‘‘બાબા રામદેવ આમ તો યોગગુરુ છે... એમણે શા માટે રાજકારણમાં રસ લેવો જોઈએ?” છગને પ્રશ્ન કર્યો : આવો જ પ્રશ્ન કપિલ સિબ્બલે કર્યો છે. દિગ્વિજયસિંહે પણ કર્યો છે. શા માટે રામદેવ રાજકારણમાં પડે છે?
“શું રામદેવને અધિકાર નથી?” પ્રતિપ્રશ્ન થાય છે.
“નથી જ” જવાબ આવે છે. એ માટે અમુક કુળમાં જન્મ હોવો જરૂરી છે. અમુક કુળમાં જન્મેલા જ વડા પ્રધાનપદ માટે લાયક હોય છે.
તિલકજીએ કહ્યું હતું. “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે” તેમ અમુક ખુરશીઓ પણ જન્મસિદ્ધ હક્કથી જ મળે છે. આપણા ઘણા પ્રધાનો, પ્રધાન છે, કારણ કે તેમના પિતા કોઈ કાળે પ્રધાનમંડળમાં હતા. રાજેશ પાયલોટના પુત્રને પ્લેન ઉડાડવું હોય તો લાઈસન્સ જરૂરી બને છે. પણ પ્રધાન થવા માટે રાજેશ પાયલોટના પુત્ર હોવું પૂરતું છે. અમરસિંહ ચૌધરી આમ તો એન્જિનિયર હતા. તેમના પુત્ર તુષાર ચૌધરીને પુત્ર હોવાને દાવે એન્જિનિયરની ડિગ્રી ન મળી. તુષાર ચૌધરી ડોક્ટર બન્યા, પણ તે માટે પ્રધાનની ખુરશી મેળવી. એ માટે કોઈ પરીક્ષા નહીં- અનુભવ નહીં. જન્મનું પ્રમાણપત્ર જ કાફી ગણાય. હવે એ બધા જ બાબા રામદેવના અધિકાર વિશે પ્રશ્ન કરે છે.
“પણ બોસ, બાબા પાસે કરોડોની સંપત્તિ છે.” છગને કોમેન્ટ કરી.
“વત્સ, ચૂંટણી વખતે જાહેર કરવી પડતી વિગતો અનુસાર આપણા ઘણા નેતાઓ કરોડોના સ્વામી છે, શું તે તેમની ગેરલાયકાત છે?”
“પણ... પણ...”
“શું બાબાએ એ કરોડો રૂપિયાની સંપત્તિ દાણચોરી કરી મેળવી છે?”
“ના...”
“શું એમની સંપત્તિ ગેરકાનૂની રીતે મેળવી છે?”
“ના એવું તો નથી. નહીંતર સરકારે તેની ઉપર જ પંજો નાંખ્યો હોત.”
“બાબા યોગ શીખવવાના ખૂબ જ ચાર્જ કરે છે.”
“શું કપિલ સિબ્બલ મફત કેસ લડે છે? એમની સંપત્તિ ભારે ફીથી જ મેળવેલી ગણાય ને!”
“મિત્ર, ગાંધીજી અને સરદાર પટેલ નામ અને દામ વકીલાતમાંથી કમાયા હતા. પછી દેશ અને સમાજના પ્રશ્નો પ્રત્યેની તેમની નિસબત રાજકારણમાં લઈ આવી. યોગગુરુ તે પણ દેશના પ્રશ્નો પ્રત્યે કે સામાજિક પ્રશ્નો પ્રત્યે નિસબત ન હોય?”
“પણ તેમની મહત્ત્વાકાંક્ષા મોટા રાજકીય પદની હેઠળ હોય એવું લાગે છે.”
“ગલીમાં ક્રિકેટ રમનારને પણ રાષ્ટ્રીય ટીમમાં રમવાનો અભરખો હોય છે. નસીબ અને શક્તિ હોય તો એને દોષ તમે આપશો?” દેશ સામે ખડા થયેલા વિકરાળ પ્રશ્નોને બાબા પોતાની રીતે રજૂ કરે છે,જુએ છે. હજારે પણ તેમની શૈલીથી દેશના પ્રશ્નો પ્રત્યે તેમની નિસબત વ્યક્ત કરે છે. કહે છે ઈન્દ્રાસન ડોલતું લાગે ત્યારે ઈન્દ્ર પોતાનું આસન બચાવવા અનેક પેંતરા કરતા એ અપ્સરાઓનો ઉપયોગ પણ કરતા. સત્તાવાળા તેમનું આસન બચાવવા નર્તકીઓને બદલે પોલીસના નૃત્યનો ઉપયોગ કરે છે.
સત્તાધીશો ગોર જેવા છે.એમનું તરભાણું ભરવા માટે કે સાચવવા માટે વર કે કન્યાનું કેટલું નુકસાન થાય છે તે જોતા નથી હોતા. રામદેવજી સાથે થયેલા વ્યવહારથી ગાંધીજી પણ બોલી ઊઠત ‘હે રામ’....
ગૂગલી
લોટરીની ટિકિટ ખરીદતો માણસ કે પત્ની સાથે દલીલબાજી કરતા માણસમાં કોઈ સરખામણી થઈ શકે? “લોટરી લેનારને જીતવાનો થોડાક ચાન્સ પણ ખરો. પત્ની સાથે દલીલબાજી કરનારને જરા પણ નહીં.”
No comments:
Post a Comment