Saturday, February 9, 2013

સોનિયા, મનમોહને ફરીથી ચીપેલાં પત્તાં...

‘તમે નવું શું કરવાના છો? એના એ જ ચહેરા છે તમારી પાસે...’ એક નેતાએ અમેરિકા પ્રેસિડેન્ટને કહેલું. ત્યારે તે અમેરિકન પ્રેસિડેન્ટે ખૂબ જ મશહૂર ઉક્તિ ચલણમાં મૂકી, ‘આઈ વિલ ગિવ ન્યુ ડીલ’. અમેરિકન પ્રમુખે ચોખવટ કરી કે બરોબર છે–એ જ પત્તાં છે. તેનાથી રમવાનું છે. પણ જો પત્તાં ચીપવામાં આવે તો બાજી નવી પડે છે. એ જ પત્તાંથી કોઇ સારી બાજી મળી શકે છે. પત્તાં ભલે એ જ રહ્યાં પણ ચીપવાથી બાજી નવી મળી શકે છે. હાલમાં મનમોહનસિંહ–સોનિયા ગાંધીએ ગંજીફો ચીપ્યો છે. પત્તાંની હેરફેર થઇ છે. ખબર નથી કે બાજી બદલાઇ છે કે નહિ. શશિ થરૂર, પત્તાં ચીપ્યાં તેમાં ફાવી ગયા છે. ભૂતપૂર્વ પ્રધાન હતા. હવે તેઓ વર્તમાન પ્રધાન થયા છે. થરૂર સરકારી કામે હવાઇ પ્રવાસ કરે ત્યારે એક્ઝિક્યુટિવ કલાસમાં ફરતા હતા. એક શુભ કે અશુભ સવારે સોનિયાજીએ હુકમ જારી કર્યો. પ્રધાનો હવેથી ઇકોનોમી કલાસમાં હવાઇ મુસાફરી કરશે. અમદાવાદમાં તમે શટલરિક્ષામાં બેસો તેવો પ્રવાસ ઇકોનોમી કલાસની હવાઇ મુસાફરીનો છે. શશિજીને આ આકરું લાગ્યું. તેઓ તો ચાંદીના ચમચા સાથે જન્મેલા. તેમણે ઇકોનોમી ક્લાસને નવું ટાઈટલ આપ્યું ‘ઢોરો કા ડિબ્બા’. હલચલ મચી ગઇ. સોનિયાજી પણ હવાઇ પ્રવાસમાં ઇકોનોમી ક્લાસમાં જતાં હોય તેવા ફોટોગ્રાફ્સ અખબારોમાં પ્રગટ થયા. પછી ઇકોનોમી ક્લાસની મુસાફરી ક્યાં હવાઇ ગઇ તે પ્રજાને ખબર નથી. કોઇ આરટીઆઇવાળાએ આ માહિતી પ્રગટ કરવી જોઇએ કે ખરેખર ઇકોનોમી કલાસમાં કેટલા પ્રધાન હવે ફરે છે. આ કારણે જ શશિની કળાનો લય થઇ ગયો. એ પૂનમના ચંદ્ર હતા(શશિ) તેમાંથી અમાસનો ચંદ્ર થઇ ગયા. ફરી પાછી શલ્યામાંથી અહલ્યા થઇ છે. ફેંકાઇ ગયેલા શશિ થરૂરને ફરી પ્રધાન બનાવાયા છે. કારણો ખબર પડી નથી. શું તેમણે સોંગદનામું રજૂ કર્યું હશે કે તેઓ ઇકોનોમી કલાસમાં જ ફરશે! કે હવે તે સરકારી ખર્ચે હોટેલમાં નહિ રહે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે.તમને યાદ હશે તેમના સિનિયર શ્રીકૃષ્ણા અને શશિસાહેબના બંગલા રિપેર થતા હતા એટલે બંને મહાનુભાવો સરકારના ખર્ચે હોટેલમાં રહેતા હતા. જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ હતો. પણ હો-હા થઇ એટલે શ્રીકૃષ્ણાએ લાજ બચાવવા કે ખુરશી બચાવવા કહ્યું કે હોટેલનો ખર્ચો તો મારો જમાઇ ચૂકવવાનો છે. મહાભારતકાળમાં કૃષ્ણએ ચિરહરણ અટકાવ્યું હતું. આ કાવ્યમાં જમાઇએ કૃષ્ણાનું ચિરહરણ થતું અટકાવ્યું ત્યારે શ્રીકૃષ્ણાની ખુરશી અને લાજ બંને બચી ગયાં હતાં. પણ આ વખતે શ્રીકૃષ્ણાને રૂખસદ આપી દેવામાં આવી છે. એમની જગ્યાએ ખુરશી વિદેશમંત્રી થયા છે. જેમનું નામ પૂરી આલમમાં બખેડા માટે જાણીતું થયેલું. કેટલાક લોકોને ખબર નથી પડી કે, જેઓ ચોખ્ખા ન હતા તેઓને કેમ બઢતી આપવામાં આવી છે? શશિ થરૂર જો કે કાબેલ વ્યક્તિ છે તેને કયાં ધોરણે પાછા બોલાવ્યા છે? મિત્રો, આમાં કોઇ ધોરણ નથી. એ તો રાજાને ગમે તે રાણી. તેમ રાણી(સોનિયાજી)ને ગમે તે પ્રધાન. આ ધાંધલ-ધમાલમાં જયપાલ રેડ્ડી પણ ફંટાઇ ગયા છે. કોઇ વાંકગુના વગર તેમનું ખાતું બદલી નાંખવામાં આવ્યું છે. ગઇકાલ સુધી તેઓ પેટ્રોલિયમમંત્રી હતા, હવે તે વિજ્ઞાનના મંત્રી છે. સમાચાર પ્રમાણે જયપાલ રેડ્ડી, ખાતું બદલાય તે માટે ‘રેડી’ ન હતા. પણ તેમને સમજ આવી ગઇ. ઉત્તર ભારતમાં એક કહેવત છે ‘ચાહે તનખા દસ કમ કર દો, મગર નામ દરોગા રખ દો’. તમે દરોગા હો એ જ મોટી વાત છે. તમે આ ખાતાના પ્રધાન હો કે તે ખાતાના પ્રધાન હો શો ફેર પડે છે? લાલ લાઈટવાળી ગાડી બંને ખાતાંમાં છે, બંગલો છે, સગવડો છે, પછી ખાતું કયું છે એ પૂછવાની શી જરૂર? જયપાલ રેડ્ડીને છેવટે ડહાપણની દાઢ ઊગી છે. (વાઈઝ કાઉન્સેલ પ્રિવેલ્સ)–ઘીના ઠામમાં ઘી થઇ ગયું છે. મનમોહનસિંહે આગામી ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પરિવર્તન છે એમ કહ્યું છે. ગુજરાતને તેમાં અપેક્ષા મુજબનું સ્થાન ન મળવાથી સાંત્વના શોધતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હવે પછીની ફેરબદલમાં ગુજરાતને ઘણું સ્થાન અપાશે. વડાપ્રધાન કરતાં પણ મોટી વાત તેમણે કહી–કદાચ સોનિયાજીને મળી લીધું હશે......!!!

No comments: