Saturday, July 16, 2011

રમેશ રાજા અને વાંદરાં...

આપણા દેશમાં રાજા મહારાજાઓ હતા ત્યારે એ લોકો ઘણાં ખેલ કરતાં. ખેલ કરવામાંથી સમય મળે ત્યારે શાસન પણ કરી લેતા.

જૂનાગઢના નવાબને કૂતરાં બહુ ગમતા. એમણે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવું હતું અને પોતાનાં કૂતરાંને એક કૂતરી સાથે જોડયું હતું મતલબ કે લગ્ન કરાવ્યાં હતાં. ‘રાજા, વાજા ને વાંદરાં’ એ કહેવત આવા કોઈ પ્રસંગને કારણે આવી હશે. રાજાઓ તો ગયા, પણ આવા ખેલ પ્રજામાંથી કોઈ વીરલાઓ પાડતા હોય છે. નજીકના ભૂતકાળમાં જ અમદાવાદમાં જ કૂતરાંના અવસાન નિમિત્તે બેસણાં રાખવામાં આવ્યાં હતાં. બાપનું બેસણું રાખે તેને લોકો યાદ નથી રાખતા, પણ કૂતરાંનું બેસણું રાખનારને લોકો ખાસ યાદ રાખે છે.

“પેલા સંદીપભાઈને ઓળખ્યા?”

“કોણ?”

“અરે, પેલા કૂતરાનું બેસણું રાખવાવાળા!”

કડી પાસે એક પટેલ રહે છે, એમણે એમની ભેંસની જીવતા જગતિયાની ક્રિયા કરી હતી. એ ભેંસ જીવતી હતી, પણ તેનું બારમું-તેરમું વગેરે ઉત્તરક્રિયા કરી લોકોને તેમણે જમાડયા હતા.

તાજેતરમાં રાજસ્થાનમાં એક વાંદરાનાં લગ્ન કરવામાં આવ્યાં. ઘણી વાર લગ્ન પછી માણસની જિંદગી કૂતરાં જેવી થઈ જાય છે. જૂનાગઢના નવાબે જેનાં લગ્ન કરાવ્યાં હતાં તે કૂતરાંની જિંદગી પણ લગ્ન પછી કૂતરાં જેવી જ થઈ હશે કે રહી હશે. એ કૂતરાંનો માણસ નહીં થયો હોય.

રાજસ્થાનના વાંદરાનાં લગ્નમાં શું થયું હશે? એક કવિએ લખ્યું હતું, “આદમી થા બંદર.”

આ બંદરનાં લગ્ન થવાથી તે માણસ નહીં બન્યો હોય.

તેના માલિક રમેશ રાજસ્થાની. તેને તમે રમેશ રાજા એમ પણ કહી શકો. એ રમેશ રાજાએ તેના બંદર નામે રામુનાં લગ્ન એક વાંદરી નામે ચમકી સાથે કરાવ્યાં.

વરસો પહેલાં પોળોમાં, સોસાયટીઓમાં વાંદરાનો ખેલ કરવાવાળા આવતા હતા. યાદ આવે છે, તેઓ નાનકડી વાંદરી પાસે ચાળા કરાવતા હતા. “એય રતનબાઈ સાસરે કેમ જશો?”

એટલે રતનબાઈ નામની વાંદરી બે પગે ઊભી થઈ ઠૂમક ઠૂમક ચાલ બતાવે. માથા ઉપર ફાટેલા સાડલાનો કટકો ઢાંકે. આ રાજસ્થાની બંદર-બંદરિયાનાં લગ્નમાં પણ ચમકી વાંદરી ઠૂમક ઠૂમક ચાલતી લગ્નમંડપમાં ગઈ હશે.

રમેશ રાજાએ એમના વાંદરાનાં લગ્નમાં ગામમાં હજાર કાર્ડ વહેંચ્યાં હતાં. મારા બંદરનાં લગ્નમાં પધારશો.

આ લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં, બાંદ્રામાં નહીં, નહીંતર બાંદ્રામાં વાંદરાનાં લગ્ન એવી ચમત્કૃતિવાળું હેડિંગ છાપામાં આપી શકાય. આપણા મસ્ત કલાકાર કિશોરકુમાર ચાર વાર પરણ્યા હતા. સંજોગોવશાત્ તેમની તમામ પત્નીઓ બાંદ્રાની હતી. ત્યારે કિશોરે કહ્યું, “ક્યા કરું મેરી કિસ્મત મેં સબ બંદરિયા લીખી થી.”

હવે ‘કહાનીમાં ટ્વિસ્ટ’ આવે છે. સરકાર જાગી છે. સરકારને વાંદરનાં લગ્ન સામે વાંધો છે. રમેશભાઈને એમણે કહ્યું, દેશનાં તમામ વાંદરાં સરકારની મિલકત ગણાય. “તમે સરકારી વાંદરાના વિવાદ કઈ રીતે કરી શકો?” આ ગુનો છે. તમારી ધરપકડ થશે. સરકારી મિલકત સાથે છેડછાડ કરવા બદલ તમારી સામે કામ ચલાવવામાં આવશે.

સરકારને લાગે છે કે વાંદરાનાં લગ્ન કરાવવાં તે વાંદરા માટે કલ્યાણકારી નથી.

માણસોનાં લગ્ન માટે પ્રભુતામાં પગલાં પાડયાં તેમ કહેવાય છે, પણ રમેશભાઈએ વાંદરાનાં લગ્ન કરાવી વાંદરાનું તેમજ પોતાનું અકલ્યાણ કર્યું છે. સરકારે આ લગ્નમાં ભાગ લેનાર સામે પણ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. બંદર રામુ અને વાંદરી ચીમકીને આ ધાંધલધમાલથી કોઈ અસર નથી પડી. એ વાંદરાઓને આ ‘માનવીની ભવાઈ’ લાગી હશે.

કાનૂન પ્રમાણે વાંદરાં પાળવાં તે પણ ગુનો છે. રમેશભાઈને લાગ્યું હશે આ વાંદરાઓનાં લગ્ન કરાવી તેમને માણસાઈ શીખવાડવાનો પ્રયત્ન કરવા જેવો ન હતો.

વાઈડ બોલ

“વાંદરા થઈને મુંબઈ જવાય.” આ શ્લેશયુક્ત વાક્ય ઉપર કોમેન્ટ કરતાં ભોગીલાલ સિંદબાદ કહે છે.

‘ધોળા થઈને ભાવનગર જવાય.’

No comments: