Saturday, October 9, 2010

શાહજહાંએ કરેલું શ્રાદ્ધઃ તાજમહાલ

મોગલ બાદશાહ પણ શ્રાદ્ધમાં માનતા હતા. તાજમહાલ એ શાહજહાંએ કરેલું પત્નીનું શ્રાદ્ધ હતું.

તાજમહાલને પ્રેમના શાશ્વત પ્રતીક તરીકે લોકો માને છે.

પેલા તબલાનવાઝ ઝાકીર હુસેનની જેમ લોકો તાજમહેલને જોઈ વાહ તાજ બોલી ઊઠે છે.

શાહજહાંએ આપેલી પત્નીને અંજલિ જોઈને ઘણાં લોકો ગદ્ગદ્ થઈ જાય છે. આ માણસે પોતાના પ્રેમને અમર કરી દીધો. અમરપ્રેમ તે આનું નામ. મુમતાઝે મરીને પણ શાહજહાંને અમર કરી દીધો. આજે લોકો ભલે તાજમહાલમાં શાહજહાંનો પ્રેમ જોતા હોય, પણ તે મુમતાઝની દેણગી છે, શાહજહાંની નહીં. પત્ની કે પ્રેમિકા પાછળ લૂંટાવું લોકોને ગમે છે. એ કામ લોકો હોંશેહોંશે કરે છે.

મારા એક મિત્ર શાહજહાંના તાજમહાલનું મૂલ્યાંકન કરતાં કહે છે. ભલે તમે પ્રેમના પ્રતીક તરીકે તાજને ગણો, પણ ખરું પ્રેમનું પ્રતીક તો આઠમો એડવર્ડ હતો. જેણે પ્રેમ ખાતર ‘તાજ’ને જતો કર્યો. પ્રેમ ખાતર તાજના નિર્માણ કરતાં પ્રેમ ખાતર ‘તાજ’ની કુરબાનીની કથા વધુ ભવ્ય ગણાય.

શાયર સાહિર લુધિયાનવી તાજમહાલ ઉપર ખફા હતા. તાજમહાલની ભવ્યતાથી તે અંજાયા નથી, પણ ડઘાયા છે. કહે છે ‘કિસી શહેનશાહને દૌલત કા સહારા લે કે હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મજાક’ જેમ કેટલાક ધનાઢયો સંતાનોનાં લગ્ન પાછળ ધુમાડાબંધ ગામ જમાડે કે ધનનો ધુમાડો કરે. મા-બાપના મરણ પછી ભવ્ય કારજ કરે. (જીવતા શું કર્યું હોય તે જગ જાણે નહીં) શાહજહાંએ પણ તાજમહાલ રૃપે મૃતપત્નીનું ભવ્ય કારજ કરેલું.

છગનનું માનવું છે કે શાહજહાં જીવતી પત્નીને ખુશ નહીં રાખી શક્યો હોય. (ક્યાંથી ખુશ હોય જ્યારે બીજી છ શોક્ય હાજર હોય!) એટલે મર્યા પછી પત્નીના આત્માને ખુશ કરવા તાજમહાલ બંધાવ્યો હશે. પત્ની કે કોઈ પણ મહિલાને રાજી રાખવી એ ઘણું મોટું કાર્ય છે. ભલભલા માંધાતાઓ, ચમરબંધીઓ ‘હોમફ્રન્ટ’ ઉપર હારી જતા હોય છે. ‘દુનિયા સે જીતે મગર તુમસે હારે’ એવી સ્થિતિ હોય છે. એટલે બુંદથી બગડેલી સ્થિતિને હોજ સમાન તાજમહાલથી સુધારવા તેણે કોશિશ કરી હોય તેમ જણાય છે.

શાહજહાંની આ કોશિશને શેખાદમે ચમકતો ને દમકતો મહેલ પણ જ્યાં પ્રેમ કેદ છે તેવી ખૂબસૂરત પથ્થરની જેલ કહી છે.

શું પ્રેમ પૈસાથી ખરીદી શકાય? રમા રમેશને પ્રેમ કરતી હતી પણ તેને ખબર પડી કે રમેશના કાકા કરોડપતિ છે, એટલે તે રમેશના કરોડપતિ કાકાને પરણી ગઈ. રમેશની રાણી થવાને બદલે તેની કાકી થઈ ગઈ. ભલે આ રમૂજ હોય પણ વાસ્તવિક્તા પણ છે જ. શાહજહાંએ પ્રેમને પૈસાથી તોલવા પ્રયત્ન કર્યો હતો. એ શાસક હતો. શાસકો પૈસાથી મત ખરીદી શકે છે. (હમરી ન માનો તો કોઈ ઉમેદવાર સે પૂછો) પણ પ્રેમ એ રીતે ખરીદી ન શકાય. સિંદબાદે તુરંત ઝુકાવ્યું, ‘‘બોસ, તમે તાજને શાહજહાંના પ્રેમનું પ્રતીક કહો છો? બોસ શાહજહાંને સાત રાણીઓ હતી, તેમાં મુમતાઝ ચોથી હતી!’’

‘‘ખરેખર!’’

‘‘યસ, અને એ ચોથી ત્યારે પરણેલી હતી. સમાજમાં એક પુરુષને સાત પત્ની માન્ય ગણાય (ત્યારે) પણ એક સ્ત્રીને બે પતિ માન્ય ન ગણાય. એટલે તેના હયાત પતિએ ખસી જવું પડે. શાહજહાંએ તેને ખેસવી પાડેલો.’’

‘‘ક્યા બાત હૈ?’’

‘‘બોસ, આ અમરપ્રેમની કૃતિ જોવા માટે તમારે એન્ટ્રી ફી આપવી પડે છે.’’

‘‘આપણા કાંકરિયાની જેમ!’’

‘‘હા, પણ કાંકરિયાની એન્ટ્રી ફીનો વિરોધ કરનારાઓ તાજની એન્ટ્રી ફી માટે ચૂપ છે.’’

‘‘બોસ, એ વિરોધ તો સગવડિયો છે, પણ તાજમાં એન્ટ્રી લેવા માટે મુમતાઝે ત્યારે એન્ટ્રી ફી ચૂકવી હતી, તેણે તે માટે પોતાનો જાન આપી દેવો પડયો હતો.’’

‘‘યસ યસ.’’

‘‘મુમતાઝના અમરપ્રેમની વાત કરનારાઓને ખબર નહીં હોય કે મુમતાઝના મરણ પછી શાહજહાંએ તેની બહેન સાથે લગ્ન કરી લીધાં હતા. આનું નામ પ્રેમ! પૂરા ખાનદાન સાથે પ્રેમ શાહજહાંએ કરેલો.’’

ઇતિહાસ કહે છે કે મુમતાઝ, મહેલ કરતાં મેટરનિટી હોમમાં વધુ રહેલાં. તેને ચૌદ પ્રસૂતિ થયેલી અને ચૌદમી પ્રસૂતિમાં જન્નનતશીન થઈ તાજમહાલ પહોંચી ગઈ. આ પ્રેમકથા માટે રહેમાન શૈલીમાં કહી શકાય ‘જય-હો!’

No comments: