Thursday, December 19, 2013

દોડતા દોડતાં અમેરિકા – નિરંજન ત્રિવેદી


દોડતા દોડતાં અમેરિકા. અમેરિકા જનારને ઘણી દોડાદોડ કરવી પડે છે. એક તો વીસા માટે દોડાદોડી. પછી વાજબી ભાવે લઈ જતી એરલાઇન્સ માટે દોડાદોડી. ત્યાં લઇ જવા માટે માલસામાનની ખરીદી માટે દોડાદોડી. અશોકના શિલાલેખમાં પારસી શૈલીમી ઝલક આપાતાં જ્યોતીન્દ્ર દવેએ લખ્યું હતું, “આ દુનિયા છે એક દોરમ દોર’ એમ અમેરિક જનાર પ્રવાસીને દોડમદોડનો અનુભવ થાય છે. વિસા લેવા માટે કેટલી વિસુએ સો થાય એ સમજાય છે. અમને એ લોકોએ દસ વર્ષનો વિસા આપ્યો હતો. અમારી પૌત્રીને પબ દસ વર્ષનો આપ્યો. એટલે ત્રણનું ત્રેખડ અમેરિકા ઊપડ્યું. એક ગુજરાતી હાસ્યલેખિકા કલ્પનાબેન દેસાઈએ તેમના સિંગાપુર પ્રવાસનું વર્ણન કરતુ પુસ્તક લખ્યું છે, ‘ચાલતા ચાલતાં સિંગાપુર’ એ પુસ્તકને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ પણ મળ્યું છે. ચાલતા ચાલતાં કદાચ સિંગાપુર જઈ શકાય, રામસેતુ જેવી સગવડ હોય તો. ભગવાન રામ ચાલતા ચાલતા શ્રીલંકા ગયા હતા. એ રાજકારણમાં હતા, સાહિત્યમાં ન હતા. એટલે એમણે ‘ચાલતા ચાલતાં શ્રીલંકા’ એવું પુસ્તક ન લખ્યું. લોકો ચાલતા ચાલતા અંબાજી જાય છે. ચાલતા ચાલતા ડાકોર પણ જાય છે. ચાલતા ચાલતા દ્વારકા જવાની ઈચ્છા રાખનાર કોઇકે ચાલવાનું માંડી વાળ્યું. ઈચ્છા ખરા પણ શક્તિ નહિ એટલે ‘અઠે દ્વારકા’ જેવી કહેવતનો જન્મ થયો. કોલંબસને પણ અમેરિકા જવું હતું. એ અમેરિકા તરફ ઉપડ્યો, ચાલતા ચાલતા નહિ પણ બોટમાં (તરતાં તરતાં અમેરિકા એવું શીર્ષક કોલંબસના સાહસને આપી શકાય.) કોલંબસ નાવખતમાં વીસા જેવો શબ્દ ન હતો. એનું નિશાન તો ઇન્ડિયા હતું પણ પહોંચી ગયો અમેરિકા (કે વેસ્ટ ઇન્ડિઝ !) ‘જાતે થે જાપાન પહુંચ ગયે ચીન’ જેવો ઘાટ થયો હતો. ઘણા લોકો ડોક્ટર થવા નીકળે છે, પણ બી. એસસી. થાય છે તેમ અમેરિકાનો પ્રવાસ કરનાર ‘ઉડતા ઉડતા અમેરિક’ એમ લખી શકે. અમેરિકા જતા સાહિત્યકારો પછી અમેરિકાના પ્રવાસ વિશે લખે છે, જેમ તિરુપતિ મંદિરે જનાર, ત્યાં જઈને પોતાના વાળ ઉતરાવે છે તેમ અમેરિકા જનાર સાહિત્યકારો વાળ ઉતરાવાના કર્મની જેમ પ્રવાસવર્ણન લખે છે. અમે અમેરિકાના પ્રવાસ વિશે પુસ્તક લખ્યું નથી. કેટલાક લેખો લખ્યા છે. ભવિષ્યમાં પુસ્તક થાય પણ ખરું. (હોની કો કૌન ટાલ શકતા હૈ ?) એ પુસ્તકનું નામ નક્કી નથી. પણ અં લેખનું ટાઈટલ ‘દોડતા દોડતા અમરિકા’ રાખ્યું છે. અમારી દીકરી અમેરિકા છે. એમ કહી શકાય કે અમારો વ્હાલનો દરિયો, દરિયાપાર છે. સાત સમંદર પાર કરકે તેને મળવા અમે જઈ રહ્યા હતા. આમ તો અમારો અં ત્રીજો પ્રવાસ હતો. ક્રિકેટની ભાષામાં એને ‘હેટ્રિક’ કહી શકાય. અમારી ઉડાન વાયા દિલ્હી હતી. દિલ્હી એરપોર્ટ ઉપર એ જ આશ્ચર્યજનક અનુભવ થયો. દિલ્હી ઉપર પ્લેન બદલવાનું હતું. ખાસ્સું દૂર ‘ટર્મિનલ’ હતું. પણ ‘વ્હીલ-ચેર’ વાળા ભાઈએ અમારી પૂરી કાળજી લીધી. સરસ રીતે પ્લેનમાં બેસાડી ગયા. પછી અમે તેને બક્ષિસ આપવાવી ઈચ્છા પ્રગટ કરી, પણ એ મહાશય તુરંત ગાયબ થઇ ગયા. કશું પણ લેવાની ના પાડી. અમને થયું આવા માણસનું દિલ્હીમાં શું ભવિષ્ય ? બિચારો રખડી પડશે. વળતરની આશા રાખ્યા વગર એ કામ કરતો હતો. કાશ આપણને એ પોર્ટર જેવા શાસકો મળ્યા હોત તો ! કેનેડી એરપોર્ટ ન્યુયોર્ક ઉપર અમે ઉતર્યા ત્યાં એક અશ્વેત પોર્ટરે અમને સેવા આપી. એ દેશમાં પ્રેસીડન્ટ અશ્વેત છે, તે દેશમાં એરપોર્ટ ઉપર પણ પોર્ટર અશ્વેત હતો. ઘણો જ સહાયભૂત થયો હતો. ઈમિગ્રેશન-કસ્ટમની વૈતરણી તેણે પાર કરાવી આપી. અમે તેને પૂછ્યું કે, “ભાઈ તારું નામ શું છે ? ક્યા નામે તને સાદ પાડવો ?” ત્યારે એણે કહ્યું મને “બા” કહી શકશો. ઓબામાના દેશમાં અમને હવાઈમથકે બા મળ્યા. બાળક બોલે પહેલો અક્ષર બા-બા-બા. એવું અમે બાળપોથીમાં ભણેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પણ પહેલો અક્ષર અમે ‘બા’ જ બોલ્યા. ન્યુયોર્કથી રોચેસ્ટર સાડાત્રણસો માઈલ અમે બાયરોડ ગયા. ન્યુયોર્કમાંથી અમે ઉષાબેનનાં ખાખરા અને મોલ સ્ટોરમાંથી શાક લઇ ઉપડ્યા. ‘સુહાના સફર ઔર યે મૌસમ હસી’નો એ સાક્ષાત અનુભવ હતો. ચારે બાજુ કુદરતનો નઝારો માણતાં માણતાં અમે રોચેસ્ટર પહોંચ્યાં. કુદરતનાં અદભુત નઝારા નાયગ્રાની વાત કરીએ. અમારા બેન્કર મિત્ર નિકુંજ કડિયા નાયગ્રાની વાત કરતા કહે, “બોસ, નાયગ્રાના કિનારે પાણીપૂરી મળે છે.” “અલ્યા, પાણીપુરી ખાવી હોય તો માણેક ચોકમાં મધ્યરાત્રીએ બજારમાં પણ મળે છે, એ ખાવા માટે નાયગ્રા જવાની શી જરૂર?” એ વાત ખરી કે આપણે ગુજરાતીએ ખાવાની બાબતે વધુ સંવેદનશીલ છીએ, ન્યૂ જર્સી ઈઝલીનમાં ઢોસા એક્ષ્પ્રેસમાં ઢોસા ખાવાની ભલામણ અમે ઘણાને કરી છે. રોચેસ્ટરથી નાયગ્રા જોવા જવાનું નક્કી કર્યું. “ગાયઝ, વી અરે ગોઇંગ તો બફેલો.” અને ‘ગાયઝ’ બફેલોનાં આંગણે જ નાયગ્રા ઘૂઘવે છે. બફેલો ટાઉનમાંથી પસાર થઇ અમે નાયગ્રા ફોલનાં કિનારે પહોચ્યા. ત્યાં આજુબાજુની રેસ્ટોરાંમાં પચાસ ટકા ઉપરાંત ‘ ઈન્ડિયન’ છે. નાયગ્રાના કિનારે ઉમટેલા સહેલાણીઓમાં લગભગ સિતેર ટકા ભારતીયો હતા. નાયગ્રા વિસ્તારમાં ફરવા માટે ટ્રોલી પણ દોડે છે. તેમાં અમે બેઠા, ત્યાં કેટલાંક મુસ્લિમ પણ બેઠા, આજુબાજુનો માહોલ જોઈ તે ગ્રુપની કે મુસ્લિમ મહિલા બોલી ઉઠી (કદાચ એ લોકો પાકિસ્તાની હતા) ‘ઇધર ભી હિન્દુસ્તાન, પાકિસ્તાન હો ગયા લગતા હૈ.” ટ્રોલી અમને નાયગ્રા સુધી લઇ જતી બોટના સ્ટેશન પાસે લઇ ગઈ. કેટલી બધી સગવડ ટુરિસ્ટસ માટે કરી છે તે દેખાઈ આવે છે. ભલે આપણે ગંજાવર ખર્ચ તેમની જેમ ન કરી શકીએ પણ ઓછા ખર્ચના આયોજનમાં આપણા પ્રવાસ મથકો સુવિધાપૂર્ણ બનાવી શકીએ. કબીરવડ-ગુજરાતની એક સુંદર જગ્યા છે, પણ નર્મદાકિનારે ઉતરી, વાળ તરફ જનારા ભારે કષ્ટ ભોગવે છે. નદીકિનારેથી વાળ સુધીનો એક સરસ રસ્તો અને ટ્રોલીની સગવડ જરૂર થઇ શકે, બાળક સાથેને મહિલાઓ તેમજ સીનિયર સિટીઝનને તે રાહત આપી શકે. અમેરિકાની સરખામણી નથી, પણ સામાન્ય ખર્ચે થઇ શકે તેવા આયોજનનો પણ અભાવ છે. અમે રેઇનકોટ પહેરી નાયગ્રા ધોધ વચ્ચેથી પસાર થવાનો અદભુત આનંદ માણ્યો. શાળામાં અભ્યાસ કરતી અમારી પૌત્રી આનિયા માટે પણ એક જીવનભર યાદગાર રહે તેવો અનુભવ હતો. નાયગ્રા સાઈટ ઉપરનો લિફ્ટ ઓપરેટર પણ ‘નમસ્તે’ એમ કહેતો હતો. કાકા અને માસી જેવા શબ્દોથી સ્વાગત કરતો હતો. ફરતાં ફરતાં અમે બોલીવુડ રેસ્ટોરાં જોઈ તપાસ કરી, ત્યાં ચાટ અને પાણીપુરી મળતાં હતાં. ભજિયા પણ ખરાં. ‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ફરસાણ’ એમ લાગ્યું. ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં પણ ફાફળા-જલેબી મળે છે. નાયગ્રાના કિનારે પાણીપુરી ખાવાનો એક રોમાંચ હતો. નાયગ્રાનું પાણી- અને પછી પાણીપુરી અમે માણ્યા. અહીનું લોકેશન જોઈ થયું કે ‘શેતલને કાંઠે’ની જેમ ‘નાયગ્રાનાં કાંઠે’ જેવી ફિલ્મ બની શકે. ન્યુજર્સીનાં ગુજરાતીઓ આ કરે શકે. નાયગ્રાનાં કાંઠે મધ્યાહન ભોજન તરીકે અમે પાણીપુરી ખાધી, નાં ઝાપટી. રોચેસ્ટર પરત ફર્યા. અં રોચેસ્ટર આપણા બધાની જાણીતી એવી ઝેરોક્ષ કંપનીનું ઈન્ટરનેશનલ હેડ ક્વાટર્સ છે. આપણે લકો ફોટોકોપીને ઝેરોક્ષ કહીએ છીએ તે કંપનીનું સાડત્રીસ માળનું મકાન અહી છે. ઠીક ઠીક સંખ્યામાં ગુજરાતીઓ પણ છે. મૂળ અમદાવાદ, વાઘેશ્વરની પોળનાં રહીશ ડો. અશોક શાહ(ન્યૂરોસર્જન) પણ ત્યાં છે. ઝેરોક્ષ કંપનીના સિનિયર એક્ઝીક્યુટીવ રહી ચુકેલા શ્રી પ્રતાપ ભટ્ટ પણ ત્યાં છે. મુંબઈનાં રહીશ વઢવાણનાં જૈન, શ્રી અશ્વિન શાહનું કુટુંબ પણ ત્યાં છે. અગાઉ મહાવીર જયંતિમાં ત્યાં પ્રવચન આપવાનો મોકો પણ મને અં કારણે મળેલો. આપણા કવિ શ્રી પ્રીતમ લખલાણી પણ રોચેસ્ટરમાં રહી, ગુજરાતી સાહિત્યની સેવા કરે છે. અમેરિકાની વધુ વાતો ફરી ક્યારેક....દોડતાં.... દોડતાં.

Saturday, February 9, 2013

આબુવાલાને એવરેસ્ટવાળા કહી શકો

આપણા કેટલાય કવિઓ સાંભળવા ખૂબ ગમે. રમેશ પારેખ સદા છવાઇ જતા. જલન ખતરી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. અનિલ જોષી કે વિનોદ જોષી, આ જોષી કવિની કુંડળીમાં રાજયોગ છે. શ્રોતાનાં દિલ ઉપર રાજ કરે છે. આપણા એક અલગ પડતાં કવિ હતા શેખાદમ આબુવાલા. તેઓ અદ્દભુત કવિ હતા. સરસ કોલમલેખક પણ હતા. હોઠ ઉપર સદા રમતું હાસ્ય અને વાતવાતમાં આવતી તેમની રમૂજથી તે છવાઇ જતાં. કવિ તરીકે અદ્દભુત હતા અને માણસ તરીકે પણ અદ્દભુત હતા. આબુવાલાની સરળતા સદા યાદ રહે. આ કવિને મોટો ભિન્ન વર્ગ, દરેક વર્ગના તેમના મિત્રો હતા. લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો તેમના મિત્રો હોય જ પણ નવાસવા કલમ પકડેલા લેખકો પણ તેમના મિત્રો હતા. મોટા રાજકારણીઓ તેમના મિત્રો હતા. તો ચાની લારી ઉપર કામ કરતો 'ટેણી' પણ તેમનો મિત્ર હોય. આવા ટેણી સાથે પણ તે ટોળટપ્પાં કરતાં હોય. ભારતના વડાપ્રધાન બનેલા શ્રી વી.પી.સિંગ પણ તેમના ખાસ મિત્ર હતા. વી.પી.સિંગ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે શેખાદમને ઘેર તેની ખબર પૂછવા ગયા હતા. સિક્યોરિટીનો કાફલો જ્યારે તેની ગલીમાં ગયો, દેશના નાણાપ્રધાન તેને ઘેર ગયા, ત્યારે ખ્યાલ આવ્યો કે આ માણસે કેટલા લોકોનાં દિલ જીતી લીધાં છે. ગુજરાતના નાથ રહી ચૂકેલા માધવસિંહ સોલંકી પણ તેમના ખાસ મિત્ર હતા. અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ તેમના મિત્ર. જબરજસ્ત ગાયક મહંમદ રફી પણ તેમના મિત્ર. આબુવાલા જ્યારે જર્મનીથી ભારત આવે, મુંબઇ ઊતરે ત્યારે રફીના ઘેર ખાસ જાય. એની ઘણી વાતો પછી મિત્ર-વર્તુળમાં કરે. ગુજરાતી ફિલ્મઉદ્યોગોમાં પણ તે લોકપ્રિય. એકવાર લોકપ્રિય(તે વખતની) અભિનેત્રી અરુણા ઇરાનીએ શેખાદમને કહ્યું 'આદમ એક કવિએ સુંદરીના ગાલના તલ ઉપર રસમરકંદ-બુખારા ન્યોછાવર કરવાની વાત કરી હતી. તો તું મારા ગાલ ઉપરના આ તલ ઉપર શું ન્યોછાવર કરે છે? તુરત જ શેખાદમે કહ્યું 'હાલોલ અને કાલોલ'(ત્યાં ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં.) એકવાર રમેશ પારેખે અમને બંનેને અમરેલીનું આમંત્રણ આપેલું. સવારે મારું હળવી શૈલીનું પ્રવચન હતું, જ્યારે રાત્રે એક કવિસંમેલન હતું. જેનું સંચાલન આબુવાલા કરવાના હતા. કાર્યક્રમ શરૂ થયો. મહેમાન હોવાથી હું પહેલી હરોળમાં હતો. કવિસંમેલન શરૂ થતાં જ શેખાદમે કહ્યું 'પ્રથા તરીકે કવિ સંમેલન-મુશાયરાનું સંચાલન હાસ્યકારે કરવું જોઇએ. આજે આપણી સાથે નિરંજન ત્રિવેદી છે, તો સંચાલન પણ એ જ કરે! એમ કહી તેણે સંચાલન મને સોપી દીધું એ કવિ સંમેલનમાં પછી આદમે કવિ તરીકે ભાગ લીધો હતો. આ એની દરિયાદિલી હતી. શેખાદમે ઘણાં વરસો જર્મનીમાં ગાળ્યાં. ત્યાં રેડિયો ઉપર મોટી વ્યક્તિઓનાં ઇન્ટરવ્યૂ કરતાં, ભારતના ધૂંરધરોના તેમણે ત્યાં ઇન્ટરવ્યૂ કરેલાં. ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા. શેખાદમમાં દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી.ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા.હું એકવાર મારા પુત્ર સાથે બહાર જતો હતો. વળતાં મારા પુત્રને મે કહ્યું 'બાજુમાં મારા મિત્ર શેખાદમ આબુવાલા રહે છે, એને મળીને ઘેર જઇએ.' પુત્રને આ વાત પસંદ ન હતી. તે એની ચહેરા ઉપરની રેખાઓ કહેતી હતી. આબુવાલાને ઘેર અમે કલાક બેઠા. મારા પુત્ર સાથે શેખાદમે ઘણી વાતો કરી. અમે પણ ઘેર જતા હતા, ત્યારે મારો પુત્રે મને કહ્યું, 'પપ્પા આમને ઘેર ફરી આવો ત્યારે મને લેતાં આવજો.' આ શેખાદમની દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી. એકવાર શેખાદમ શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઇથી દિલ્હી જઇ રહ્યાં હતાં. બાજુના પેસેન્જર સાથે વાતે વળગ્યા, પછી પેલાએ પૂછયું 'આપ કયા કરતે હૈં?' 'જી મે લિખતા હૂં.' આપણે ત્યાં ખ્યાલ છે કે કોઇ લેખક કવિ હોય પણ એણે કંઇક બીજું તો કરવું જ પડે એટલે સહપ્રવાસીએ પૂછયું, 'જી આપ લિખતે હૈં, મગર ઔર આપ ક્યા કરતે હૈં? 'મેં ઔર લિખતા હું ' હસતાંહસતાં શેખાદમે કહ્યું. ભલે તે આબુવાલા કહેવાતા હોય પણ તેની માનસિક હાઈટ એવરેસ્ટ જેટલી હતી.

સોનિયા, મનમોહને ફરીથી ચીપેલાં પત્તાં...

‘તમે નવું શું કરવાના છો? એના એ જ ચહેરા છે તમારી પાસે...’ એક નેતાએ અમેરિકા પ્રેસિડેન્ટને કહેલું. ત્યારે તે અમેરિકન પ્રેસિડેન્ટે ખૂબ જ મશહૂર ઉક્તિ ચલણમાં મૂકી, ‘આઈ વિલ ગિવ ન્યુ ડીલ’. અમેરિકન પ્રમુખે ચોખવટ કરી કે બરોબર છે–એ જ પત્તાં છે. તેનાથી રમવાનું છે. પણ જો પત્તાં ચીપવામાં આવે તો બાજી નવી પડે છે. એ જ પત્તાંથી કોઇ સારી બાજી મળી શકે છે. પત્તાં ભલે એ જ રહ્યાં પણ ચીપવાથી બાજી નવી મળી શકે છે. હાલમાં મનમોહનસિંહ–સોનિયા ગાંધીએ ગંજીફો ચીપ્યો છે. પત્તાંની હેરફેર થઇ છે. ખબર નથી કે બાજી બદલાઇ છે કે નહિ. શશિ થરૂર, પત્તાં ચીપ્યાં તેમાં ફાવી ગયા છે. ભૂતપૂર્વ પ્રધાન હતા. હવે તેઓ વર્તમાન પ્રધાન થયા છે. થરૂર સરકારી કામે હવાઇ પ્રવાસ કરે ત્યારે એક્ઝિક્યુટિવ કલાસમાં ફરતા હતા. એક શુભ કે અશુભ સવારે સોનિયાજીએ હુકમ જારી કર્યો. પ્રધાનો હવેથી ઇકોનોમી કલાસમાં હવાઇ મુસાફરી કરશે. અમદાવાદમાં તમે શટલરિક્ષામાં બેસો તેવો પ્રવાસ ઇકોનોમી કલાસની હવાઇ મુસાફરીનો છે. શશિજીને આ આકરું લાગ્યું. તેઓ તો ચાંદીના ચમચા સાથે જન્મેલા. તેમણે ઇકોનોમી ક્લાસને નવું ટાઈટલ આપ્યું ‘ઢોરો કા ડિબ્બા’. હલચલ મચી ગઇ. સોનિયાજી પણ હવાઇ પ્રવાસમાં ઇકોનોમી ક્લાસમાં જતાં હોય તેવા ફોટોગ્રાફ્સ અખબારોમાં પ્રગટ થયા. પછી ઇકોનોમી ક્લાસની મુસાફરી ક્યાં હવાઇ ગઇ તે પ્રજાને ખબર નથી. કોઇ આરટીઆઇવાળાએ આ માહિતી પ્રગટ કરવી જોઇએ કે ખરેખર ઇકોનોમી કલાસમાં કેટલા પ્રધાન હવે ફરે છે. આ કારણે જ શશિની કળાનો લય થઇ ગયો. એ પૂનમના ચંદ્ર હતા(શશિ) તેમાંથી અમાસનો ચંદ્ર થઇ ગયા. ફરી પાછી શલ્યામાંથી અહલ્યા થઇ છે. ફેંકાઇ ગયેલા શશિ થરૂરને ફરી પ્રધાન બનાવાયા છે. કારણો ખબર પડી નથી. શું તેમણે સોંગદનામું રજૂ કર્યું હશે કે તેઓ ઇકોનોમી કલાસમાં જ ફરશે! કે હવે તે સરકારી ખર્ચે હોટેલમાં નહિ રહે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે.તમને યાદ હશે તેમના સિનિયર શ્રીકૃષ્ણા અને શશિસાહેબના બંગલા રિપેર થતા હતા એટલે બંને મહાનુભાવો સરકારના ખર્ચે હોટેલમાં રહેતા હતા. જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ હતો. પણ હો-હા થઇ એટલે શ્રીકૃષ્ણાએ લાજ બચાવવા કે ખુરશી બચાવવા કહ્યું કે હોટેલનો ખર્ચો તો મારો જમાઇ ચૂકવવાનો છે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે. એમની જગ્યાએ ખુરશી વિદેશમંત્રી થયા છે. જેમનું નામ પૂરી આલમમાં બખેડા માટે જાણીતું થયેલું. કેટલાક લોકોને ખબર નથી પડી કે, જેઓ ચોખ્ખા ન હતા તેઓને કેમ બઢતી આપવામાં આવી છે? શશિ થરૂર જો કે કાબેલ વ્યક્તિ છે તેને કયાં ધોરણે પાછા બોલાવ્યા છે? મિત્રો, આમાં કોઇ ધોરણ નથી. એ તો રાજાને ગમે તે રાણી. તેમ રાણી(સોનિયાજી)ને ગમે તે પ્રધાન. આ ધાંધલ-ધમાલમાં જયપાલ રેડ્ડી પણ ફંટાઇ ગયા છે. કોઇ વાંકગુના વગર તેમનું ખાતું બદલી નાંખવામાં આવ્યું છે. ગઇકાલ સુધી તેઓ પેટ્રોલિયમમંત્રી હતા, હવે તે વિજ્ઞાનના મંત્રી છે. સમાચાર પ્રમાણે જયપાલ રેડ્ડી, ખાતું બદલાય તે માટે ‘રેડી’ ન હતા. પણ તેમને સમજ આવી ગઇ. ઉત્તર ભારતમાં એક કહેવત છે ‘ચાહે તનખા દસ કમ કર દો, મગર નામ દરોગા રખ દો’. તમે દરોગા હો એ જ મોટી વાત છે. તમે આ ખાતાના પ્રધાન હો કે તે ખાતાના પ્રધાન હો શો ફેર પડે છે? લાલ લાઈટવાળી ગાડી બંને ખાતાંમાં છે, બંગલો છે, સગવડો છે, પછી ખાતું કયું છે એ પૂછવાની શી જરૂર? જયપાલ રેડ્ડીને છેવટે ડહાપણની દાઢ ઊગી છે. (વાઈઝ કાઉન્સેલ પ્રિવેલ્સ)–ઘીના ઠામમાં ઘી થઇ ગયું છે. મનમોહનસિંહે આગામી ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પરિવર્તન છે એમ કહ્યું છે. ગુજરાતને તેમાં અપેક્ષા મુજબનું સ્થાન ન મળવાથી સાંત્વના શોધતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હવે પછીની ફેરબદલમાં ગુજરાતને ઘણું સ્થાન અપાશે. વડાપ્રધાન કરતાં પણ મોટી વાત તેમણે કહી–કદાચ સોનિયાજીને મળી લીધું હશે......!!!

'રે ગધેડાં, સુખથી ભૂંકજો.......'

કવિ કલાપીએ કહ્યું હતું ' રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઇ ગાજો...' કવિ કલાપી ચરતાં પંખીઓને જોઇને પ્રસન્નતા અનુભવતાં. આપણા મનમોહનસિંહ રાજા નહિ તો રાજાતૂલ્ય ગણાય, એ પંખીઓને જોઇને નહિ પણ પ્રધાનોને જોઇને કહે છે: 'સુખથી ચરજો...' અને તેમના પ્રધાનો સુખેથી ચરે છે. કહેવાય છે રાજહંસનો ચારો મોતીનો હોય છે. (લાલુપ્રસાદનો ઘાસનો હતો). આદરણીય પ્રધાનો રાજહંસ જેવા દિવ્ય ગણાય. તેઓ પણ 'મોતી'નો ચારો જ ચરે છે. સાચા મોતીની કિંમત લાખ્ખો રૂપિયાની હોય, કરોડોની પણ હોય, રાજહંસના નામનું સન્માન જળવાય એટલે આ મંત્રીઓ પણ કરોડોના મોતીનો ચારો ચરે છે. મનમોહનસિંહના પ્રધાનમંડળમાં એક પ્રધાન નામે રાજા હતા. એમણે કરોડોની સંખ્યામાં મોતીનો ચારો ચરેલો. આપણા વડાપ્રધાનશ્રીએ શરૂમાં દેખી અનદેખી કરી. કારણ બ્રિટિશ બંધારણમાં ઉલ્લેખ છે કે 'કિંગ કેન ડુ નો રોંગ' મતલબ કે રાજા કશું ખોટું કરે જ નહિ. પણ એ લાંબું ચાલ્યું નહિ. રાજા ઉપર ચાર્જ...ફેઇમ... થયા, તેમને જેલ ભેગા કરવામાં આવ્યા. ત્યારે ભાજપ સાંસદ નવજોતસિંહ સિદ્ધુએ તેમનું ફૂટવર્ક બતાવતાં ડાન્સ કર્યો હતો અને ગીત છેડયું હતું, 'રાજા કી આયેગી બારાત'. વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે.અત્યારે પંખીઓને ભક્તજનો સુખેથી ચણ નાંખે છે ત્યારે એક ઉપેક્ષિત પ્રાણી યાદ આવે છે, જે છે 'ગધેડો'. કથાપ્રમાણે ચારો મેળવવા બદલ તેને મણ માર પડ્યો હતો. શેરડીના ખેતરમાં તે ગયો. ‘પહેલે ખાના, બાદમેં ગાના…’ એ કાર્યક્રમ હેઠળ શેરડીનો ચારો ચર્યા પછી ગધેડાએ સંગીત છેડ્યું. જેથી કરીને શેરડીના ખેતરના માલિકને જાણ થઇ કે ખેતરમાં ગધેડો ચારો ચરે છે અને તે માલિકે ગધેડાને તે પછી મેથીપાક આપેલો. આ કથા એમ બતાવવા કહેવામાં આવે છે કે ગધેડો એક બેવકૂફ પ્રાણી છે. જે શેરડીની સાથે માર પણ ખાય છે. કહેવતમાં કહ્યું છે હર કુત્તે કા દિન આતા હૈ, પણ હાલમાં ગધેડાના દિવસો પણ આવ્યા છે. વૌઠામાં દર વરસે કારતક માસમાં મેળો ભરાય છે. તેમાં ગધેડાઓનું માન- સન્માન થાય છે. વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે. રાજસ્થાનમાં પણ મેળો યોજાય છે. આ સિઝનમાં ત્યાં પણ ગધેડાઓના ભાવ બોલાય છે. આ વખતે વૌઠામાં ગધેડાના ભાવ દસથી બાર હજાર બોલાયા છે. એ વૌઠા છે જ્યાં ગધેડાઓની પણ કિંમત હોય છે. કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું.વૌઠામાં ગધેડાઓના પણ તેમના માલિકો નામ પાડે છે. જેમ ઘોડાઓના નામ તેના માલિકો પાડે છે. ભગવાન સ્વામીનારાયણના ઘોડાનું નામ માણકી હતું. રાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. મુંબઇની રેસના એક ઘોડાનું નામ તેના માલિકે બાલમ પાડ્યું હતું. કેટલીક વાર બાલમ બેવફા બનતો હોય છે. એ કારણે કદાચ, આ ઘોડો પણ રેસમાં કદાચ બેવફા બનતો હશે. વૌઠાના ગધેડાઓના નામ ઘણાં અદ્દભુત હોય છે. કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું. આમીરખાને એના કૂતરાનું નામ શાહરુખ રાખેલ છે. આમ શાહરુખખાન કૂતરો, ગધેડો બંને બનેલ છે. જો કે ફિલ્મી કલાકારો ક્યારેક આપણને ગધેડા બનાવતાં હોય છે ખરું કે નહિ?

Monday, December 19, 2011

ઢંગધડા વગરનાં ગીતો

પહેલાં લગ્નોમાં ફટાણાં ગવાતાં એમાં ક્યારેક અભદ્ર કોમેન્ટ સાથે ગીતો ગવાતાં. તો ક્યારેક ચાબખા મારતા ફટાણાં હોય જેને અમારા મિત્ર બંસલ, ‘મખમલ મેં લપેટ કે જૂતા મારના’ કહે છે તેવું હોય. ‘ઘરમાં નો’તી સોપારી તો શીદને તેડાવ્યા વેપારી મારા નવલા વેવાઈ’ આ મખમલ લપેટીને મારેલું જૂતંુ કહેવાય. પણ કેટલીક જગ્યાએ હલકી ભાષામાં પણ એ વખતે કહેવાતું. હવે એ ફટાણાં બંધ છે. પણ હવે બેન્ડવાજા અને માંડવામાં વાગતી ‘ઓડિયો સિસ્ટમ’ છે. તેમાં ગીતો વાગે છે, પણ ઘણી વાર ઢંગધડા વગરનાં.

એક લગ્ન પ્રસંગમાં વરરાજા વરઘોડા સાથે (ઘોડા વગરના વરઘોડા સાથે) મંડપમાં પ્રવેશ્યા, વરરાજા એકદમ કાળા વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી હોય એટલા કાળા હતા. જેવા લગ્ન મંડપમાં વરરાજા પ્રવેશ્યા કે કેસેટ વાગવી શરૂ થઈ ‘યે કાલા કૌવા કાટ ખાયેંગા...’ વરરાજા ઝંખવાણા પડી ગયા.

સદાબહાર કલાકારથી જેમ કેટલાંક ગીતો પણ સદાબહાર છે. ‘યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા...’ આ ગીત પણ એ જ હરોળમાં છે એ સદાબહાર વરઘોડા ગીત છે. સાહેબ તમે મને એક એવો વરઘોડો બતાવો જેમાં આ ગીત ન વાગ્યું હોય. હમણાં પરણી ઊતરેલો વિશ્વેશ કહે છે “મારા વરઘોડામાં આ ગીત વાગેલું પણ મારા દાદાના વરઘોડામાં પણ આ જ ગીત બેન્ડમાં વાગેલું.” પેઢી દર પેઢી વરઘોડા વખતે યે દેશ હૈ વીર જવાનો કા વાગે છે અને વાગશે, સિંદબાદ કહે છે. યુધિષ્ઠિરે આપેલા યક્ષના જવાબની શૈલીમાં કે અનેક લોકોને લગ્ન કરી બેહાલી ભોગવતા જોયા પછી પણ માણસો લગ્ન કરવા જઈ રહ્યા છે, તે જોયા પછી એ લોકોને વીર કહેવા જોઈએ, જેથી લગ્ન વખતે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ ગીત બેન્ડવાળા વગાડતા રહે છે. આ ગીત લખ્યું પાકિસ્તાન રિટર્ન શાયર સાહિર લુધિયાનવીએ, આટલાં બધાં લગ્નમાં વાગતા આ ગીતના શાયર કુંવારા હતા. પારકા છોકરાને જતિ (પતિ વાંચવું) કરવા તે આનું નામ.

અમને કિશોરકુમાર પ્રિય છે. એણે ગાયેલું ગીત ‘તૂં ઔરો કી’ ગીત ઘણું સુંદર છે. પણ લગ્નમાં આ ગીત વાગે છે ત્યારે અયોગ્ય અને અસ્થાને લાગે છે. એક સજ્જનની પુત્રીનાં લગ્ન હતાં. હસ્તમેળાપ વખતે જ કેસેટ વાગવા માંડી, ‘તૂં ઔરો કી ક્યું હો ગઈ! કલ તક તો હમારી થી...આજ ઔરો કી ક્યું હો ગઈ?’ લગ્નની ધમાલમાં હાજર રહેલા લોકોને આ ગીત તરફ ધ્યાન નહીં ગયું હોય, પણ અમારા અળવીતરા મગજમાં સુંદર ગીતના અસુંદર અર્થ નીકળવા માંડયા. કન્યાના મુખ ઉપર અમને અપરાધભાવ દેખાવા માંડયો. જાણે એ વિચારતી હોય ‘મારી પોલ ખૂલી ગઈ.’

વરસો જૂની ફિલ્મ ‘આન ના એક ગીતનો તો મિમિક્રીના કાર્યક્રમોમાં ભરપૂર ઉપયોગ થઈ ચૂક્યો છે તે પણ યાદ આવે છે. કન્યા લઈને પરત ફરતા વરરાજા જાન સાથે પ્રસ્થાન કરતા હોય અને માંડવે ગીત શરૂ થાય ‘હમ આજ અપની મૌત કા સામાન લે ચલે’ જો કે આ ગીતની રમૂજ હવે તો ચવાઈ ગયેલી ગણાય. પણ કન્યાવિદાયનાં ઘણાં ગીતો પ્રચલિત છે. એક ખૂબ જાણીતું ગીત ‘બાબૂલ કી દૂઆયેં લેતી જા, જા તૂજ કો સુખી સંસાર મીલે’ હાસ્ય કલાકાર જ્હોની લીવરે એની ખિલ્લી ઉડાડતી પેરોડી કરી હતી, ‘ડાબર કી દવાએ લેતી જા...ળ

જા તૂજે પતિ બીમાર મીલે...’

પ્રસંગોમાં વાગતાં ઢંગધડા વગરનાં ગીતો વચ્ચે, કેટલાંક ખૂબ જ પ્રસંગોચિત ગીતો પણ છે. કન્યાવિદાય માટે શંકર-જયકિશને અદ્ભુત ગીત લખેલું ‘ન્યૂ દિલ્હી’માં ‘ગોરી તેરે સપનો કે સજના ખડે તેરે અંગના, લેકે ડોલી ખડે હૈ કહાર હો, જા જાને કો તૈયાર’ ગીતનો ઉપાડ જ ગજબ છે.

પ્રસંગને મજાક બનાવતાં ગીતો છે, તો કેટલાંક અર્થસભર ગીતો પણ છે. યજમાનની સમજ ઉપર આધાર છે.

વાઈડ બોલ
એક ફ્લાઈંગ ઇન્સ્ટિટયૂટના સંચાલક વિદ્યાર્થીઓના લાખ્ખો રૂપિયા ચાઉં કરી ગયા. સમાચાર ફલાઈંગ ઈન્સ્ટિ ટયૂટના સંચાલક જ પૈસા લઈ ઊડી ગયા.

‘હી નોઝ ફલાઈંગ’ સિંદબાદે કહ્યું.

Thursday, December 15, 2011

આનંદનો શોક

દેવ આનંદ સદાબહાર એક્ટર કહેવાતા. એ આ દુનિયામાંથી સદા માટે બહાર થઈ ગયા. એ જમાનામાં એમની અદા ઉપર કોલેજિયન યુવતીઓ મરતી હતી. તેમના ઉપર જે યુવતીઓ મરતી હતી, એમાંથી આજે કોઈક જ જીવતી છે. કેટલીક બાળાઓ જીવતી હશે તે તો બાળાઓ નહીં પણ વૃદ્ધાઓ હશે.

પોળના એક મિત્ર ઈન્દ્રવદન પટેલ. દેવ આનંદના જબરા ચાહક હતા. દેવ આનંદની ફિલ્મ લાગી હોય તે થિયેટર પાસેથી એના બોર્ડ નીચેથી પસાર થાય તો શર્ટનો કોલર ઊંચો કરી દેવાનો એમનો શિરસ્તો હતો. બીજા એક મિત્ર અનુ માળી દેવ આનંદના આગામી પિક્ચરની ટિકિટ મેળવવાનું પ્લાનિંગ પરીક્ષાના પ્લાનિંગ કરતાં પણ વધુ ભક્તિભાવથી કરતો. અમારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દેવ આનંદનું પિક્ચર પહેલા અઠવાડિયે પહેલા શોમાં જોવાનું વ્રત રાખતા અને તે માટે વટ મારતા.

અમારો એક મિત્ર જગદીશ (છાપાની ભાષામાં- નામ બદલ્યું છે) કોઈ પણ ભોગે દેવ આનંદની ફિલ્મની પહેલા દિવસથી ટિકિટ લેવા માટે મરણિયો થતો. મરતા ક્યાં ન કરતા? ટિકિટ કાળાંબજારમાં જ મળે તેમ હોય ત્યારે તે પાંડવોએ જેમ આખરે પાંચાલીને હોડમાં મૂકી હતી તેમ જગદીશ પાઠયપુસ્તકો વેચીને પણ કાળાંબજારની ટિકિટ લેતો હતો. વર્ષમાં બે-ત્રણ વાર તે પાઠયપુસ્તકોને દેવ આનંદ માટે વેચી મારતો. પિતાજીને સમજાવી લેતો કે સ્કૂલમાંથી ચોપડીઓ ચોરાઈ ગઈ. એના પિતા નવાં પુસ્તકો લઈ આપતા. આ રીતે દેવ આનંદ પાઠયપુસ્તકોની વેચાણ વૃદ્ધિ માટે જવાબદાર હતો! દેવ આનંદને અપાયેલી અનેક અંજલિઓમાં આ મુદ્દા ઉપર કોઈનું ધ્યાન ગયું નથી.

ફિલ્મનાં હીરો-હિરોઈનની અનેક જોડીઓ બની છે. નરગિસ-રાજકપૂરની જોડી જાણીતી થઈ તે પહેલાં સુરૈયા-દેવ આનંદની જોડી મશહૂર થઈ ગઈ હતી, આમ તો એ બે જણાએ સાત ફિલ્મોમાં જ સાથે કામ કરેલું પણ જોડી તરીકે જાણીતાં થઈ ગયાં. એ વખતે શાળાનાં બાળકો જોડકણા સ્વરૂપે ગાતાં હતાં. બાળકો જીયા બેકરાર હૈ ના ઢાળમાં ગાતાં, સુરૈયા બીમાર હૈ, આજા ડોક્ટર દેવ આનંદ તેરા ઈંતજાર હૈ.

જિંદગીની ઉત્તરઅવસ્થામાં દેવ આનંદે ઘણી ફલોપ ફિલ્મોનું નિર્માણ કર્યું. કેટલાક સવાલ કરતા હતા કે આના માટે દેવસાબ પૈસા ક્યાંથી લાવે છે? બચપણથી દેવ આનંદના ચાહક બનેલા અને પરદેશમાં પાઉન્ડ-ડોલર કમાતા શખ્સો દેવ આનંદને પૈસા આપે રાખતા.

લોકો યાદ રાખે છે દેવ આનંદની કલા પ્રત્યેની આસ્થા. રાજકપૂર, દિલીપકુમારના સમયે ત્રીજા એક્કા જેવી તેમની કારકિર્દી હતી. નવકેતન મારફત નિર્માણ ક્ષેત્રે એમણે આપણને ઘણું આપ્યું છે.

એક ઓછી જાણીતી વાત. નવકેતન મારફત તેમણે એક સરસ હાસ્ય ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ આપી હતી. વિજય આનંદ (તેમના ભાઈ) હીરો અને અદ્ભુત સંગીત જયદેવે આપ્યું હતું. જ્હોની વોકર વગેરેની મદદથી સ્વચ્છ હાસ્ય ફિલ્મ બની હતી. (પણ રાબેતા મુજબ ફલોપ ગઈ હતી) નવકેતનની ફિલ્મોમાં હાસ્યની ઝલક રહેતી.

વાઈડ બોલ
“બોસ ન્યૂ યોર્કમાં ઘણા સરદારજી ટેક્સી ચલાવે છે...”

“એમાં શું? અમારે ત્યાં તો આખો દેશ સરદારજી ચલાવે છે.”

Sunday, November 27, 2011

ડાબા-જમણાનો ખેલ

ઋષિજનોએ કહ્યું છે કે જમણા હાથે કરેલું દાન (કે કામ) ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અધ્યાત્મના અભ્યાસમાં આગળ વધેલા કેટલાક ડોક્ટરોએ એક બાળ દર્દીનું જમણા હાથે કરવાનું ઓપરેશન ડાબા હાથે કરી નાંખ્યું. કોઈ પણ જાતની મોટાઈ દાખવ્યા વગર! જોગાનુજોગ એ બાળદિન હતો. જવાહરલાલ નેહરુનો આ જન્મદિન હતો. એ દિવસે નેહરુજી પહેલી વાર રડયા હતા. તો નેહરુના જન્મદિને એક બાળક પણ રડયું તો બાળદિન માટેની યોગ્ય ઘટના ગણાય!!

સિંદબાદ કહે છે કે જમણાને બદલે ડાબો એ નેહરુનીતિનો ભાગ છે. એટલે એ રીતે બાળદિનની યોગ્ય ઉજવણી પેલા ડોક્ટરોએ જાણે-અજાણે કરી છે. રાજગોપાલાચાર્ય કે અર્થશાસ્ત્રી મસાણી જેવા માનતા હતા કે ભારતે જમણેરી અર્થનીતિ અપનાવવી જોઈએ એને બદલે નેહરુજીએ ડાબેરી નીતિ અપનાવી પરિણામે પેલા બાળકની જેમ ભારત પણ રડયું. ઓપરેશન જ પ્રારંભથી ખોટું થયું.

જોકે, ડાબા- જમણામાં ભૂલચૂક થઈ જાય છે. એક મિત્રે એમના બચપણના અનુભવને યાદ કરતાં કહ્યું હું નાનો હતા ત્યારે ડાબા-જમણામાં ભૂલ કરતો ત્યારે મારી મમ્મી મને હાથ ઉપર વેલણ ફટકારતી, ડાબા હાથ ઉપર વેલણ પડે એટલે હું ભૂલ સુધારી જમણા હાથથી જમવાનું શરૂ કરતો. જો ઓપરેશન કરનાર ડોક્ટરની મમ્મી પણ ઓપરેશન થિયેટરમાં વેલણ સાથે હાજર હોત તો ખોટા હાથ તરફ ડોક્ટરની કાતર જાત કે મમ્મી

વેલણ ફટકારત.
સાહિત્યના અભ્યાસી એક મિત્ર કહે છે કે કાકાસાહેબ કાલેલકર જો ઓર્થોપેડિક સર્જ્યન હોત તો તેમનાથી પણ આ ભૂલ તો થઈ હોત. કાકાસાહેબ કાયમ ડાબા-જમણામાં ભૂલ કરતા હતા. એમની સ્મરણયાત્રામાં નોંધાયેલું છે. એટલે ડોક્ટરો મહાવિદ્વાનની હરોળમાં છે તેમ સમજવું!

લગભગ પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં વડોદરામાં એક કંપનીના કર્મચારીને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. ડોક્ટરે એના ડાબા પગે પ્લાસ્ટર પણ કરી નાંખ્યું. પછી ખબર પડી કે લોચો વાગ્યો છે. કોકે પેલા કર્મચારીને પૂછયું, ‘‘અલ્યા તને પણ ખબર ન પડી કે તારા ખોટા પગે પ્લાસ્ટર થઈ

રહ્યું છે.”
ત્યારે પેલા દર્દીએ ગંભીર થઈ જવાબ આપ્યો, “સાબ મૂઝે ક્યા માલૂમ? મેડિકલ સાયન્સને તરક્કી કી હો કે રાઇટ લેગ કા ફ્રેક્ચર કે લીયે લેફટ લેગ મેં પ્લાસ્ટર કરતે હો શાયદ!”

***
વિક્રમાદિત્યને વૈતાલ સવાલ કરે છે. જમણાને બદલે ડાબા હાથમાં સળિયો ફિટ થઈ ગયો, તે કિસ્સામાં સારવારનું બિલ ચૂકવે તો કોણ ચૂકવે?

વિક્રમાદિત્યે જરા પણ ખચકાયા વગર કહ્યું “વૈતાલ, બિલ તો બાળકનાં સગાંવહાલાંએ ભરવું જ પડે.”

“રાજા કહે, ખોટા હાથમાં ઓપરેશન કરવા છતાં?”

“ઓપરેશન ખોટા હાથમાં હતું, પણ સળિયો તો સાચો હતોને! લોખંડના ભાવ તું જાણે છે?”

“પણ રાજા ખોટા ઓપરેશન માટે...?”

“વૈતાલ, દર્દી સાચો હતો, ડોક્ટર પણ નકલી પોલીસ જેવો ન હતો એટલે હોસ્પિટલે બિલ તો લેવું પડે.”

“રાજન્ તમે ઉદારતાથી આ બધું વિચારો છો!”

“ના વૈતાલ, હું માનવ સ્વભાવથી વિચારું છું. ક્યારેક બેન્કનો કલાર્ક એકના ખાતાને બદલે બીજાના ખાતામાં પૈસા ઉપાડી લે છે. ક્યારેક પોસ્ટમેન છગનને બદલે મગનને ત્યાં કાગળ પહોંચાડે છે, ક્યારેક કવિ, છંદ બહાર કવિતા લખી નાંખે છે, કામ કામને શીખવાડે, આ ડોક્ટરો થોડા વખતમાં સાચા હાથનું ઓપરેશન કરતા શીખી જશે.”

વૈતાલને પણ જવાબની ગડ ન બેઠી.

***
ડાબુ જમણું સમજવું બહુ અઘરું છે, મેં સિંદબાદને કહ્યું હતું કે ગલીમાં ડાબા હાથે ત્રીજે ઘરે આ આપી દેજે. મેં મારા ડાબા હાથથી ત્રીજું કહ્યું હતું તે તેના ડાબા હાથથી ત્રીજું ગણી બેઠો, થાપ ખાઈ ગયો. ડાબી બાજુ એટલે શું એ સમજવા માટે ઘણા રીક્ષા ડ્રાઇવર કે કાર ડ્રાઇવર થાપ ખાઈ જાય છે.

વાઇડ બોલ
લક્ષ્મણ બેટિંગમાં જતા પહેલાં બે વાર નહાય છે

અને ત્યારબાદ ઘણું ખરું હરીફોને નવડાવે છે.