Tuesday, May 11, 2010

કડકા પોલિશ... કરે બૂટ પોલિશ...

મેરા ભાઈ મહાન... આવી લાગણી કેટલાક નાના ભાઈઓને થતી હતી અને તેની ચર્ચા ચાલતી હતી.

મારો ભાઈ તો વિદ્યાસહાયક છે તેને હવે પાંત્રીસસો રૂપિયા મહિને મળશે’.

અરે, મારો ભાઈ તો એક કંપનીમાં ક્લાર્ક છે. દર મહિને તે ત્રણ હજાર રૂપિયા મેળવે છે’.

ત્રીજાએ પણ સૂર પૂરાવતાં કહ્યું મારો ભાઈ તો છકડો ચલાવે છે. ભાડાની રીક્ષા છે, છતાં મહિને પાંચ-છ હજાર રૂપિયા રળી લે છે’.

બધા નાના ભાઈઓ તેમના મોટાભાઈ રામ કેવા બાણાવળી છે તેની વાતો કરતા હતા.

દરેકના મોટાભાઈ કંઈક ને કંઈક કામ કરી રહ્યા હતા અને મોંઘવારી સામે લડી રહ્યા હતા.

એક રમૂજ યાદ આવે છે. એક ગૃહસ્થને ચાર દીકરા હતા. ચારે જણ કામ ધંધે લાગી ગયા હતા. કોઈકે પૂછયું તમારા દીકરાઓ શું કરે છે? ઉક્તિ છે ને દી-વાળે ઈ દીકરાએ ભાઈએ પણ થોડા ગૌરવથી કહ્યું, મારો મોટો દીકરો હમણાં જ ડોક્ટર થયો છે, દવાખાનું ખોલ્યું છે.

વાહ-વાહ. બીજો શું કરે છે?’

બીજો વકીલ બન્યો છે. રોજ સવારે કોર્ટમાં જાય’.

ઘણું સરસ...

ત્રીજો ગ્રેજ્યુએટ થઈ ગયો પછી એક ઓફિસમાં ક્લાર્ક તરીકે છે.

એ પણ સારું કહેવાય, ધીરે ધીરે આગળ આવશે, ચોથો દીકરો શું કરે છે?’

એ ભણ્યો નહીં, એણે હેરકટિંગ સલૂન કર્યું છે.

એને શું કામ ભેગો રાખો છો? એને અલગ કરી દો.

નથી થાય તેમ.

કેમ કેમ?’

બધાનું પૂરું એ જ કરે છે. એટલું કમાય છે..

એટલે કે કમાવું તે કસબની વાત ગણાય...

આગળ આપણે નાના ભાઈઓની ચર્ચા કરતા હતા, તેઓના મોટાભાઈઓની કમાણીમાં પણ એવું જ થયું. છેલ્લે એક ગાંધીનગરના છોકરાએ કહ્યું મારો મોટોભાઈ પણ કામ કરે છે, કમાય છે અને મને ભણાવે છે’.

એમ! એ શું કરે છે?’

એ ગાંધીનગરમાં બૂટ-પોલિશ કરે છે.

બસ! મહિને પાંચસો-સાતસો માંડ કમાતો હશે તારો ભાઈ.

ના, બૂટપોલિશમાં તે મહિને પંદર હજાર રૂપિયા કમાઈ લે છે.

વાત ખરી ગાંધીનગર પોલિશનું નગર છે. સિંદબાદના કહેવા પ્રમાણે ગાંધીનગર મસ્કા પોલિશનું નગર છે. રોજનું ટનબંધ મસ્કા પોલિશ ત્યાં થાય છે.

ત્યાં આ યુવક સવારથી સાંજ બૂટ પોલિશનું કામ કરે છે. મહિને સહેજે પંદર હજાર કમાઈ લે છે. વધુ કામ થઈ શકે એ માટે તે કાઇનેટિક હોન્ડા ઉપર ફરે છે તેનાં સાધનો તે કાઇનેટિક ઉપર રાખે છે. સવારે તે ગાંધીનગર એસટી ઉપર હોય પછી પથિકાશ્રમ ઉપર હોય. નગરના જુદા જુદા વિસ્તારમાં તે સ્કૂટર ઉપર ફરે અને જૂતાં પોલિશ કરે છે. આ લખતાં લખતાં કિશોરનું ગીત યાદ આવી જાય છે. જૂતા પોલિશ કરેંગા ફીર ભી તૂમ પર મરેંગા.આ યુવક મરવા માટે નહીં પણ જીવવા માટે અને કુટુંબીને જિવાડવા માટે જૂતાં-પોલિશ કરે છે. બૂટ-પોલિશમાં તે ઓફિસરનો પગાર પાડે છે. લોકોના બૂટ ચમકાવે છે અને તેનું ખિસ્સું પણ ચમકે છે.

વર્ષો પહેલાં આવેલી એક ગુજરાતી ફિલ્મમાં નાયક બૂટ-પોલિશ કરતો હોય છે અને ગાતો હોય છે. કડકા પોલિશ... કડકા પોલિશ કરે બૂટ પોલિશ.

પણ આ યુવક બૂટ-પોલિશ કરે છે, પણ કડકો નથી. રાજકપૂરની ફિલ્મ બૂટ-પોલિશના બાળનાયકોને બૂટ-પોલિશ કરવા છતાં પૈસા નથી મળતા. પણ ગાંધીનગરના વાસ્તવિક જીવનના નાયકે કુનેહ મેળવી છે. સ્કૂટર ઉપર ફરીને બૂટ-પોલિશ કરે છે. પ્રગતિ જોતાં કાલે તે મારુતિ કારમાં ફરીને પણ બૂટ પોલિશ કરશે તેમ લાગે છે. આ ભાઈ તેના નાનાભાઈને ભણાવવા માગે છે. સવાલ એ થાય છે શું ભણી ગણીને તેનો નાનોભાઈ બૂટ-પોલિશ કરતા મોટાભાઈ જેટલું કમાઈ શકશે?

વાઈડ બોલ

પ્રીતમ લખલાણી અમેરિકાસ્થિત કવિ છે. પરિષદના માસિક પરબમાટે તેમણે મકરંદ દવે માટે લેખ મોકલેલો. મહિનાઓ સુધી તે લેખ ન છપાયો, જેવું મકરંદભાઈનું અવસાન થયું કે તુરંત એ લેખ છાપી નાંખ્યો.

લખલાણી કહે : મારી પાસે ભોળાભાઈ અને રઘુવીર વિશેના લેખો તૈયાર હતા, પણ આ પદ્ધતિ જોતાં મેં એ લેખો ન મોકલ્યા.

No comments: