Sunday, November 27, 2011

ડાબા-જમણાનો ખેલ

ઋષિજનોએ કહ્યું છે કે જમણા હાથે કરેલું દાન (કે કામ) ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અધ્યાત્મના અભ્યાસમાં આગળ વધેલા કેટલાક ડોક્ટરોએ એક બાળ દર્દીનું જમણા હાથે કરવાનું ઓપરેશન ડાબા હાથે કરી નાંખ્યું. કોઈ પણ જાતની મોટાઈ દાખવ્યા વગર! જોગાનુજોગ એ બાળદિન હતો. જવાહરલાલ નેહરુનો આ જન્મદિન હતો. એ દિવસે નેહરુજી પહેલી વાર રડયા હતા. તો નેહરુના જન્મદિને એક બાળક પણ રડયું તો બાળદિન માટેની યોગ્ય ઘટના ગણાય!!

સિંદબાદ કહે છે કે જમણાને બદલે ડાબો એ નેહરુનીતિનો ભાગ છે. એટલે એ રીતે બાળદિનની યોગ્ય ઉજવણી પેલા ડોક્ટરોએ જાણે-અજાણે કરી છે. રાજગોપાલાચાર્ય કે અર્થશાસ્ત્રી મસાણી જેવા માનતા હતા કે ભારતે જમણેરી અર્થનીતિ અપનાવવી જોઈએ એને બદલે નેહરુજીએ ડાબેરી નીતિ અપનાવી પરિણામે પેલા બાળકની જેમ ભારત પણ રડયું. ઓપરેશન જ પ્રારંભથી ખોટું થયું.

જોકે, ડાબા- જમણામાં ભૂલચૂક થઈ જાય છે. એક મિત્રે એમના બચપણના અનુભવને યાદ કરતાં કહ્યું હું નાનો હતા ત્યારે ડાબા-જમણામાં ભૂલ કરતો ત્યારે મારી મમ્મી મને હાથ ઉપર વેલણ ફટકારતી, ડાબા હાથ ઉપર વેલણ પડે એટલે હું ભૂલ સુધારી જમણા હાથથી જમવાનું શરૂ કરતો. જો ઓપરેશન કરનાર ડોક્ટરની મમ્મી પણ ઓપરેશન થિયેટરમાં વેલણ સાથે હાજર હોત તો ખોટા હાથ તરફ ડોક્ટરની કાતર જાત કે મમ્મી

વેલણ ફટકારત.
સાહિત્યના અભ્યાસી એક મિત્ર કહે છે કે કાકાસાહેબ કાલેલકર જો ઓર્થોપેડિક સર્જ્યન હોત તો તેમનાથી પણ આ ભૂલ તો થઈ હોત. કાકાસાહેબ કાયમ ડાબા-જમણામાં ભૂલ કરતા હતા. એમની સ્મરણયાત્રામાં નોંધાયેલું છે. એટલે ડોક્ટરો મહાવિદ્વાનની હરોળમાં છે તેમ સમજવું!

લગભગ પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં વડોદરામાં એક કંપનીના કર્મચારીને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. ડોક્ટરે એના ડાબા પગે પ્લાસ્ટર પણ કરી નાંખ્યું. પછી ખબર પડી કે લોચો વાગ્યો છે. કોકે પેલા કર્મચારીને પૂછયું, ‘‘અલ્યા તને પણ ખબર ન પડી કે તારા ખોટા પગે પ્લાસ્ટર થઈ

રહ્યું છે.”
ત્યારે પેલા દર્દીએ ગંભીર થઈ જવાબ આપ્યો, “સાબ મૂઝે ક્યા માલૂમ? મેડિકલ સાયન્સને તરક્કી કી હો કે રાઇટ લેગ કા ફ્રેક્ચર કે લીયે લેફટ લેગ મેં પ્લાસ્ટર કરતે હો શાયદ!”

***
વિક્રમાદિત્યને વૈતાલ સવાલ કરે છે. જમણાને બદલે ડાબા હાથમાં સળિયો ફિટ થઈ ગયો, તે કિસ્સામાં સારવારનું બિલ ચૂકવે તો કોણ ચૂકવે?

વિક્રમાદિત્યે જરા પણ ખચકાયા વગર કહ્યું “વૈતાલ, બિલ તો બાળકનાં સગાંવહાલાંએ ભરવું જ પડે.”

“રાજા કહે, ખોટા હાથમાં ઓપરેશન કરવા છતાં?”

“ઓપરેશન ખોટા હાથમાં હતું, પણ સળિયો તો સાચો હતોને! લોખંડના ભાવ તું જાણે છે?”

“પણ રાજા ખોટા ઓપરેશન માટે...?”

“વૈતાલ, દર્દી સાચો હતો, ડોક્ટર પણ નકલી પોલીસ જેવો ન હતો એટલે હોસ્પિટલે બિલ તો લેવું પડે.”

“રાજન્ તમે ઉદારતાથી આ બધું વિચારો છો!”

“ના વૈતાલ, હું માનવ સ્વભાવથી વિચારું છું. ક્યારેક બેન્કનો કલાર્ક એકના ખાતાને બદલે બીજાના ખાતામાં પૈસા ઉપાડી લે છે. ક્યારેક પોસ્ટમેન છગનને બદલે મગનને ત્યાં કાગળ પહોંચાડે છે, ક્યારેક કવિ, છંદ બહાર કવિતા લખી નાંખે છે, કામ કામને શીખવાડે, આ ડોક્ટરો થોડા વખતમાં સાચા હાથનું ઓપરેશન કરતા શીખી જશે.”

વૈતાલને પણ જવાબની ગડ ન બેઠી.

***
ડાબુ જમણું સમજવું બહુ અઘરું છે, મેં સિંદબાદને કહ્યું હતું કે ગલીમાં ડાબા હાથે ત્રીજે ઘરે આ આપી દેજે. મેં મારા ડાબા હાથથી ત્રીજું કહ્યું હતું તે તેના ડાબા હાથથી ત્રીજું ગણી બેઠો, થાપ ખાઈ ગયો. ડાબી બાજુ એટલે શું એ સમજવા માટે ઘણા રીક્ષા ડ્રાઇવર કે કાર ડ્રાઇવર થાપ ખાઈ જાય છે.

વાઇડ બોલ
લક્ષ્મણ બેટિંગમાં જતા પહેલાં બે વાર નહાય છે

અને ત્યારબાદ ઘણું ખરું હરીફોને નવડાવે છે.

No comments: