Saturday, October 2, 2010

પીણું નહીં પુસ્તક આપો!

વાંચે ગુજરાતનું અભિયાન શરૃ થયું છે, પછી પુસ્તક વધુ વેચાયાં હશે. (કદાચ) પણ આ અંગેનાં સૂત્રો વધુ બોલાયાં છે, લખાયાં છે, એક સૂત્ર છે - ‘ઠંડું પીણું નહીં પુસ્તક આપો.’

તમારે કોઈ ઠંડું પીણું પીવું હોય અને તમને કોઈ પુસ્તક આપે તો તમે શું કરો? એક પ્રસંગ યાદ આવે છે મારા મિત્ર હતા. અમે એક પરિચિતની ખબર કાઢવા અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ગયા હતા. અત્યારે તો એ હોસ્પિટલમાં ક્યારેક ડોક્ટરની પણ ખબર લેવા જવું પડે તેવું છે. ત્યાં દર્દીનાં સગાં ક્યારેક ડોક્ટરોની પણ મારઝૂડ કરી લે છે. એને તમે ‘પ્રોફેશનલ હેઝાર્ડ’ કહી શકો. (ક્રિકેટરોના રમવા જતા હાડકાં ભાંગે છે તેમ)

અમે અમારા પરિચિતની ખબર કાઢી, એમની બાજુમાં જ એક યુવાનનો ખાટલો હતો. તેણે આપઘાત કરવાની કોશિશ કરી હતી. તે બેશુદ્ધ હાલતમાં હતો. તેના પિતા બાજુમાં કકળાટ કરતા ઊભા હતા, “ભાઈસાબ, આ છોકરો પાણી માગતો હતો અને દૂધ આપતો હતો. અને જુઓ, એણે કેવું કર્યું?”

ત્યારે ભગતે શાંતિથી તે પિતાને કહેલું, ‘‘એને પાણી પીવું હોય અને તમે દૂધ આપો પછી શું થાય? એ ખરું કે તમારો દૂધવાળો તેની પાણીની ઇચ્છાને ધ્યાનમાં રાખી દૂધ સાથે પાણી આપતો જ હશે, પણ છતાંય પાણી પીવું હોય ત્યારે એને પાણી જ આપજો.”

ઠંડા પીણા અને પુસ્તકના સૂત્રમાં પણ એ જ વાત લાગુ પડે છે. માણસને જ્યારે ઠંડું પીણું પીવું હોય ત્યારે પુસ્તક કામ આવે ખરું? પુસ્તક પુસ્તક છે અને કોલ્ડ્રીંક્સ કોલ્ડ્રીંક્સ છે. ઊધઈ ને ઠંડા પીણાને બદલે પુસ્તક ચાલે, પણ બીજે નહીં.

એક વાત ખરી કે ઠંડાં પીણાં વેચનારાઓ આ સૂત્ર તો નહીં જ સ્વીકારે, એ લોકો ઠંડા પીણાને બદલે પુસ્તક આપે તો ખાય શું? લોકોના ‘પીવા’ ઉપર તેમનું ખાવાનું નિર્ભર છે.

પીણું નહીં પણ પુસ્તક સૂત્ર રમતું થયું ત્યારે ઘણાને લાગતું હતું કે કોલ્ડ્રીંક્સ પાર્લરવાળા હવે કોલ્ડ્રીંક્સ પાર્લર બંધ કરી પુસ્તકની દુકાન શરૃ કરી દેશે. કદાચ વધુ મોટી અસર પડશે તો ઠંડા પીણાની કંપનીવાળા ખુદ ઠંડાં પીણાંનું ઉત્પાદન બંધ કરી પુસ્તકનું પ્રકાશન શરૃ કરી દેશે. આખરે એમને તો ધંધો જ કરવો છે ને! લોકો પીણું ન લે અને પુસ્તકો લેતાં થઈ જાય તો પુસ્તકના ધંધામાં પડી જવાય, આ સાંભળીને એક પ્રકાશકે કહ્યું, “પેપ્સીવાળા પાણીમાંથી પૈસા બનાવે છે, પણ પ્રકાશનના ધંધામાં તો પૈસાનું પાણી થઈ જશે, એટલે કદાચ તેઓ એવું નહીં કરે.”

‘ઠંડા પીણાને બદલે પુસ્તક આપો’નું સૂત્ર ફરતું થયું ત્યારથી રોજ અમે ઠંડાં પીણાંની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ તેવા સમાચાર વાંચવા ટાંપીને બેઠા છીએ. સિંદબાદ કહે છે કે છગનને ઘરે જઈએ એટલે ભાભી ફ્રિજમાંથી કોઈને કોઈ ઠંડું પીણું કાઢીને આપે. એક દિવસ સિંદબાદને તરસ લાગી હતી. એટલે થયું લાવ છગનને મળતો આવું અને ઠંડું પીણું પીતો આવું. છગનના ઘરે ગયો પણ ફ્રિજ ખૂલવાનો અવાજ ન સંભળાયો. હા, થોડી વારમાં કબાટ ખૂલવાનો અવાજ આવ્યો. છગનની પત્નીએ ઠંડા પીણાને બદલે ‘વચનામૃત’ સિંદબાદને આપ્યું. સિંદબાદને તો પીણાંમૃત પીવું હતું. પણ વાંચે ગુજરાતના અભિયાનમાં ઠંડાં પીણાં ફ્રિજ નિકાલ થઈ ગયાં હતાં.

વાંચે ગુજરાતના અભિયાનની અસરમાં આવી ગયેલી એક રેસ્ટોરાંમાં બોર્ડ હતું. અમે ઠંડાં પીણાંને બદલે પુસ્તક સર્વ કરીશું.

એક મિત્રનું કહેવું હતું કે ઠંડા પીણાની એક મોટી બોટલમાંથી અમે આઠ-દસ જણનું સ્વાગત કરી શકતા હતા. હવે એને બદલે પુસ્તક આપીએ તો પોસાય ખરું? પુસ્તકો કેટલાં મોંઘાં છે. સો-બસ્સોવાળા પુસ્તકની વાત જવા દો - પણ ‘દેશી હિસાબ’ કે ‘કક્કો-બારાખડી’ની પુસ્તિકા આપીએ તોપણ ઠંડાં પીણાં કરતાં મોંઘી પડી જાય. સોચનેવાલી બાત હૈ...

વાઈડ બોલ

શબ સ્મિત નથી કરતું. - ઓશો

No comments: