Sunday, November 13, 2011

મેથોડિક્લ સિકને

“દેખ ભાઈ ત્રિવેદી, મેરી યે બાત યાદ રખના”
“કૌન સી?”
“કોઈ સીક લીવ પર હૈ તો ઉસકે ઘર ખબર પૂછને ન જાના.” મારા સહકર્મચારી મિત્ર બંસલે વર્ષો પહેલાં મને આ સલાહ આપી હતી. દેખીતી રીતે આ સલાહ સામાજિક નીતિશાસ્ત્રની વિરુદ્ધની હતી.
“હકીકતે તો આપણી ફરજ છે કે આપણો સહકર્મચારી બીમાર હોય તો આપણે તેની ખબર કાઢવા જવું, એને સારું લાગે.”
“સારું લાગવાને બદલે એને ખરાબ પણ લાગે!”
“કેમ કેમ? ખરાબ કેમ લાગે.”
“કારણ કે એ સિક લીવ પર છે.”
“એટલે? સિક લીવ ઉપર છે માટે તો ખબર કાઢવા જઇએ છીએ.”
“હા, એ સિક લીવ ઉપર છે. પણ સિક નથી, અને તમે ઘરે જાવ તો એ મનોમન અકળાશે.”
સિક લીવ ઉપર છે પણ સિક નથી, હું ગૂંચવાયો આ તે કેવી અવસ્થા? બીમારીની રજા ઉપર છે પણ બીમાર નથી. નાનપણમાં બાળવાર્તા વાંચેલી. એક દેશમાં ત્રણ નગર, બે ઉજ્જડ અને એકમાં વસ્તી જ નહી. આવા વિચિત્ર ઉખાણા જેવી આ વાત ગણાય. ત્યારે ઓફિસમાં હું નવો હતો. આપસી સંબંધો વિકસાવવામાં મને રસ હતો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે ‘સિક લીવ’ એક સગવડ છે. માંદગી ઘણું ખરું બહાનું જ હોય છે. દિવાળીના દિવસોમાં ચડેલા કામ ઉકેલવા સિક લીવ લઈ લેતા હોય છે. સિક લીવ ઉપરનો કર્મચારી તમને હોસ્પિટલમાં ન મળે, પણ હોટલમાં મળે.
હમણાં જ એક સર્વે બહાર પડયો કે ખોટી માંદગીની રજા લેનારાઓમાં ભારતનો નંબર વિશ્વમાં બીજો છે. ત્યારે અમને આપણા દેશના ‘ઓફિસ વહીવટ કલ્ચર’નો ખ્યાલ આવ્યો.
સિક લીવ, રજા લેવાનો આસાન તરીકો છે. ખટપટ નહી. મેડિકલ ર્સિટફિકેટ આપી દો, જૂઠા હી સહી વાત પતી ગઈ. મારા એક કર્મચારી મિત્ર કહે છે તમારે કોઈ ખર્ચ કરવો હોય તો કબાટના કોઈ ખાનામાં મૂકેલા પૈસા વાપરો, બેન્કના ખાતામાંથી પૈસા વાપરો કે પાકિટમાં પડેલા પૈસા વાપરો શું ફેર પડે છે? તેમ તમે રજા વાપરો. એ કેજ્યુઅલ રજા હોય કે હક્ક રજા હોય કે માંદગીની હોય. છેવટે તો તમારા ખાતામાં જ ઉધારવામાં આવે છે. ‘નામ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ’ નરસંૈયાના દિલમાં કદાચ રજાના પ્રકારોનાં વર્ગીકરણ ચાલતાં હશે. એટલે એણે એમ કહ્યું હશે. રજા મેળવવાની ભાંજગડથી બચવા મેડિકલ ર્સિટ. સહેલું પડે છે. કહેવાય છે કે કેટલાંક ડોક્ટરોએ પ્રેક્ટિસમાં ફક્ત આવાં ઉપજાવેલાં ર્સિટફિકેટ લખવાનું જ કામ કર્યું છે. કેટલાક ડોક્ટરોને આવાં માંદગીનાં ર્સિટફિકેટ લખવાનો મહાવરો થઈ ગયો હોય છે. કેટલાક ડોક્ટરો સ્ત્રી-બાળકોના ખાસ ડોક્ટર એમ લખતા હોય છે, તેમ આવાં ર્સિટફિકેટ લખનાર ડોક્ટરો, ‘માંદગીનાં ર્સિટફિકેટ લખી આપવાના અનુભવી’ તેમ લખી શકે. જોકે
લખતા નથી.
મારા મિત્ર હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી માંદગીની રજા લઈ ઘરે રહેલા, પછી ઘરના કામે માણેકચોક ગયેલા. સાહેબ એમને જોઈ ગયેલા. થયું સત્યવાદી હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી રજા ભોગવી રહ્યા છે. સાહેબે મને ફોન કર્યો. “તમારા મિત્ર હરીશચંદ્ર માંદગીની રજા ઉપર છે પણ એ તો માણેકચોકમાં આંટા મારે છે.” મેં કહ્યું, “સર, ઘણા લોકો ઊંઘમાં ચાલતા હોય છે ને?”
“હા”
“તેમ હરીશચંદ્ર માંદગીમાં ચાલે છે એમ સમજવું”, ‘હેમલેટ’માં શેક્સપિયરે લખેલું કે, હેમલેટના ગાંડપણમાં પણ પદ્ધતિસરનું ગાંડપણ દેખાતું હતું. ‘મેથોડિકલ મેડનેસ’ તેમ માંદગીની રજાઓમાં મેથોડિકલ સિકનેસ હોય છે. એ ભૂલવું ન જોઈએ કે માંદગીની રજાઓની પ્રથાને કારણે ઘણા ડોક્ટરોનાં કુટુંબ સાજાંતાજાં રહે છે. માંદગીની રજાઓમાં વિશ્વમાં ભારત બીજો નંબર ધરાવે છે એવું જાણવાથી દુઃખી થવાની જરૂર નથી પહેલો નંબર ન આવવાનું દુઃખ થાય તે સમજી શકાય.
વાઇડ બોલ
પાકિસ્તાને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટ્રેડ (MFNT) દરજ્જો આપવાનું વિચાર્યું પણ માંડી વાળ્યું. MFN દરજ્જો પાકે આપણને આપેલ જ છે ‘મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટેરરિસ્ટ એક્ટિવિટી’

No comments: