Tuesday, February 22, 2011

જૂતાં પોલિશ કરેંગા


દિલ્હી-કા-ઠગ

આ કોઈ સમુદાય માટે કહેવાયેલું નથી. પણ ફિલ્મનું ટાઈટલ હતું તેમાં એક ગીત હતું.

‘ચાહે યે જમાના કહે, હમ કો દીવાના,

ફીર ભી જૂતાં પોલિશ કરેગા...’

ફિલ્મનો નાયક, નાયિકા માટે કહેતો હતો, તને રાજી રાખવા કંઈ પણ કરીશ. જૂતાં પોલિશ પણ કરીશ. આમાં ભાવના ‘તેને’ ખુશ કરવાની છે.

આ પંક્તિ યાદ આવવાનું કારણ, ઉત્તરપ્રદેશમાં માયાવતીના શૂઝને એક ડીએસપી રેન્કના પોલીસ અધિકારીએ પોલિશ કરી આપ્યું. માયાવતી હેલિકોપ્ટરમાંથી ઊતર્યાં ત્યારે તેમના શૂઝ ખરાબ થઈ ગયા. તુરંત જ ચતુર પોલીસ અધિકારીએ તેના મોઢું લૂછવાના રૂમાલથી જોડાં સાફ કરી આપ્યાં. એક રૂઢિપ્રયોગ છે, ‘મારું માથું તમારું જૂતું’ આમાં હવે વિકાસ થયો છે. ‘મારો રૂમાલ તમારું જૂતું’

મીડિયાવાળાએ આ બાબતને ચગાવી છે. ‘આવું થાય જ કઈ રીતે?’ એવો હોબાળો પણ કેટલાંકે મચાવ્યો છે.

કોઈક સામો પ્રશ્ન કરે છે, ‘શું આ લોકશાહીમાં મુખ્યમંત્રીનાં જૂતાં સાફ કરવાનું સ્વાતંત્ર્ય પણ નહીં?’

કેટલાંક લોકો માને છે કે દરેક માણસ પોતાના જૂતાંને પોલિશ કરે, બીજાનાં જૂતાંને નહીં, સિવાય કે પોલીસ કરતા હતા. અમેરિકન પ્રમુખને બૂટ સાફ કરતાં જોઈ એક મિત્રે સવાલ કર્યો. ‘તમે જાતે તમારા બૂટને પોલિશ કરો છો?’ લિંકને જવાબ આપ્યો, ‘હા હું તો મારા બૂટને પોલિશ કરું છું. તમે કોના બૂટને પોલિશ કરો છો?’ સામેવાળો માયાવતીનો પોલીસ ઓફિસર હોત તો જવાબ આપી શક્યો હોત.

એક રીતે જોતાં મીડિયાવાળાએ ખોટી હો-હો કરી છે. શરૂઆતમાં જણાવ્યું તેમ ‘હમ તો બૂટપોલિશ કરેંગા’ એ પંક્તિ સૂચવે છે કે સામેની વ્યક્તિનો રાજીપો મેળવવા કંઈ પણ કરવું.

દેવદાર, સોરી દેવકાંત બરુઆ જેવા નેતાએ પણ કહ્યું હતું કે, ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’. આ બૂટપોલિશની ચેષ્ટા જ હતી.

જ્ઞાની ઝેલસિંગે એક વાર કહ્યું હતું કે, ‘ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું’.

ઈન્દિરાજીએ પછી એમને રાષ્ટ્રપતિ બનાવેલા. રાષ્ટ્રપતિ ભવનમાં સફાઈ કર્મચારી હતા એટલે ત્યાં એમને ઝાડુ મારવાની જરૂર પડી ન હતી. ઝૈલસિંગની આ ચેષ્ટા પણ ઈન્દિરાજીના બૂટપોલિશ કરવા બરાબર હતી ને! જ્ઞાની ઝૈલસિંગને એટલું જ્ઞાન જરૂર હતું કે કોને કઈ રીતે રાજી રાખવા. (હી વોઝ નોઈંગ વીથ આઈડ ઓફ ધ બ્રેડ ઈઝ બટરડ) આને પણ જૂતાં પોલિશનું ઉદાહરણ ગણી શકાય.

આ બધાની સરખામણીમાં યુ.પી.ના પોલીસ અધિકારી ઘણાં નાના માણસ ગણાય. એની તો નોકરી હતી. નોકરી સાચવવા કુછ ભી કરેગેં જૂતાં પોલિશ પણ... માયાવતીની પગથી માથા સુધીની સુરક્ષાની જવાબદારી તેની હતી. તેમાં જૂતાં પણ આવી જાય. સાહેબની સાવ ફાલતૂ ‘જોક’ ઉપર હસતા લોકો સૂક્ષ્મ રીતે જૂતા પોલિશ કરે છે એમ જ કહેવાય. ‘દુનિયા મેં જીના હો તો સબ કો સલામ કરો’ એવું એક ગીત છે, તે ગીત તાત્ત્વિક રીતે સાહેબના જૂતા પોલિશ કરવાની વાતને અનુમોદન આપે છે.

જૂતાંની વાત નીકળી છે ત્યારે એક વધુ રાજકીય ઘટના યાદ આવે છે. આપણા અત્યંત બુદ્ધિશાળી વકીલ નાની પાલખીવાલા, અમેરિકામાં આપણા એમ્બેસેડર હતા. નાની આમ ઘણી મોટી હસ્તી હતા. વોશિંગ્ટનના કોઈ સમારંભમાં પ્રમુખ કાર્ટરની માતાનાં જૂતાંની દોરી બાંધી આપી હતી. તેવું દૃશ્ય કેમેરામાં આવ્યું ત્યારે પણ હોબાળો મચેલો. પાલખીવાલાનું તે એક સૌજન્ય હતું. એક ઉંમરલાયક મહિલા પ્રત્યે તો આદર હતો. અટક ભલે પાલખીવાલા હોય પણ તે કોઈની પાલખી ઊંચકે તેમ ન હતા. પ્રમુખ કાર્ટરનાં માતા હતાં પણ ઉંમરલાયક હોવાથી બૂટ પહેરતા તકલીફ થતી હતી ત્યારે આ પારસી જેન્ટલમેને તેમને મદદ કરેલી, ત્યારે પણ ‘છોટી સી બાત કા ફસાના’ થઈ ગયા હતા.

સાર-જોડાંની કોઈ વાત ઉપર પણ જોડાં ઉછળે છે.

ગૂગલી

સવારે જાગો ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે :

(૧) ફરી સૂઈ જાવ અને સપનાં જોવા માંડો.

(૨) અથવા કામે લાગી સપનાં સાકાર કરવાનો પ્રયત્ન કરો.

No comments: