Saturday, June 25, 2011

કિશોરકુમારનું ગળું કોણે કાપ્યું?

કલાકારો એ ઈશ્વરે આપેલી માનવજાતને અણમોલ બક્ષિસ છે.

ઇતિહાસમાં શાહજહાંના નામે ભલે તાજમહાલ નોંધાયો પણ તેના સ્થપતિ કલાકારનું નામ શાહજહાં કરતાં પણ મોટું ગણાય. આપણને એનું નામ તો ખબર નથી પણ એનું કામ આપણી સામે છે. એ અનામી કલાકારને કલાપ્રેમીઓ જરૂર નમન કરે છે. કોઈ શાયર કહી શકે.

‘એક શહેનશાહને એક કલાકાર કી કસબ સે નામ કમાયા.’

છગન કહે છે કે તાજમહાલ માટે તમે શાહજહાંને બિરદાવો એ એવું લાગે છે કે ‘ગીતાંજલિ’ માટે રવીન્દ્રનાથ ટાગોરને બદલે તેના પ્રકાશકને બિરદાવતા હો.

આવું અદ્ભુત સર્જન કરનાર કલાકારોને શાસકોએ શું આપ્યું છે?

અદ્ભુત સ્થપતિઓ આવું સર્જન કરી ન શકે માટે શાસકોએ એ કલાકારોનાં કાંડાં કાપી નાખ્યાં છે.

કુંબલેનું કાંડું કાપી નાખ્યા જેવું આ પાપ ગણાય.

કલાકારો સદા મસ્તીમાં જીવતા હોય છે. કલાકારોની એક આગવી મસ્તી હોય છે. એટલે શાયરે મસ્ત કલાકારો માટે કહ્યું છે,

‘મસ્તો કી મસ્તી ઈબાદત સે કમ નહી હૈ’

મસ્ત કલાકારોની મસ્તી જ ઈશ્વરની ઈબાદત છે.

કલાકારોની મસ્તીની વાત નીકળી છે ત્યારે ગાયક કલાકાર કિશોરકુમારની વાત યાદ આવી ગઈ. કાંડાં કાપી નાખતા શાસકો જેવો જ વ્યવહાર આ કલાકાર સાથે શાસકોએ કરેલો. એ શાસક એટલે ઇન્દિરા નેહરુ ગાંધી. બંને અટકનો લાભ લેવા તેઓ નેહરુ અને ગાંધી બંને અટક લખતાં.

લોકસભામાં સોગંદ તેમણે ઇન્દિરા નેહરુ ગાંધી નામે લીધા હતા.

ઇન્દિરાની હડફેટે કલાકાર કિશોરકુમાર એક વાર ચડી ગયો હતો.

કટોકટીનો એ કાળો સમય હતો. કોઈ એક સરકારી સમારંભમાં કિશોરને ગાવાનું કહ્યું. મસ્ત કલાકારે નનૈયો ભણી દીધો અને ઇન્દિરાજીની ખફગીનું નાળચું કિશોર ઉપર તોળાયું. વિવિધ ભારતી રેડિયોની સૌથી લોકપ્રિય ચેનલ, તેમજ અન્ય કાર્યક્રમોમાં કિશોરનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં.

ઇન્દિરાજીની અવજ્ઞા કરનાર કિશોરકુમારને સત્તાવાળાઓએ જાણે સંભળાવ્યું ‘મેરી ભેંસ કો દંડા ક્યૂં મારા?’

આપને યાદ હશે કટોકટીના એ કાળમાં ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી કિશોરકુમારનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં હતાં.

થોડાક વખત પહેલાં એક ચેનલે ‘કે ફોર કિશોરકુમાર’ કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમાં કિશોરની ખૂબીઓ ઉજાગર કરી હતી.

છગન કહેતો હતો...

‘યાર મોરારજીભાઈને ફેંકી દીધા’

(રીંગણાં- બટાકાની જેમ)

ચાલો માફ કર્યું.

વાજપેયી- અડવાણીજીને જેલમાં નાંખ્યા.

ભૂલી જઈશું.

જયપ્રકાશજીને પૂરી દીધા.

એ અક્ષમ્ય ગુનાને ક્ષમા આપી શકાય.

પણ પણ આ કલાકાર કિશોરકુમારનાં ગીતો જનતાના પૈસાથી ચાલતા રેડિયો ઉપરથી બંધ કરી દીધાં?

કઈ રીતે માફ થાય?

માનો કે ઇન્દિરાજીએ દેશની ઉત્તમ સેવા કરી હોય તોપણ કલાકારની અવહેલના માટે માફ કદાપિ ન થઈ શકે.

કદાચ અફઝલ ગુરુનો ગુનો માફ થઈ શકે પણ આ ગુનો ક્યારેય પણ માફ ન થઈ શકે. શાસક કેટલી હદ સુધી નીચે ઊતરી શકે તેનો આ નમૂનો છે. ઇન્દિરાજીએ કિશોરકુમારના ગળાનો તેમજ શંકરર્સ વીકલીનો ભોગ લીધો હતો. તેને પક્ષની નજરે નહીં પણ રાષ્ટ્રની નજરે જુઓ. કદાપિ કદાપિ માફ ન કરાય તેવી આ બાબત બની છે.

ભૂતકાળના શાસકો કલાકારનાં કાંડાં કાપતા હતા. આ એવી જ બાબત છે. ઇન્દિરાજીના શાસનમાં કલાકારનું કાંડું નહીં ગળું કપાયું હતું.

આમાં રાજકારણની વાત નથી. કલાપ્રેમની વાત છે. અમારો કલાપ્રેમ, કોઈ પણ કલાપ્રેમીઓનો કલાપ્રેમ આ વાત સ્વીકારશે.

વાઈડબોલ

રજાનો દિવસ એટલે ઓફિસના બોસના હુકમનું પાલન નહીં કરવાનું પણ ઘરના બોસનું હુકમનું પાલન કરવાનું.

No comments: