Thursday, December 15, 2011

આનંદનો શોક

દેવ આનંદ સદાબહાર એક્ટર કહેવાતા. એ આ દુનિયામાંથી સદા માટે બહાર થઈ ગયા. એ જમાનામાં એમની અદા ઉપર કોલેજિયન યુવતીઓ મરતી હતી. તેમના ઉપર જે યુવતીઓ મરતી હતી, એમાંથી આજે કોઈક જ જીવતી છે. કેટલીક બાળાઓ જીવતી હશે તે તો બાળાઓ નહીં પણ વૃદ્ધાઓ હશે.

પોળના એક મિત્ર ઈન્દ્રવદન પટેલ. દેવ આનંદના જબરા ચાહક હતા. દેવ આનંદની ફિલ્મ લાગી હોય તે થિયેટર પાસેથી એના બોર્ડ નીચેથી પસાર થાય તો શર્ટનો કોલર ઊંચો કરી દેવાનો એમનો શિરસ્તો હતો. બીજા એક મિત્ર અનુ માળી દેવ આનંદના આગામી પિક્ચરની ટિકિટ મેળવવાનું પ્લાનિંગ પરીક્ષાના પ્લાનિંગ કરતાં પણ વધુ ભક્તિભાવથી કરતો. અમારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દેવ આનંદનું પિક્ચર પહેલા અઠવાડિયે પહેલા શોમાં જોવાનું વ્રત રાખતા અને તે માટે વટ મારતા.

અમારો એક મિત્ર જગદીશ (છાપાની ભાષામાં- નામ બદલ્યું છે) કોઈ પણ ભોગે દેવ આનંદની ફિલ્મની પહેલા દિવસથી ટિકિટ લેવા માટે મરણિયો થતો. મરતા ક્યાં ન કરતા? ટિકિટ કાળાંબજારમાં જ મળે તેમ હોય ત્યારે તે પાંડવોએ જેમ આખરે પાંચાલીને હોડમાં મૂકી હતી તેમ જગદીશ પાઠયપુસ્તકો વેચીને પણ કાળાંબજારની ટિકિટ લેતો હતો. વર્ષમાં બે-ત્રણ વાર તે પાઠયપુસ્તકોને દેવ આનંદ માટે વેચી મારતો. પિતાજીને સમજાવી લેતો કે સ્કૂલમાંથી ચોપડીઓ ચોરાઈ ગઈ. એના પિતા નવાં પુસ્તકો લઈ આપતા. આ રીતે દેવ આનંદ પાઠયપુસ્તકોની વેચાણ વૃદ્ધિ માટે જવાબદાર હતો! દેવ આનંદને અપાયેલી અનેક અંજલિઓમાં આ મુદ્દા ઉપર કોઈનું ધ્યાન ગયું નથી.

ફિલ્મનાં હીરો-હિરોઈનની અનેક જોડીઓ બની છે. નરગિસ-રાજકપૂરની જોડી જાણીતી થઈ તે પહેલાં સુરૈયા-દેવ આનંદની જોડી મશહૂર થઈ ગઈ હતી, આમ તો એ બે જણાએ સાત ફિલ્મોમાં જ સાથે કામ કરેલું પણ જોડી તરીકે જાણીતાં થઈ ગયાં. એ વખતે શાળાનાં બાળકો જોડકણા સ્વરૂપે ગાતાં હતાં. બાળકો જીયા બેકરાર હૈ ના ઢાળમાં ગાતાં, સુરૈયા બીમાર હૈ, આજા ડોક્ટર દેવ આનંદ તેરા ઈંતજાર હૈ.

જિંદગીની ઉત્તરઅવસ્થામાં દેવ આનંદે ઘણી ફલોપ ફિલ્મોનું નિર્માણ કર્યું. કેટલાક સવાલ કરતા હતા કે આના માટે દેવસાબ પૈસા ક્યાંથી લાવે છે? બચપણથી દેવ આનંદના ચાહક બનેલા અને પરદેશમાં પાઉન્ડ-ડોલર કમાતા શખ્સો દેવ આનંદને પૈસા આપે રાખતા.

લોકો યાદ રાખે છે દેવ આનંદની કલા પ્રત્યેની આસ્થા. રાજકપૂર, દિલીપકુમારના સમયે ત્રીજા એક્કા જેવી તેમની કારકિર્દી હતી. નવકેતન મારફત નિર્માણ ક્ષેત્રે એમણે આપણને ઘણું આપ્યું છે.

એક ઓછી જાણીતી વાત. નવકેતન મારફત તેમણે એક સરસ હાસ્ય ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ આપી હતી. વિજય આનંદ (તેમના ભાઈ) હીરો અને અદ્ભુત સંગીત જયદેવે આપ્યું હતું. જ્હોની વોકર વગેરેની મદદથી સ્વચ્છ હાસ્ય ફિલ્મ બની હતી. (પણ રાબેતા મુજબ ફલોપ ગઈ હતી) નવકેતનની ફિલ્મોમાં હાસ્યની ઝલક રહેતી.

વાઈડ બોલ
“બોસ ન્યૂ યોર્કમાં ઘણા સરદારજી ટેક્સી ચલાવે છે...”

“એમાં શું? અમારે ત્યાં તો આખો દેશ સરદારજી ચલાવે છે.”

No comments: