડધે રસ્તે’માં કદાચ એક વકીલનો કિસ્સો છે, જે શખ્સે એમને રોક્યા છે તેને બદલે તે સામા પક્ષના વકીલ હોય તેમ પ્રતિવાદી તરફી દલીલો કરવા માંડી. અસીલ મૂંઝાયા કે આ કોના પક્ષમાં છે? છેવટે એમના સહાયકે નજીક જઈ કહ્યું, “સાહેબ, તમે સામાવાળાના પક્ષમાં દલીલો કરો છો!”

બસ આટલું જ પૂરતું હતું. તુરંત જ વકીલ સાહેબે કહ્યું, “નામદાર, મેં જે દલીલો કરી તેવી જ દલીલો કદાચ સામેવાળાના વકીલ કરશે, પણ તે ખોટી હશે.” એમ કહી તેમણે પાછી બીજી દલીલો કરી, પોતાના પક્ષ તરફી.

આપણા વિદેશ-પ્રધાને પોર્ટુગીઝ વિદેશપ્રધાનનું પ્રવચન વાંચ્યા પછી કહેવું જોઈતું હતું. આ પ્રકારનું પ્રવચન એ મહાશય કરે તે બરોબર છે. પણ મારી વાત જરા જુદી છે. એમ કહી તેમણે મૂળ પ્રવચન વાંચવાનું હતું તો પ્રસંગ સચવાઈ જાત.

* * *

શાળામાં મૌખિક પરીક્ષા ચાલતી હતી. વિદ્યાર્થીને કાવ્ય વાંચવાનું હતું. તેને ગાવાનું કાવ્ય હતું. ‘એક જ દે ચિનગારી’ તેણે ગાવાનું શરૂ કર્યું. ‘જળ કમળ છાંડી જાને બાળા...’ એ વિદ્યાર્થીનું નામ શું હતું ખબર નથી જોકે, તેનું નામ એસ. એમ. ક્રિશ્ના ન હતું. (હોઈ શકે પણ ન હતું).

ક્રિશ્નાના ટેકેદારોએ તેમનો બચાવ કરતાં કહ્યું કે આવું તો બને. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ એક વાર આવી ભૂલ કરી હતી. શું ઓબામા જેવી ભૂલ કરવાથી તમે ઓબામા બની શકો? દરેક ખરાબ અક્ષરવાળા ગાંધીજીનો દાખલો આવે તેવી આ વાત છે. ખરાબ અક્ષરથી નહીં પણ સારાં કાર્યો થકી જ મોહનદાસ મહાત્મા થયા હતા. તેમ ક્રિશ્નાજીએ સમજવું જોઈએ કે છબરડો વાળવાથી તમે ઓબામા બની નથી શકતા.

વાઈડ બોલ

અંધજન મંડળવાળા અંધજનો માટે બ્રેઈલ-લિપિમાં પુસ્તકો બહાર પાડે છે.

સિંદબાદ કહે છે તેમને વિનંતી કરો કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રની સુરક્ષા અંગેનાં પુસ્તકો નેતાઓ માટે બ્રેઇલ લિપિમાં બહાર પાડે.

No comments: