એક બંગાળી પત્રકારે નોધ્યું કે પંજાબના પ્રભાવ હેઠળ આપણા ક્રિકેટમાં પા-જી શબ્દ લોકપ્રિય થઈ ગયો છે. ઉત્તરપ્રદેશનો રોહિત શર્મા પણ કહે કે ‘એનો આદર્શ યુવી-પા-જી છે’ (યુવરાજ) શાળામાં હતા ત્યારે ક્લાસ મોનિટર કુમાર હતો. ત્યારે થતું આ ઘરડો થશે ત્યારે પણ કુમાર જ કહેવાશે. યુવરાજનું એવું કહેવાયને!
હરભજન ભજ્જીને પણ જુનિયર પાજી કહે છે. કપિલદેવ કપિલ-પાજી તરીકે જાણીતા હતા. એન્ડ્રયુ સાયમન્ડ અને શ્રીસંતને તો હરભજન ખરેખર ‘પાજી’ લાગતો હશે. એક બંગાળી પત્રકારે લખ્યું છે કે બંગાળમાં તો પાજી બદમાશને કહેવામાં આવે છે. ગુજરાતમાં પણ પાજી બદમાશના અર્થમાં વપરાય છે. ભલે પંજાબમાં પાજી સન્માનસૂચક હોય ગુજરાતમાં નથી. ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર હવે ઉંમરમાં મોટા થઈ ગયા છે. ગમે ત્યારે ફાળકેગ્રસ્ત થઈ જશે. તેને પણ નવા કલાકારો પાજી કહે છે.
પેલા બંગાળી પત્રકારો જે માનતા હોય તે પણ દરેક પ્રદેશ કંઈક ને કંઈક આ રીતે પ્રદાન કરે છે. બંગાળે દાદા શબ્દ આપ્યો. ગાંગુલી દાદા તરીકે વધુ જાણીતા છે. ગુજરાતમાં જેમ પાજીને બદમાશ માનવામાં આવે છે તેમ ગુજરાતમાં કેટલાંક મહાબદમાશો દાદા તરીકે ઓળખાતા હોય છે. ગુજરાતીમાં દાદા બે પ્રકારના હોય છે. એક કુટુંબના દાદા બીજા સમાજના દાદા, કુટુંબના દાદા સમાજના સજ્જન હોય. સમાજના દાદા સામાન્યતઃ અસામાજિક પ્રવૃત્તિવાળા હોય. કુટુંબના દાદાને લોકો પાટે બેસાડે સમાજના ‘દાદા’ લોકોને ખાટે સુવાડે. એક આવા દાદા ગૌરવપૂર્વક કહેતા હતા કે ઓર્થોપેડિક વોર્ડમાં કણસતા લોકો એના હાથનો માર ખાઈને આવેલા લોકોથી ભરેલો છે.
મહારાષ્ટ્રમાં પણ દાદા ગૌરવવંત ગણાય છે. મોટાભાઈ દાદા છે. ગુજરાતમાં ‘ભાઈ’ એ ‘દાદા’ છે.
સૌરાષ્ટ્રનું પણ શબ્દોમાં કે મોભા માટે વપરાતા વિશેષણમાં આગવું પ્રદાન છે તે છે ‘ભાઈ’ સૌરાષ્ટ્રવાળા અટકની પાછળ ભાઈ લગાડી દે છે. તે ક્યારેક અટક નહીં પણ મુખ્ય નામ હોય તેવું લાગે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર છે. કાઠિયાવાડમાં તેઓ ઢેબરભાઈ તરીકે જ ઓળખાયા. તે રાજકોટને બદલે અમદાવાદમાં હોત તો ઉછરંગભાઈ કે ઉછંગભાઈ હોત પણ રાજકોટમાં તે ઢેબરભાઈ થઈ ગયા. એક મુસ્લિમ બેંક ઓફિસરની અટક ભાઈસાહેબ હતી. તેઓ સૌરાષ્ટ્રમાં હોત તો ભાઈસાહેબભાઈ બની ગયા હોત.
યુ.પી.વાળા અટકની પાછળ ‘જી’ લગાડી દે છે. જેને કારણે મોહનલાલ ગાંધી - ગાંધીજી બની ગયા. ગાંધીજી પોરબંદર જ રહ્યા હોત તો તેઓ ગાંધીભાઈ હોત, એમનો સાથીદાર કહેતો હોત ‘ગાંધીભાઈ, હવે એકાદ સત્યાગ્રહ થાવા દો.’ સૌરાષ્ટ્રમાં જો ઓબામા રહેવા આવે તો તે પણ ઓબામાભાઈ થઈ જાય.
અત્યાર સુધી બીજા પ્રદેશો તેમની વાનગીથી જાણીતા થતા. મદ્રાસના ઢોંસા ભારતના દરેક ખૂણે તો ઠીક પણ અમેરિકા-ઈંગ્લેન્ડમાં પણ પહોંચી ગયા છે. પંજાબી શાક પણ વિશ્વવ્યાપી ગણાય. ગુજરાતી ખમણ-ઢોકળાં પણ ફેલાઈ ગયા છે. ત્યારે પંજાબી શબ્દો કે બંગાળી શબ્દો પણ ફેલાય જ ને! બંગાળી લોકોએ રસગુલ્લા-સંદેશ ફેલાવ્યા. સાથો સાથ ‘દાદા’ શબ્દ જાણીતો થયો. પંજાબીઓએ પા-જી શબ્દ જાણીતો કર્યો. ટીવી.ના કારણે તે વધુ જાણીતો થયો છે. શું કહો છો પા-જી? પંજાબી ગુજરાતી બંનેમાં પૂછવું. ન લાગું પડતું હોય તે છેકી નાખવું!
ગૂગલી
હું તમને સફળતા નહીં પણ નિષ્ફળતાનો નૂસખો આપી શકું છું, એ છે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન.
- હર્બટ બયાર્ડ (અમેરિકન પત્રકાર)
No comments:
Post a Comment