ભગવાને ઊંઘવા માટે રાત બનાવી છે.
માણસને ન ચાલી શકે તેવી વસ્તુઓમાં એક ઊંઘ પણ છે. માણસને ઊંઘ વગર ચાલે નહીં. હાં, કેટલાક માણસ ઊંઘમાં પણ ચાલે. ઊંઘ માટે આપણી ગરવી ભાષાનો શબ્દ છે નીંદર. શિવાજીને નીંદુરુ એટલે કે નીંદર આવે તે માટે માતા જીજીબાઈને પ્રયત્ન કરવા પડતા હતા. નાના શિવાજીઓને નીંદર માટે જીજીબાઈઓને મહેનત કરવી પડે અને એ જ શિવાજીઓ મોટા થાય ત્યારે તેમને જગાડવા માટે પ્રયત્ન કરવા પડે. ‘અલ્યા સ્કૂલનો ટાઈમ થયો છે, તારે કોલેજ જવાનું મોડું થશે. જાગ મારા વીરા જાગ.’
ઊંઘવું એ માણસની મજબૂરી છે. ભૂખ ન જોવે ભાખરો ને ઊંઘ ન જોવે સાથરો તેવી ઉક્તિ પણ છે. બરાબરની ભૂખ લાગી હોય ત્યારે માણસ પત્નીની રસોઈની આવડત ઉપર કોઈ ટીકા કરતો નથી. બળેલી ભાખરી પણ ચૂપચાપ ખાઈ લે છે. તેમજ ઊંઘ આવે ત્યારે માણસ ગમે ત્યાં ઊંઘી શકે છે.
બિલકુલ સત્ય વચન, મારા મિત્ર મહેતા તેમની ઓફિસ જ રીવોલ્વિંગ ખુરશીને પણ છત-પલંગ તુલ્ય ગણી ઊંઘી જાય. એમની કેબિનમાં કોઈનો ફોન આવે તો વાત કરતાં કરતાં પણ તેમને બગાસું આવી જાય અને નીંદરમાં સરી પડે.
એક વાર રસ્તા ઉપર ઊભેલી ટ્રક સાથે તેમનું સ્કૂટર અથડાઈ ગયું. એ વખતે બેંક ઓફિસર બંસલે કોમેન્ટ કરેલી કે, ‘મૈંને કિતની બાર મહેતા કો કહા થા, યાર સ્કૂટર ચલાને કે સમય મત સોયા કરો.’
મહેતાને કોઈએ પૂછેલું કે, ‘સોમથી શનિ તમે બેંકમાં હો, રવિવારે શું કરો છો?’
મહેતાએ નિખાલસતાથી કહ્યું, ‘રવિવારે ઘેર સૂઈ જાઉં છું.’
ઊંઘવું ક્યારે? કેટલું?
ભક્ત નરસૈયાએ કહેલું કે ‘પાછલી ખટ ઘડી સાધુપુરુષે સૂઈ ન રહેવું.’ (આમાં પુરુષનો જ ઉલ્લેખ છે, સ્ત્રીઓને વાંધો નહીં.) નરસિંહ મહેતાના આ નિયમ પ્રમાણે તમારે રાત્રિના ત્રણ (કે સવારના ત્રણ) વાગે ઊઠી જવું જોઈએ. નરસિંહ મહેતાની ઊંઘવાની આ ‘ડેડલાઈન’ આજે ફાવે ખરી? પ્રો. યોગેન્દ્ર વ્યાસ કહેતા હતા કે આજે આપણે અગિયાર વાગ્યા પછી ઊંઘતા હોઈએ તો ત્રણ વાગે કઈ રીતે જાગવું? નરસિંહ મહેતાને તો ઠીક છે આઠ વાગે સૂઈ જતા હશે, પણ આપણું શું?
ગીતાના અભ્યાસ વળી જુદી વાત કરે છે. ‘દુનિયા ઊંઘે ત્યારે જાગે તે સંયમી!’ એટલે કે બીજી પાળી કે ત્રીજી પાળીમાં નોકરી કરનાર સંયમી?
જ્યોતિન્દ્ર દવેને પણ વહેલા ઊઠવાની સલાહ આપનારાઓ તકલીફ આપતા હતા. એક જણે અંગ્રેજી કહેવત ટાંકતા સલાહ આપેલી કે સૌથી ‘વહેલું ઊઠનાર પક્ષી જ જીવડાં પકડી શકે છે.’ ત્યારે જ્યોતિન્દ્ર દવેએ ટિપ્પણી કરેલી કે, ‘પણ પેલા જીવડાં તો પક્ષીઓ કરતાં પણ વહેલા ઊઠયા હશે ને! વહેલું ઊઠવું એમના માટે લાભદાયી ન હતું.’
ઈન્દિરાજીએ તેમની ઘણી ખરી રાજકીય હિલચાલો મધરાતે કરેલી. (પછી એ દિવસે આરામ કરતા હશે ને!) અરે આપણા દેશને પણ મધરાતે આઝાદી મળેલી ત્યારે સરકાર મળસ્કા સુધી જાગતી રહેલી. પછી તો ઊંઘ આવે જ ને!
ઘણા વિદ્યાર્થીઓ તો ક્લાસમાં પણ ઊંઘી જાય છે. અધ્યાપકોની શિક્ષણપદ્ધતિનો તેમાં ફાળો હોઈ શકે. આપણા ઘણા સાંસદો લોકસભામાં કે રાજસભામાં ઊંઘતા હોય છે. જે ઊંઘે છે તેનું નસીબ ઊંઘે છે, તે સિદ્ધાંત તેમને લાગુ પડતા નથી. એમની ઊંઘ દરમિયાન પણ તેમનાં ભથ્થાં પણ ચાલુ જ હતાં.
આપણા પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા પણ સંસદમાં ઊંઘતા હતા તેવાં દૃશ્યો છપાયેલાં.
ટૂંકમાં જ્યારે પણ ઊંઘ આવે ત્યારે સાથરો જોયા વગર સૂઈ જવાનું. જાગ્યા ત્યારથી સવારની જેમ ઊંઘ્યા ત્યારથી રાત ગણવી.
આપણા પાણી પુરવઠામંત્રી પણ એક વાર વિધાનસભામાં ઊંઘી ગયેલા, તો પણ ખાતું શાંત જ રહેલું.
મિત્રો, ઊંઘ એ વરદાન છે. ઊંઘો અને ઊંઘવા દો.
No comments:
Post a Comment