Wednesday, August 11, 2010

યુવરાજઃ પાણીના ભાવમાં

જાણે કે પૌરાણિક કાળના બનાવનું પુનરાવર્તન થયું.

લંકામાં યુવરાજને પૂંછડે આગ લાગી.

છાપાંઓમાં તમે વાંચ્યું જ હશે. લંકામાં પ્રેક્ષકોએ યુવરાજસિંહનો હુરિયો બોલાવ્યો.

ફિલ્મી દુનિયાનો એક કિસ્સો યાદ આવી ગયો. મહંમદ રફી પરદેશ જવાના હોવાથી, બર્મન દાએ આરાધના ફિલ્મનું ગીત ‘રૂપ તેરા મસ્તાના’ કિશોરકુમાર પાસે ગવડાવ્યું. અને કિશોર છવાઈ ગયો. કિશોરકુમારને ‘ઈન્ડસ્ટ્રી’માં રિ-એન્ટ્રી મળી ગઈ. પછીની વાત તો આખા હિન્દુસ્તાન જાનતા હૈ. યુવરાજસિંહને ઈજા થઈ. ‘અનફીટ’ હતો એટલે સિલેક્ટરોએ સુરેશ રૈનાને તેના સ્થાને લઈ લીધો. સુરેશે આવતાવેંત સદી ફટકારી દીધી. છવાઈ ગયો. પછીની મેચમાં પછી તો સુરેશને જ લે ને! કહે છે કે યુવરાજની જગ્યાએ ‘બદલી વર્કર’ તરીકે આવેલા રૈનાએ સદી ફટકારી ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલો યુવરાજ ‘અનફેસ’ થઈ ગયો હોય તેવી લાગણી અનુભવતો હતો. એને અગમનાં એંધાણ આવી ગયાં હતાં. પછીની જ મેચમાં યુવરાજ, યુવરાજ મટીને ફટાયા કુંવર થઈ ગયો. સુરેશ રૈનાને ફરી લેતા યુવારજસિંહ બારમા ખેલાડી તરીકે મૂકાયો, બસ આ બારમો ખેલાડી થયો તેમાં બબાલ થઈ ગઈ. એ મેદાન ઉપર પાણી લઈને ગયો કે કેટલાંકે બૂમો પાડી ‘વોટર-બોય... વોટર બોય...’ પાણીવાલે... પાણીવાલે... આવાં વાક્બાણથી યુવરાજ વીંધાયો.

ક્રિકેટની રમતમાં મેદાન ઉપર પાણી આપી જવાનું કામ બારમો ખેલાડી જ કરે છે. ચાલુ રમતે કોઈ ખેલાડીને પાણી પીવું હોય કે નેપ્કિન જોઈતો હોય તો બારમો ખેલાડી બોટલ લઈને દોડે છે. આપણું અતિ ધનાઢય ક્રિકેટ બોર્ડ ધારે તો આખો નાયગ્રા ધોધ ખરીદી શકે પણ તે લોકો પાણી પાવા માટે ઓફિસોની જેમ ‘વોટરબોય’ નીમી શકતા નથી. બારમા ખેલાડીએ જ તે કામ કરવાનું હોય છે. છ છક્કા મારી છવાઈ જનાર યુવરાજ પાણીની બોટલ લઈ પાણી આપવા જાય તે કેવું લાગે? વિચાર કરો યુવરાજની માતાના દિલનો. ટીવી સ્ક્રીન ઉપર તે યુવરાજને પાણી આપવા જતો જોતી હશે ત્યારે તેના દિલ ઉપર કેવું વીતતું હશે? એને થતું હશે કે ‘આ છોકરો ઘેર કોઈ દિવસ જાતે પોતાના માટે પણ પાણી લેવા ઊભો થતો નથી, એને બીજા માટે પાણી લઈને દોડવાનું?’ એણે કદાચ કહ્યું હશે, ‘બેટા છોડ આ ક્રિકેટ, એકાદ પાણીદાર છોકરી ગોતીને ઘર માંડી દે.’

કદાચ એવું પણ બન્યું હશે કે રૈનાએ સદી કર્યા પછી પાણી પીવા માટે ઈશારો કર્યો હશે અને યુવરાજને પાણી લઈ રૈનાને આપવા જવું પડયું હશે, આને કહેવાય ઘા ઉપર મીઠું. અધૂરામાં પૂરું પ્રેક્ષકોએ એમણે ખરચેલા પૈસામાંથી વધુ તૃષ્ટિગુણ મેળવવા યુવરાજને પાણી લઈ જતા જોઈ બૂમો પાડી ‘વોટર બોય... વોટર બોય...’ એય પાણીવાળા છોકરા કે એવું કંઈક. પાણીના નામે ઘણાં યુદ્ધો ખેલાયાં છે. યુવરાજ તે પ્રેક્ષકોની સામે થઈ ગયો. એક પંજાબી યુવાન કઈ રીતે સામે થયો હશે તે કલ્પી શકાય છે... મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. કેટલાંક વર્ષો પહેલાં ઈન્ઝમામ હકને પ્રેક્ષકોએ ‘આલુ-આલુ’ (એ બટાકા) કહીને ઉશ્કેર્યો હતો, ત્યારે ઈન્ઝમામ બેટ લઈને પ્રેક્ષકોને મારવા દોડયો હતો. (ટીવી ગવાહ હૈ)

પાણીના મામલે થયેલી આ બબાલમાં, જાણવા પ્રમાણે પોલીસે પકડાયેલા યુવાનોને ચેતવણી આપી જવા દીધા છે. આને પાણીમાં બેસી ગયા તેમ કહી શકાય.

બારમા ખેલાડી તરીકે પાણી લઈને ગયેલા યુવરાજને એ ખ્યાલ નહીં હોય કે આ કિસ્સાને કારણે ‘જમ પેધો પડી જશે. આવતી કાલે યુવરાજ દીપિકા કે કોઈ પાદુકા સાથે લગ્ન કરશે. આ કિસ્સાને તે જાણતી હશે એટલે એ પણ યુવરાજ પાસે પાણી માગશે.’

‘ભાઈ યુવરાજ, બાજી ફીટાઉંસ કરી પરત આવી જાવ...’

ગૂગલી

સફળતાનો રસ્તો કાયમ ‘અન્ડર કન્સ્ટ્રક્શન’ જ હોય છે.

No comments: