‘ઓનેસ્ટ’ મતલબ કે પ્રામાણિક! ઓનેસ્ટીના સ્પેલિંગમાં જ ભ્રષ્ટતા દેખાય છે. છગન કહે છે ઓનેસ્ટીમાં ની ઘૂસણખોરી ચોખ્ખી દેખાઈ આવે છે. એચની ઘૂસણખોરી સાથે બનેલા શબ્દને આપણે ‘ઓનેસ્ટ’ કહીએ છીએ.
ગુજરાતીમાં ‘ઓનેસ્ટી’ને પ્રામાણિકતા કહેવાય. આ શબ્દ લખવામાં મોટા ભાગના લોકો પ્રામાણિક નથી. મોટા ભાગના લોકો પ્રામાણિકતાને બદલે પ્રમાણિકતા કહે છે. પ્રવીણભાઈ પ્રામાણિક માણસ છે કહેવાને બદલે પ્રવીણભાઈ પ્રમાણિક છે એમ જ ઘણા ખરા કહે છે.
આ પ્રામાણિકતા યાને કે ઓનેસ્ટીની એક સ્ટોરી એક અંગ્રેજી ટેબ્લોઇડ અખબારે થોડાક દિવસ પહેલાં કરી અને તારણ કાઢયું અમદાવાદના માણસો જવાબદાર ‘ઓનેસ્ટ’ છે! આ છાપાંવાળાએ અમુક જગ્યાએ લોકોની પ્રામાણિકતા તપાસવાના પ્રામાણિક પ્રયાસો કર્યા હતા.
કૂતરા સામે થઈ જતા આ ભૂમિના સસલા જેવી અજીબો ઘટના અહીંયાં બને જ છે. બેન્કની લોનના હપ્તા ભરનાર રિક્ષા ડ્રાઈવર રિક્ષામાં ભૂલી ગયેલા બે-ત્રણ લાખ રૂપિયાના મોટી રકમના ચેક એના માલિકને પરત કરનાર અહીંયાં મળે છે. પૈસા પરત મેળવનાર રિક્ષાના યાત્રિક એક બિલ્ડર હતા. પેલો રિક્ષા ચલાવનાર ભાડાંના મકાનમાં પડયો છે. પૈસા પાછા મળવાથી રાજી થયેલા અને રિક્ષાવાળાની પ્રામાણિકતાથી પ્રસન્ન થયેલા એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે રિક્ષા ડ્રાઈવરને કહ્યું છે : “જા તને એક મકાનની સગવડ કરી આપીશ.” સિંદબાદ પણ આ બનાવથી રાજી થયો છે અને કહે છે : “દીકરા, મોટો થા પછી પરણાવીશું” એવું ન બને તો વધુ સારું.
બાકી માણસના મનમાં રૂપિયાના ત્રણ અડધા મળતા હોય તો મેળવવામાં રસ છે. એ મેળવવાના પ્રયાસમાં પ્રામાણિકતા અને છેતરપિંડીની ખૂબ જ નાજુક રેખા છે. પ્રામાણિકતાની કસોટી કરવામાં છાપાંના રિપોર્ટર્સ થોડીક નોટો આમતેમ રાખી દૂર બેસતા હતા. ઘણા ખરા લોકો એ પૈસા ઉપાડી તેના માલિક હોય તો આપવા પ્રયત્નમાં હતા.
હા, કેટલાક લોકો અપ્રામાણિક જણાયા હતા. એ તો એવું રહેવાનું જ કલમાડી પછી કોણ? એનો જવાબ તમને જડે એવા લોકો પણ છે જ. આ છાપાંવાળાએ તે લોકોની છાપ બગડે નહીં માટે લોકોનાં નામ છાપ્યાં ન હતાં અને જે લોકોએ ‘ઓનેસ્ટી’ બતાવી હતી તેમનાં નામ અને કામધંધાની માહિતી પણ આપેલી.
પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની રેખાની વાત કરી, તે સંદર્ભે મિયાં ફૂસકીની વાત યાદ આવે છે. મિયાં રોજ પ્રાર્થના કરે મોટે મોટેથી “હે ખુદા, મને સો રૂપિયા આપજે, એક રૂપિયો ઓછો પણ નહીં કે એક રૂપિયો વધારે પણ નહીં. સો રૂપિયા મળે તો જ હું સ્વીકારીશ.”
તભા ભટ્ટે એક રૂમાલમાં નવ્વાણું (૯૯) રૂપિયા બાંધી મિયાં ફૂસકીની બારસાખે મૂક્યા. ખાતરી હતી કે મિયાં પ્રામાણિક છે એક રૂપિયો ઓછો હશે તો નહીં સ્વીકારે. મિયાંએ જોયું કે ઘરના ટોડલે રૂપિયાની ઢગલી છે. એમનું મન મોરની જેમ નાચી ઊઠયું. એમણે રૂપિયા ગણ્યા નવ્વાણું થયા. બે વાર ગણ્યા. નવ્વાણું જ થયા. તભા ભટ્ટ છુપાઈને ખેલ જોતા હતા. હવે મિયાં રૂપિયા નહીં લે મિયાં પ્રામાણિક છે જ, પણ મિયાં ફૂસકીની વિવેકબુદ્ધિએ પ્રકાશ પાડયો. “હે ખુદા, મેં સો માગ્યા હતા તેં નવ્વાણું આપ્યા, પણ સાથે આ રૂમાલ આપ્યો તેનો એક એક રૂપિયો તો ગણવો પડે ને! એટલે મારી માગણી હે ખુદા તેં પૂરી કરી જ છે.” મિયાં પૈસા લઈને ઘરમાં જતા રહ્યા. પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની આ ભેદરેખા સમજાય તેને જ સમજાય. બાકી અમે અંગ્રેજી ટેબ્લોઇડના સંશોધનથી રાજી છીએ કે અમદાવાદ પ્રામાણિક લોકોનું નગર છે. ‘દિલ્હી કા ઠગ’ જેવી ઉક્તિ અમદાવાદ માટે નથી.
વાઈડ બોલ
જ્યોતિષીએ મને કહેલું કે, “તમે ર્મિસડિઝમાં ફરશો.” સાચું પડયું છે : “હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ર્મિસડિઝ સિટી બસમાં ફરું છું.”
Jun 11,2011
No comments:
Post a Comment