આ અમદાવાદની ભૂમિની પણ એક ખાસિયત છે. અહીંયાં ભલભલાની પાઘડી ઊછળી છે. સ્વામી અગ્નિવેશ એ તાજેતરનો કિસ્સો ગણાય. આ ભૂમિ ઉપર અહમદશાહ બાદશાહના બહાદુર કૂતરાની પાઘડી પણ એક સસલાએ ઉછાળી હતી. હું જાણું છું કે, કૂતરાંઓ પાઘડી નથી પહેરતા. આ તો અલંકારિક ભાષામાં કૂતરાંની પાઘડી ઊછળી એમ કહેવાય.
પાઘડી ઉછાળવાની વિધિથી જ અમદાવાદની શરૂઆત થઈ એમ કહી શકાય.
ઇન્દિરાજી જ્યારે કોંગ્રેસનાં પ્રમુખ હતાં ત્યારે તેમની ઉપર ચંપલ પણ અમદાવાદમાં ફેંકાયાં હતાં. આ પણ પાઘડીઊછળ ચેષ્ટા હતી.
ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં એક મુસ્લિમ મહિલા નામે કીડવાઈ જનસંઘમાં જોડાયાં હતાં. ખાડિયા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તેમની સભા ઢાલગરવાડમાં રાખવામાં આવી હતી. તે વખતે સભાસ્થળ મંચ તરફ કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા હતા. એ વખતે ખાડિયાના યુવાનોએ ઢાલગરવાડમાં ફોલ્ડિંગ ખુરશીની ઢાલ બનાવી એ પથ્થરમારાથી મંચસ્થ લોકોનો બચાવ કરેલો. આ પણ પાઘડીઉછાળની ઘટના જેવી વાત થઈ.
મહાગુજરાતની ચળવળ વખતે પ્રબોધ રાવલ ખૂબ જ ઉશ્કેરાયેલા, જનતાના નેતા તરીકે તેઓ આ આંદોલનમાં ઊભરી આવેલા. લાલ દરવાજે ભાષણમાં તેમણે કંઈક ભાંગરો વાટયો. લોકો ઉશ્કેરાયા. પ્રબોધ રાવલ લોકોના રોષથી બચવા ભાગ્યા. વિક્ટોરિયા ગાર્ડનથી નદીના રસ્તે અત્યારે જ્યાં રિવરફ્રન્ટ થઈ રહ્યો છે ત્યાં લોકો તેમની સામે ફ્રન્ટ થઈ ગયા. એમનો ઝભ્ભો પ્યાલા-બરણીમાં પણ ન ચાલે એવો થઈ ગયો. કુત્તા-સસ્સાની આ ભૂમિ ઉપર આવા ઘણાં કિસ્સા મળી આવશે. તાજેતરમાં સ્વામી અગ્નિવેશની અગ્નિપરીક્ષા થઈ ગઈ લાલ દરવાજા પાસે જ. બીજા એક સ્વામી નિત્યાનંદે અગ્નિવેશની પાઘડી ઉછાળી એકાદ લપડાક પણ મારી. આ બે સ્વામી બાખડી પડયા. આપણી સમાજરચનાની આ કમાલ છે. આ પ્રકારના સ્વામીઓ કુંવારા સ્વામી હોય છે. સ્વામી ખરા પણ પરણેલા નહીં.
મંચ ઉપર નિત્યાનંદે આનંદથી અગ્નિવેશની પાઘડી ખેંચી, લપડાક મારી તે સભામાં ‘બુદ્ધિજીવીઓ’નું ટોળું હતું. એ બુદ્ધિજીવીઓની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. સાવ અચાનક કેમ આમ થયું?
પછી વાત બહાર આવી કે સ્વામી અગ્નિવેશે હિંદુઓની પરમ આસ્થાના કેન્દ્ર અમરનાથ લિંગ ઉપર અઘટિત ટીકા કરી હતી. છગન કહેતો હતો આપણે ત્યાં તમારે ચમકવું હોય તો હિંદુ ધર્મની કોઈ બાબત ઉપર ટીકા કરો. અગ્નિવેશજીએ કહેલું કે, અમરનાથમાં ભગવાન જેવું હોતું નથી. એ તો કેવળ એક બરફનો ઢગલો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ ‘રામશીલા’ની પૂજા કરતાં લોકોની ટીકા કરતાં કહેલું એ તો ઇંટનું ઢેફું છે. પછીની ચૂંટણીમાં એમની સરકારની હાલત ઢેફા કરતાં પણ બદતર થયેલી.
આ બધાં બુદ્ધિજીવીઓ અન્ય કોઈ ધર્મની નકારાત્મક વાત કરવાની હિંમત નથી કરતાં. નહીંતર તેમના નામ પાછળ ગમે તેટલી ડિગ્રી હોય, પણ નામની આગળ ‘સ્વ.’ લખાઈ જાય. અગ્નિવેશજીને ખ્યાલ ન હતો કે, તેમની પીટાઈ થઈ શકે છે. હવે એમનો અગ્નિ ટાઢો થઈ ગયો છે. ઢીલીપોચી સ્પષ્ટતા કરવા માંડયા છે.
સિંદબાદ કહે છે આ પણ સાચી બાબત છે, કોઈ પણ લલ્લુપંજુ મારા ધર્મની ટીકા કરે તે ન ચલાવું.
ગૂગલી
‘કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે.’
અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીને જોયા પછી સિંદબાદ કહે છે ‘ધોળી દાઢીવાળો કંઈ પણ કરી શકે છે.’
Jun 07,2011
No comments:
Post a Comment