અત્યારે ચારે બાજુ ભાર વગરના ભણતરની વાત થાય છે. અલબત્ત, તેમાં ફીનું ભારણ ઘટાડવાની વાત નથી. એ બધા જ જાણે છે. પણ પ્રાથમિક શાળાનાં બાળકોના દફ્તરના ભાર ઘટાડવાની વાત છે.
ભાર ઘટાડવાની વાત આગળ વધી હોય તેમ લાગે છે. તંબૂ ચોકી બધાં જાણે છે. પણ મ્યુનિસિપલ શિક્ષણ વિભાગ તંબુ શાળા ઊભી કરી રહ્યું છે. કવિ ખબરદારે લખ્યું હતું કે શાળા એ કોઈ ઈંટ નથી, દીવાલો નથી. શાળા એ બાંકડા નથી કે પાટિયાં નથી. શાળા તો વિદ્યાર્થીઓ જ કેવળ વિદ્યાર્થીઓ જ કહેવાય. કવિતાનું શીર્ષક છે ‘શાળા અમે અમે હો’.
વાચકમિત્રો, તમારું શિર ગૌરવથી ઊંચું થઈ જશે. મેગા સિટી અમદાવાદમાં રીંગરોડ ઉપર ઈસનપુરમાં એક તંબુશાળા ઊભી થઈ છે. એ શાળામાં દીવાલો નથી, બાંકડા નથી પણ વિદ્યાર્થીઓ છે. આ મેગાસિટીમાં મેઘાની સવારી આવે ત્યારે તંબુશાળા અલૌકિક દૃશ્ય ખડું કરે છે. કોઈકે કહ્યું પણ ખરું જેમ વિદ્યાર્થીઓ માટે ભાર વગરનું ભણતર તેમ શિક્ષણ સંસ્થાઓ માટે ચણતર વગરની શાળાનો આ નવતર પ્રયોગ છે. તંબુશાળાના ક્લાસ રૂમમાં ચારે બાજુ પાણી હોય છે. જાણે કાંકરિયા વચ્ચે નગીનાવાડી. ઈસનપુર વિસ્તારના એક મિત્ર કહેતા હતા. ‘કોઈ છોકરા શાળામાં સાયકલ લઈને જાય છે. કોઈ સ્કૂટર લઈને જાય, તો કોઈક વીરલો બાઈક લઈને પણ જાય. આ તંબુ-શાળામાં ભરાયેલા પાણીના કારણે શાળામાં કે વર્ગમાં દાખલ થવા હોડી લઈને કેટલાંક વિદ્યાર્થીઓ જાય છે, કાગઝ કી કીશ્તી નહીં, સાચોસાચની હોડી લઈ ભણવાની તાલાવેલી છે તેવા વિદ્યાર્થીઓ હોડી લઈને શાળામાં જાય છે. એમને ગણિત-ભાષા, ભૂગોળ સાથોસાથ હોડી ચલાવવાની વિદ્યા પણ આવડી રહી છે. રાષ્ટ્રીય લેવલે કે આંતરરાષ્ટ્રીય લેવલે હોડી સ્પર્ધા યોજાતી હોય છે. જો જો ભવિષ્યમાં એ રમતમાં ઈસનપુર શાળાનો કોઈ વિદ્યાર્થી ચંદ્રક જીતી લાવશે.’
કેટલાંક તંબુ સ્કૂલ જોઈને બબડે છે. તંબુ સ્કૂલમાં શું તંબુરો ભણે? એક ગીતકારે વિદ્યાર્થીઓના સમૂહને સંબોધીને ગીત લખેલું કે ‘તૂમ મેં કોઈ હોગા ગાંધી...’ ઈસનપુરની પાણીની મધ્યે આવેલી શાળાના વિદ્યાર્થીઓને જોઈ એ ગીતકાર કહી શકે ‘તૂમ મેં ભી કોઈ હોગા મિહિર સેન’ તરણ સ્પર્ધામાં ચંદ્રકો જીતનાર મિહિર સેન જેવો તરવૈયો, પાણીથી ઘેરાયેલી શાળામાંથી મળી શકે એવી શક્યતા છે.
કૂતરા સામે થયેલું સસલું જોઈને બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હશે. આપણી મ્યુનિસિપાલિટીએ પણ કંઈક જોયું હશે. એટલે પાણી મધ્યે શાળા શરૂ કરી છે. મુરારીબાપુ ઉત્કૃષ્ટ વિચાર લાવનાર માટે ઘણી વાર કહે છે કે એ કાંઈક ભાળી ગયો છે. સંચાલકો કે આયોજકો કાંઈક ભાળી ગયા હોય તો જ આવી શાળાનું સર્જન થઈ શકે. ઈસનપુર ગામની અંદરથી ભણવા આવતો એક છોકરો કહેતો હતો, ‘અમારે તો ઘર પણ પાણીમાં અને શાળા પણ પાણીમાં.’ છગન કહે છે આ શાળાની પ્રાર્થનામાં ‘પાની રે પાની તેરા રંગ કૈસા’ એ ગીત ઉમેરી શકાય. પાણીમાં રહેલી તંબુ સ્કૂલ જોઈને કેટલાંકને મૂંઝવણ થાય છે કે આમાં શિક્ષણ તરે કે શિક્ષણ ડૂબે?
ગૂગલી
પછાત જાતિઓના ઇતિહાસમાં દ્રવીડ તરીકે ઉલ્લેખ છે, હમણાં હમણાં રાહુલ ગાંધી યુપીમાં દલિતોની વચ્ચે ફરે છે એ જાણી સિંદબાદ કહે છે હવે એ ‘રાહુલ દ્રવિડ’ તરીકે ઓળખાશે.
1 comment:
પાણીમાં રહેલી તંબુ સ્કૂલ જોઈને કેટલાંકને મૂંઝવણ થાય છે કે આમાં શિક્ષણ તરે કે શિક્ષણ ડૂબે?
સાહેબ આ વ્યવસ્થામાં આપણે કહેવાતા સભ્ય સમાજના સૌએ ડૂબી જવું જોઈએ કેમકે આપણે જો સારી સરકાર કે સારી વ્યવસ્થા ના કરી શકીએ તો તેના જવાબદાર આપણે સૌ જ છીએ. આના માટે તત્વચિંતકો માત્ર ચિંતા અને ટીકાકાર માત્ર ટીકા અને પત્રકારો માત્ર કોલમ લખશે તો કેમ કરીને વ્યવસ્થા સુધરશે ?
Post a Comment