Monday, November 21, 2011

અપમાન અપમાન ઘોર અપમાન

થોડાક થોડાક દિવસના અંતરે મીડિયામાં હોબાળો મચે છે. અમુકતમુક નેતાનું અપમાન થયું. ગાંધીજીનું અપમાન થયું, બાબાસાહેબનું અપમાન થયું.
થોડાક દિવસ પહેલાં જ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામસાહેબનું અપમાન થયું, તેવો હોબાળો થયો હતો. આ અમેરિકાવાળા પણ કોણ જાણે કેટલા ભારતીયોનું અપમાન કર્યું હશે એ લોકોએ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝનું અપમાન કરેલું. પગથી માથા સુધી તેમનું સ્ક્રીનિંગ કર્યું હતું. સલામતી ચકાસણી માટે આને કેટલાક લોકો અપમાન ગણે છે. કલામસાહેબનાં જૂતાં, જેકેટ બધું તપાસ્યું. આપણે આપણા નેતાઓની ચૂંટણી કોઈ તપાસણી વગર કરીએ છીએ. પણ અમેરિકાવાળા એમના દેશમાં આવતા જતા માણસોની પૂરેપૂરી ચકાસણી કરે છે. જો ખટમંડુવાળા આ પ્રમાણે કરતા હોત તો ‘કંદહારકાન્ડ’ બન્યો ન હોત. આ ચકાસણીમાં પટ્ટા, બેલ્ટ, બૂટ, જેકેટ, પર્સ બધું જ આવી જાય છે. અમેરિકાવાળા માટે આ રૂટિન છે. પ્રો. કલામ હોય કે અમદાવાદના કાન્તિલાલ હોય, આ ચકાસણીને મીડિયાને અનુકૂળ આવે ત્યારે અપમાન ગણે છે. શાહરૂખ ખાનને પણ આ બધી વિધિ કરવી પડી હતી. અમને પણ આ ચકાસણીનો અનુભવ થયો હતો. અમે કલામ લેવલના ન હોઈ ગુજરાતી લેખકનું અપમાન એવું તેવું લખાયું નહીં. અમે ચકાસણીમાં સહકાર આપેલો, ડબ્બામાં મગસના લાડુ જોઈ પૂછેલું, “આ શું?”
“સ્વીટ બોલ”
એ બોમ્બ નથી એવી ખાતરી કરી જવા દીધું. અમે તેનો આભાર માનેલો કે અમારી સલામતીની તે કેટલી ચિંતા કરે છે, કારણ કે એ અધિકારી તો જમીન ઉપર હતો. કંઈ થઈ હોત તો એને કાંઈ ન થાત, હવામાં અમે ઊડવાના હતા, ત્યાંથી જ ઊડી જાત. એટલે અમારી ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. (અપમાન સામે બહુમાન?) કેટલાક આવી ચકાસણીથી અકળાય છે તેને માટે જ ભગવાન જિસસે કહેલું, “પ્રભુ, એમને માફ કરજે એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.” આ સજીવના અપમાન સાથે નિર્જીવ મૂર્તિઓ (પૂતળાં) ના અપમાનનો પ્રશ્ન ચગે છે. ગાંધીજીના પૂતળાનું અપમાન થયું કે બાબાસાહેબના પૂતળાનું અપમાન થયું. પૂતળાંપ્રિય આપણી જનતા નેતાઓનાં પૂતળાં ઠેર ઠેર મૂકે છે. જો માયાવતીજીનું ચાલશે તો દેશમાં કોઈ ખાલી જગ્યા નહી મળે, જ્યાં પૂતળું ન હોય.
દેશમાં આટલાં બધાં પૂતળાં અને એથી અનેક ગણાં કબૂતરો છે. કબૂતરો માટે પૂતળાં એ પબ્લિક ટોઇલેટ છે! ડોન્ટ પે એન્ડ યુઝવાળા. આને નેતા ભક્તો, નેતાનું અપમાન નથી કહેતા. આ પૂતળા સાથે કંઈક બને છે, ત્યારે તેમના અનુયાયીઓ, નેતાનું અપમાન કહી હોબાળો મચાવે છે. તાજેતરમાં આવો જ એક હોબાળો મચ્યો, ‘સરદારનું અપમાન’ સરદાર પટેલના પૂતળા ઉપર પગ મૂકી અન્ય પક્ષના કાર્યકર્તાઓ બેનર બાંધતા હતા. ‘સરદાર ઉપર પગ મુકાય?’ કેટલાયને આઘાત લાગ્યો. સરદાર ઉપર પગ મૂકી બેનર બાંધવા બદલ માફી માગો માફી માગોનું સમૂહગાન થયું. સરદારના અપમાનનો નારો ચલાવનાર ભૂલી ગયા કે સરદારના પૂતળા ઉપર નહીં, પણ સરદારના ખભા ઉપર પગ મૂકી નહેરુજી વડાપ્રધાન થયા હતા. દેશની બહુમતી પ્રાંતિક સમિતિઓ સરદાર પટેલ વડાપ્રધાન બને તેવી વાત કરી હતી, તે છતાં સરદારનું અપમાન ક્યાં થયેલું ગણાય? દિલ્હીમાં કે તાજેતરમાં થયેલી કરમસદની ઘટનામાં?
વાઇડ બોલ
મુખ્યમંત્રીશ્રી ચીન જઈ આવ્યા, ત્યાં શું કર્યું? ‘ખૂલ જા ચીન-ચીન’

No comments: