બાપુ યાને ગાંધીજી કેવળ રાજકારણી ન હતા. કેવળ આધ્યાત્મવાદી ન હતા. એ તો ‘વર્સેટાઈલ’ વ્યક્તિત્વધારી હતા. વિશ્વની કોઈ ને કોઈ બાબત ઉપર ગાંધીજી કાંઈ ને કાંઈ કરી ગયા છે. તે કોઈ પણ બાબત ‘એનીથિંગ અન્ડર ધ સ્કાય’ વિશે બોલી શકતા. (સોમવાર સિવાય) અમદાવાદ, મહેમદાવાદ, ઔરંગાબાદ દરેક સ્ટેશન ઉપર તેમની ગાડી ઊભી રહેતી. તમે એવો કોઈ પણ વિષય શોધી ન શકો જેમાં બાપુએ કશું કહ્યું ન હોય.
ગાંધીજી ન બોલ્યા હોય તેવી કોઈ બાબત છે ખરી? ત્યારે નેપોલિયન પણ બોલી ઊઠે ‘અશક્ય’.
ગાંધીજી મૌન વિશે પણ બોલેલા. મારામાં પણ ગાંધીગીરીની અસર ખરી. શાળા વકૃતૃત્વ સ્પર્ધામાં મૌન વિશે હું અર્ધો કલાક બોલેલો. એ તો છોકરાઓએ તાલીઓ પાડીને મને બેસાડી દીધો હતો. નહીંતર મૌન વિશે બીજો અર્ધો કલાક હું આરામથી બોલત.
અત્યારે ઘણા લોકોને બેન્કોની સેવા કથળી ગઈ છે તેમ લાગે છે. એ લોકો કહે છે ‘વી કાન્ટ બેન્ક અપોન બેન્ક્સ’ એટલે કે બેન્કનો આધાર રાખી શકાય તેમ નથી. એક ભાઈ બેન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે અધિકારીએ તેમનું સરનામું પૂછતાં પેલાએ સરનામું કહ્યું. ‘ઓકે તમે ઘોડાસર રહો છો અને જવાહરચોકની બેન્કમાં ખાતું ખોલાવવા આવ્યા છો? બેન્ક અધિકારીએ એ રીતે પૂછયું જાણે કે ભાઈએ કોઈ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો કર્યો હોય.
‘‘ના. ના, આ રસ્તે હું રોજ આવતો જતો હોઉં છું એટલે થયું કે આ બેન્કમાં ખાતું ખોલાવું.’’
‘‘મિસ્ટર, તમારા ઘરેથી અહીં આવતા બીજી દસ બેન્ક રસ્તામાં આવે છે. બીજું કોઈ ન મળ્યું તે અમારી બેન્ક જ તમારી ઝપટે ચડી?’’ એ બેન્કરનું ભૌગોલિક જ્ઞાન સારું હતું. આગંતુકના ઘરથી તેમની બેન્ક સુધીની તમામ અન્ય બેન્કના સ્થળથી તેઓ માહિતગાર હતા. વળી શેરબજારનું કોઈક કાગળિયું તેઓ ભરી રહ્યા હતા. તેમાં મુલાકાતીએ વિઘ્ન નાખ્યું હતું તેથી તેઓ નારાજ પણ હતા.
ગાંધીબાપુએ અન્ય અનેક વિષયો ઉપર પોતાનાં મંતવ્યો જાહેર કર્યાં પછી બેન્ક અને ગ્રાહક વિશે પણ તેમણે અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે બેન્કની હજ્જારો શાખામાં સરસ રીતે મઢાવીને લટકાવેલા દેખાઈ આવે છે. કહે છે કે બાપુને પણ બેન્કના ગ્રાહક પ્રત્યેના વર્તાવનો અનુભવ થઈ ચૂક્યો હતો. ગોડસેએ એમને ગોળી મારી તે પહેલાં કોઈ બેન્કરે તેમને ઘાયલ કરેલા. કહે છે ગાંધીજી ખાતું ખોલવા ગયેલા પણ બેન્કરે કરેલા અટપટા સવાલોથી તે ઘાયલ થઈ ગયેલા. ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ, પણ ખાતું ખોલાવ્યા વગર નહીં આવું’. એવું બાપુ બોલ્યા ન હતા. એટલે બાપુ બેન્ક અધિકારીના વર્તાવથી નિરાશ થઈ સ્વગૃહે પરત ફરેલા. બાપુ જીવનની અંતિમ ક્ષણે છેલ્લે ‘હે રામ’ બોલેલા. પણ સૌ પ્રથમ બેન્કમાં થયેલા કડવા અનુભવના કારણે બોલેલા ‘હે રામ’! ગાંધીજીને રામ તરફ વાળવાવાળા સૌ પ્રથમ બેન્કવાળા જ હતા. એ સમજવા માટે ગાંધીજીએ બેન્કરોને સલાહ આપતાં સુવાક્યો વાંચશો તો સમજાઈ જશે.બાપુએ બેન્કવાળાને જે સલાહ આપી છે તેમાં સૌ પ્રથમ વાક્ય છે, “ગ્રાહક એ આપણે ત્યાં આવતી સૌથી અગત્યની વ્યક્તિ છે.’ એ આપણા ઉપર આધાર રાખનાર વ્યક્તિ નથી, પણ આપણે તેના ઉપર આધાર રાખનાર છીએ. (જરા સમજો!) ગ્રાહક એ આપણા કામની રૂકાવટ નથી, પણ આપણી કામગીરીનો હેતુ છે. એ આપણને દખલ નથી પહોંચાડતા. ગ્રાહક આપણાં ધંધા માટે બહારની વ્યક્તિ નથી, પણ તે આપણા જ પરિવારનો સભ્ય છે.
આપણે તેનું કોઈ કામ કરીને તેની ઉપર મહેરબાની નથી કરતા પણ તેની મહેરબાની છે કે તે આપણને તેનું કામ સોંપે છે. આપણને સેવા કરવાની કે કામ કરવાની તક આપે છે.” લાગે છે કે બાપુને બેન્કોનો બરાબર અનુભવ થયો હશે, નહીંતર આટલું માર્મિક નિવેદન ન કરે. છગન કહેતો હતો કે બેન્કવાળાનું રાષ્ટ્રગીત છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ મારે ત્યાં શું કામ આવો છો? બીજે જાવ ને! સિંદબાદ કહે છે : ગાંધીજીની આટલી સરસ વાતો બેન્કવાળાએ દરેક શાખામાં મઢાવીને મૂકી છે. પણ તે અધિકારીને વંચાય તે રીતે નહીં? એ લોકો પગારની ગાંધીછાપ નોટો ખિસ્સાંમાં મૂકે છે. બાપુની સલાહ ટેબલ પાસે પડેલ ડસ્ટબિનમાં જવા દે છે.
વાઈડ બોલ
ઉદ્ઘાટન થઈ ચૂકેલા ઈન્ફર્મેશન સેન્ટરનું શિક્ષણ મંત્રીએ ફરી ઉદ્ઘાટન કર્યું.
- સમાચાર
‘મંત્રીશ્રી પાસે તેની ઈન્ફર્મેશન નહીં હોય!’
No comments:
Post a Comment