Sunday, November 13, 2011

ફ્રેનિમી-યાને દોસ્ત વત્તા દુશ્મન

આપણે નાના હતા ત્યારે શેરીમાં બરફનો ગોળો ખાતા એમાં શરબતનો છંટકાવ થતો, ખટ્ટામીઠ્ઠાનો બાળપણનો અનુભવ થોડુંક શરબત ગળ્યું હોય થોડુંક ખાટું હોય.
બરફના ગોળા મારફત આપણે જાણ્યું જિંદગીમાં ગળપણ પણ છે ખટાશ પણ છે. એ મતલબની ફિલ્મ ‘ખટ્ટામીઠા’ આવી હતી. તો ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મ પણ ટૂ-ઇન-વન ના સંદેશા સાથે આવી હતી. અમેરિકન સમાજમાં એક શબ્દ પ્રચલિત છે - ‘ફ્રેનિમી’ આ પણ ટૂ-ઇન-વન વાળી વાત છે. ફ્રેનિમી એટલે ફ્રેન્ડ અને એનિમી બંને. મિત્ર પણ ખરો અને શત્રુ પણ ખરો. બંને શત્રુમિત્ર એક જ માણસમાં ત્વમેવ શત્રુ, મિત્ર ચ ત્વમેવ એવું એને માટે કહી શકાય. અમેરિકન લોકોએ તેને માટે શબ્દ બનાવ્યો છે - ‘ફ્રેનિમી’. આપણે જેને મિત્ર માન્યા હોય તે શત્રુનું કામ પણ કરતો હોય તે ફ્રેનિમી છે. ‘દુશ્મન ન કરે દોસ્ત ને યે કામ કિયા હૈ...’ એવું ગીત જેને માટે તમે ગાઈ શકો તે ફ્રેનિમી છે. એવો માણસ ક્યારેક આપણને મળી જતો હોય છે જે દોસ્ત છે પણ તેમાં એક દુશ્મન છૂપાયેલો હોય છે. લગભગ બત્રીસ-પાંત્રીસ વરસ પહેલાં હાસ્ય સાહિત્યનો પહેલો એવોર્ડ ‘જ્યોતિન્દ્ર દવે’ મળ્યો ત્યારે ઘણાને લાગ્યું હતું કે હું ખૂબ જ નમ્ર છું. આથી જાહેરાત નથી કરતો પણ વાત જરા અલગ હતી. મને એવોર્ડ મળ્યાના ખબર મળ્યા કે હરખમાં ઉછળી પડી મેં છગનને વાત કરી. છગનને હું મારો મિત્ર માનતો હતો. છગનને ખુશ થતાં કહ્યું, “યાર, મને જ્યોતિન્દ્ર દવે એવોર્ડ મળ્યો છે.”
ત્યારે એણે ઠાવકાઇથી કહ્યું, કશો પણ ઉત્સાહ દર્શાવ્યા વગર કહ્યું, “હોય, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન!” ત્યારે મને છગનમાં ‘ફ્રેનિમી’નાં ચોખ્ખાં દર્શન થઈ ગયાં હતાં. આના આઘાતમાં પછી મને મળેલ એવોર્ડની વાત હું કોઈને કરી શક્યો ન હતો.
મહારાજા શિવાજીએ ‘ફ્રેનિમી’નું શાસકીય દૃષ્ટાંત પૂરું પાડયું હતું. અફઝલ ખાનને મૈત્રીપૂર્ણ વ્યવહાર બતાવવા શિવાજી ભેટયા અને અફઝલ ખાનને વાઘ નખથી ચીરી નાંખ્યો. તમને પ્રેમથી ભેટતો માણસ તમારો હત્યારો હોઈ શકે. શાયર ચીનુ મોદીએ એ અંગે ‘ફ્રેનિમી’ માટે શેર લખ્યો છેઃ
પથ્થરો પોલા હશે કોને ખબર?
મિત્ર પણ બોદા હશે કોને ખબર?
ચીનુભાઇએ બોદા મિત્રના સ્વરૂપમાં ફ્રેનિમીની વાત કરી છે. ફ્રેનિમી હોય તેને મિત્રોની જરૂર પડતી નથી.
રોમન ઇતિહાસમાં ‘ફ્રેનિમી’નો ભોગ બનનાર ‘જુલિયસ સીઝર’ હતો. સીઝર, બ્રૂટસને મિત્ર માનતો હતો પણ એ ફ્રેન્ડ ન હતો પણ ફ્રેન્ડના લિબાસમાં ‘એનિમી’ હતો, એ જ્યારે બ્રૂટસે ખંજર માર્યું ત્યારે તેને ખબર પડી. મરતાં મરતાં ફ્રેનિમી બ્રૂટસને જાણી ગયેલો સીઝર બોલ્યો, “યુ ટૂ બ્રૂટસ!” (અલ્યા તું પણ!) આ ફ્રેનિમીનું જાણીતું વાક્ય આપી સીઝર જગ છોડી ચાલી ગયો.
વાઇડ બોલ
માધુરી દીક્ષિત અમેરિકાને રામ રામ કરી પરત આવી ગઈ...એક
ન્યૂઝનું હેડિંગ
અમેરિકાને ભલે રામ રામ કર્યા પણ સાથે (શ્રી) રામને લઈને આવી છે!

No comments: