Wednesday, November 3, 2010

સાધુની ઉંમર કેટલી?

બાજી ફીટાઉંસ - નિરંજન ત્રિવેદી

હમણાં કેટલીક ચેનલવાળાએ સવાલ રમતો મૂક્યો છે. સાધુની ઉંમર કેટલી?

ઉક્તિ છે કે સાધુનું કુળ ન પુછાય. પણ આ તો ઉંમર પૂછવાની વાત છે. કેટલાક સાધુ મહારાજોની ઉંમર પાંચસો સાતસો છે તેવો દાવો તેમના ભક્તજનો કરતાં હોય છે. પણ એ સાધુ મહારાજની વાત છે જ્યારે આ વાત સાધુ- યાદવની. મશહૂર લાલુપ્રસાદ યાદવના તેઓ સાળા છે. તેઓ મહારાજ નથી. સાધુ નામ છે. કેવળ નામના સાધુ છે. તેઓ ફક્ત સાધુ નથી પણ તકસાધુ છે. ક્યારેક તેઓ લાલુની સાથે હોય છે. ક્યારેક લાલુની સામે. આ સાધુની ઉંમર વિષે ચેનલવાળાઓએ સવાલ ઊભા કર્યા છે. ચેનલવાળા કહે છે. સાધુ યાદવે ગણિતના નિયમો કોરાણે મૂકી દીધા છે. એ લોકો કહે છે. બે હજાર ચાર (૨૦૦૪)માં સાધુએ તેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ બતાવી હતી. હવે અત્યારે બે હજાર દસ (૨૦૧૦) ચૂંટણી વખતે તેમની ઉંમર સુડતાલીસ (૪૭) બતાવી છે. બીજા ધોરણમાં ભણતું બાળક કહી શકે ૨૦૦૪માં ચુમ્માલીસ વર્ષના માણસ ૨૦૧૦માં પચ્ચાસ વર્ષનો હોય. પણ ના સાધુ કહે છે. ૪૭ વર્ષ જ છે. સત્યનારાયણની કથામાં આવતો સાધુ પણ સાચું બોલવા ટેવાયેલો નથી. જ્યારે આ તો રાજકારણનો સાધુ છે. કહેવાય છે આ લોકો ઘોડિયામાં પણ સાચું રડયા નથી હોતા એ લોકો ઉંમર સાચી કઈ રીતે કહી શકે? ચુમ્માલીસ વત્તા છ તો સાચો જવાબ તેમણે જણાવ્યો નથી. કારણ નેતાઓને પોતાનું ગણિત હોય છે. આપણા એક મોટા ગજાના નેતાએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે કાર નથી. કોઈએ તેમને રિક્ષાનું મીટર ઝીરો કરાવી રિક્ષામાં બેસતા જોયા નથી.

સાધુની ઉંમરનું રહસ્ય હજી જાણવા મળ્યું નથી. કહે છે કે સાધુ તો ચલતા ભલા. પણ આ સાધુ તો ચલતી ગાડી રોકી દે તેવા. લાલુપ્રસાદ રેલવે મંત્રી હતા તેના જોર ઉપર રાજધાની એક્સપ્રેસ તેમણે રોકી દીધી હતી. આવી કોઈ શક્તિથી તેમણે તેમની ઉંમર રોકી રાખી હોય. ત્રણ વર્ષથી એમણે ઉંમર રોકી રાખી છે. અથવા તો શાસનથી દૂર રહેવું પડયું હોય તે વરસો એમણે ઉંમરમાંથી બાદ કર્યા હોય. મહિલાઓ ઉંમરની બાબતમાં સાધુ જેવું વલણ દેખાડે છે. એક ભાઈ કહેતા હતા મારી પત્ની છેલ્લાં ત્રણ વર્ષથી પચ્ચીસ વર્ષની જ છે.

એક ન્યાયાધીશે સાક્ષી મહિલાને કહ્યું, “બહેન, પાંચ વરસ પહેલાં તમે કોર્ટમાં આવ્યાં ત્યારે તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહ્યું હતું. આજે પણ તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહો છો!”

“સાહેબ, તમારે મારી પ્રશંસા કરવી જોઈએ કે હું મારા એક વાર આપેલા બયાનમાંથી ફરી જતી નથી.”

સાધુનું આવું જ કંઈક હોઈ શકે?

ગૂગલી

પૈસા માટે પરસેવો પાડનાર ઘણાં હોય છે. પણ પર-સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ. (SMS Sent by Mahendra Joshi)

No comments: