આફોટો જુઓ, આપણા ત્રણ ક્રિક્ટરો એક જ બાઇક ઉપર સવારી કરી રહ્યા છે. માથાદીઠ ૧/૩ બાઇક ગણાય. લાખો કે કરોડો કમાતા ક્રિકેટરો કેમ આટલી કરકસર ઉપર ઊતરી આવ્યા છે?
“આ ફોટા જોવાથી તને શું યાદ આવે છે?” મેં છગનને પૂછયું.
“ગાંધીજી” એણે કહ્યું
“ગાંધીજીનાં ચિત્રોવાળી ઢગલાબંધ નોટો આ ક્રિકેટરોને મળે છે એ વાત ખરી પણ આમાં તને ગાંધીજી કઈ રીતે યાદ આવ્યા?”
“બોસ, કેટલાંક વર્ષો પહેલાં ગાંધીજી યાને પૂ.બાપુ એક વાર વિદ્યાપીઠથી આશ્રમ ડબલસવારીમાં ગયા હતા. આજે ક્રિકેટ કપ્તાન ધોની બાઇક ઉપર ટ્રિપલ સવારીમાં જણાય છે, એટલે એ યાદ આવી ગયું.
પૂ.બાપુ સવિનય કાનૂનભંગમાં માનતા હતા. ધોની પણ આ કિસ્સામાં સવિનય કાનૂનભંગ કરી રહ્યો છે. તેમ જણાય છે એટલે એ પણ બાપુ ચીંધ્યા માર્ગે જઈ રહ્યો છે તેમ કહી શકાય!
એક શિસ્તના આગ્રહી મિત્રે આ ફોટો જોયા પછી કહ્યું “ધોની અને તેના સાથીઓની મેચ ફીના અમુક ટકા આવા કૃત્ય માટે પેનલ્ટીરૂપે કાપી લેવા જોઈએ. જેમ અમ્પાયર પાસેથી ટોપી ખેંચનાર ખેલાડીને પણ ગેરવર્તણૂક ગણી
દંડ કરેલો.”
ધોનીની તરફદારી કરનાર મિત્ર કહે છે કે “આ તો મેચ સિવાયના ગાળામાં થયેલું કૃત્ય છે. તેનો દંડ ન થઈ શકે.”
“ર્સિવસ કન્ડક્ટ રુલ્સ પ્રમાણે તો કર્મચારી ચોવીસે કલાક પોતાની વર્તણૂક અમુક મર્યાદામાં રાખવા બંધાયેલ છે. તે રવિવારે પણ ફાવે તેમ વર્તી ન શકે. જો કર્મચારી પોતાની ‘કન્ડક્ટ’ માટે ગમે તે સ્થળે ગમે તે સમયે જવાબદાર ગણાય તો ક્રિકેટર કેમ નહીં?”
એક મિત્રને મેં પૂછયું,”તમને આ ફોટો જોઈને શું લાગે છે?”મિત્રે કહ્યું,”એક બાઇક ઉપર ત્રણ જણા બેસી ગયા છે. પણ બેસનાર ત્રણે મોટાં માથાં ગણાય. સમરથ કો નહીં દોષ ગોંસાઇ એ ઉક્તિ યાદ આવે છે. ત્રણ સવારી છે અને કોઇ હેલ્મેટ પહેરી નથી.”
આપણા શહેરમાં કોઈ સામાન્ય ઘરના છોકરા આમ ગયા હોય તો પેનલ્ટી થઈ જાય. કદાચ એક બે ડંડો ખાવાનો મોકો પણ મળી જાય. પણ આ સમર્થના દોષ જોવાતા નથી.
હેલ્મેટની વાત થઈ એટલે એક એસએમએસ યાદ આવ્યો. હેલ્મેટ પહેરવાની સરસ રીતે તરફેણ કરતાં તેમાં કહેવાયું છે કે ભગવાન ગણેશ હાથમાં હેલ્મેટ લઈને ઊભા છે અને સલાહ આપે છે, ‘હેલ્મેટ જરૂર પહેરો, દરેકને નવું મસ્તક રિ-પ્લાન્ટ કરવાની સગવડ મળતી નથી. (મારી જેમ!)’
કેટલાક મિત્રો માને છે કે આ ફોટો યુવકોમાં ખોટો ‘મેસેજ’ લઈ જશે. ‘બાઇક ઉપર ત્રણ જણા ફરો અને હેલ્મેટની ઐસી તૈસી કરો.’
‘એક ફૂલ દો માલી’ એવી એક ફિલ્મ આવી હતી. એક મિત્રને આ ફોટો જોઈ તે યાદ આવી ગઈ એક બાઇક ત્રણ ગામી. (ગમન કરનારા)
એક ક્રિકેટર મિત્રે કહ્યું, “આજકાલ ક્રિકેટરોની વર્તણૂક વિશે ઘણી ફરિયાદો આવતી હોય છે. આ પ્રકારનો ફોટો જોયા પછી લાગે છે કે ક્રિકેટરો કા કેરેક્ટર ઢીલા હૈં!”
ઘણી વાર જાહેરખબર વખતે ટીવી ઉપર દર્શાવે છે કે જાહેરાતમાં આવતો ‘સ્ટંટ’ તમારે જાતે કરવો નહીં. તેમ આ ફોટા નીચે લખવું જોઈતું હતું કે આવા ખેલ તમારે કરવા નહીં. નહીંતર ટ્રાફિકવાળા તમને છોડશે નહીં.
ક્રાઇમ સ્ટોરીના ચાહક એક મિત્રે કહ્યું, આ ફોટો જોતાં બાઇક પર ગેંગ રેપની ઘટના જેવું લાગે છે.
વાઇડ બોલ
લિફ્ટમાં ધંધાની વાત ન કરવી, તમે જાણતા નથી હોતા કે તેને કોણ કોણ સાંભળી રહ્યું હોય છે.
No comments:
Post a Comment