એક સુંદર કંકોત્રીમાં સુંદર વાક્ય વાંચ્યું, ‘રોકડ વ્યવહાર આવકાર્ય છે.’
સિંદબાદની દૃષ્ટિએ એ કંકોત્રી ભલે બ્રાહ્મણ કુટુંબની હતી, પણ તેમાં વણિકની વ્યાવહારિકતા અને સમજ પ્રગટ થતા હતા.
છગનને કંકોત્રીના આ વાક્યમાં ઝટ સમજ ન પડી. એને મેં કિશોરભાઈનો દાખલો આપ્યો. કિશોરભાઈ અત્યારે ૬૫ના છે. એ ૫૦ વર્ષ પહેલાં કિશોર હતા, અત્યારે પણ કિશોર છે. એ કિશોરભાઈ કોઈ સ્વજનની ઓફિસે કે દુકાને જાય, પેલો ચા મંગાવવાનું કહે તો તુરંત ના પાડે. “બોસ રહેવા દો એના કરતાં પાંચ રૂપિયા રોકડા આપી દો.” પેલા ભાઈ હસી પડે. કિશોરભાઈ કહે “કેટલી ચા પીવી? ચાર વાર થઈ ગઈ છે, હજી ચાર જગ્યાએ જવાનું છે.”
બસ આ તર્ક પેલી કંકોત્રીમાં હતો. ભેટ સોગાદો ન આપતા, જે વ્યવહાર કરો તે રોકડામાં જ કરજો. કિશોરભાઈ કહેતા, “યાર, તમે ચાના પૈસા તો ખરચવાના જ છો. તમારા પૈસા ખરચાશે અને મારું પેટ બગડશે, બહેતર છે મને રોકડા આપી દો.”
ભેટ સોગાદોમાં આવું જ થાય છે. લોકોના પૈસા તો ખરચાય છે, પણ મેળવનારને એ ભેટ ઘણી વાર ફેંટ જેવી લાગે છે. બલકે વાગે છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં સતીશભાઈનાં લગ્ન હતાં. ત્યારે બજારનું એક દૃશ્ય તમને કહું.
રમેશ ગિફ્ટ શોપમાં ભેટ લેવા ગયો હતો, મિત્ર સતીશને આપવા. તેણે એકસઠ રૂપિયામાં લેમન સેટ લીધો. બરોબર એ જ સમયે સામેની દુકાનમાં જ સુરેશ સતીશનાં લગ્ન માટે ગિફ્ટ લઈ રહ્યો હતો તેણે પણ લેમન સેટ લીધો હતો. શહેરના બીજા ખૂણે રહેતો મહેશ પણ એ જ સમયે સતીશનાં લગ્નમાં સપ્રેમ ભેટ આપવા લેમન સેટ પેક કરાવી રહ્યો હતો. સતીશભાઈના બનેવી પણ સરસ મઝાના ગિફ્ટ પેકમાં લેમન સેટ લાવેલા. સતીશના માશીના દીકરાને પણ લેમન સેટ લાવવાનું જ સૂઝેલું.
પેલી સાબુની જાહેરખબરની માફક સતીશનાં લગ્નમાં ‘સબ કી પસંદ લેમન સેટ’ એવું બની રહ્યું હતું. પેલા કિશોરભાઈ જેવો જ વિચાર આવે ને? ચા નથી પીવી રોકડા આપી દો.
સતીશના હાથમાં અનેક લેમન સેટ ભેટ તરીકે લગ્નમાં આવ્યા. સતીશ વિચાર કરે, એક કન્યાનો હાથ હાથમાં લીધો તેમાં આ ૪૨ લેમન સેટ હાથમાં લેવા પડયા! પૂરા માણસ પી પીને કેટલી લેમન પીએ? લગ્નનાં ચાલીશ વર્ષ પછી પણ સતીશના ઘરમાં બે-ત્રણ લેમન સેટ હજુ પડયા છે.
જનોઈ વખતે બટુકને ભિક્ષા પીરસવાનો રિવાજ છે. જે માટે સગાંવહાલાં, સ્નેહીજનો થાળી આપે પછી તેમાં ભિક્ષા મૂકે. એક શ્રીમાન દવેના પુત્રની જનોઈમાં પૂરું વાસણ બજાર ઠલવાઈ ગયું હતું. એક ગેલ્વેનાઈઝના પીપડામાં કેવળ થાળીઓ એમણે ભરેલી. એમના ઘરમાં થાળીવાદનનો કાર્યક્રમ કરી શકાય. સતીશભાઈએ તો મળેલા લેમન સેટના કારણે ‘જલતરંગ’ની પ્રેક્ટિસ પણ કરેલી.
કેટલાક લગ્નમાં ‘ટી-સેટ’ પણ ભેટ તરીકે આપે, હવે આપણે ત્યાં ટી-સેટનો ચા પીવા માટે ક્યાંય ઉપયોગ થતો જોયો છે? ફિલ્મોમાં ક્યારેક એ રીતે ચા-પીવાનાં દૃશ્યો જોવા મળે. બાકી આપણા ઘરમાં ટી-સેટ શું કામના? છગનને મળેલા ટી-સેટની કીટલીમાં એ લોકો સોય-દોરા, છીંકણીનાં પેકેટો, પીનો એવું બધું રાખતા.
વચ્ચે એક સમયે ભેટ તરીકે ઘડિયાળ આપવાનું ચલણ હતું. એક મિત્રને લગ્નમાં ઘણાં ઘડિયાળ આવ્યાં હતાં. એ કહેતો, “યાર, મારા ઘરની કુલ દીવાલો કરતાં અનેક ગણા ઘડિયાળો આવ્યાં છે. દરેક દીવાલ ઉપર ઘડિયાળ લગાડયું છે. ટોઇલેટમાં પણ એક ઘડિયાળ મૂક્યું છે.”
આ આપવીતી પેલા ભાઈએ જોઈ હશે, જાણી હશે, એટલે એમણે કંકોત્રીમાં આમંત્રણ આપતાં લખ્યું, “રોકડ વહેવાર આવકાર્ય છે. આ પ્રથા ખરેખર આવકાર્ય છે. રોકડ એ મીઠાઈ છે જે ડાયાબિટીસ નથી કરતી.”
હવે કોઈ વરરાજા લેમન સેટોના ભાર નીચે કે ઘડિયાળોના ભાર નીચે દટાવો ન જોઈએ તેવી તેમની ઇચ્છા પ્રગટ થઈ છે. ‘નોટ એ બેડ આઈડિયા સર જી’
વાઈડ બોલ
તેંડુલકર જ્યારે તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ત્યારે ધોની સાત વર્ષનો હતો, યુવરાજ છ વર્ષનો, રૈના બે વર્ષનો, કોહલી ને ઈશાંત શર્મા નવજાત શિશુ હતા... આજે પણ મહારથી તેંડુલકર એ બધા સાથે પણ રમી રહ્યો છે. (SMS)
No comments:
Post a Comment