Saturday, February 9, 2013

આબુવાલાને એવરેસ્ટવાળા કહી શકો

આપણા કેટલાય કવિઓ સાંભળવા ખૂબ ગમે. રમેશ પારેખ સદા છવાઇ જતા. જલન ખતરી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. અનિલ જોષી કે વિનોદ જોષી, આ જોષી કવિની કુંડળીમાં રાજયોગ છે. શ્રોતાનાં દિલ ઉપર રાજ કરે છે. આપણા એક અલગ પડતાં કવિ હતા શેખાદમ આબુવાલા. તેઓ અદ્દભુત કવિ હતા. સરસ કોલમલેખક પણ હતા. હોઠ ઉપર સદા રમતું હાસ્ય અને વાતવાતમાં આવતી તેમની રમૂજથી તે છવાઇ જતાં. કવિ તરીકે અદ્દભુત હતા અને માણસ તરીકે પણ અદ્દભુત હતા. આબુવાલાની સરળતા સદા યાદ રહે. આ કવિને મોટો ભિન્ન વર્ગ, દરેક વર્ગના તેમના મિત્રો હતા. લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો તેમના મિત્રો હોય જ પણ નવાસવા કલમ પકડેલા લેખકો પણ તેમના મિત્રો હતા. મોટા રાજકારણીઓ તેમના મિત્રો હતા. તો ચાની લારી ઉપર કામ કરતો 'ટેણી' પણ તેમનો મિત્ર હોય. આવા ટેણી સાથે પણ તે ટોળટપ્પાં કરતાં હોય. ભારતના વડાપ્રધાન બનેલા શ્રી વી.પી.સિંગ પણ તેમના ખાસ મિત્ર હતા. વી.પી.સિંગ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે શેખાદમને ઘેર તેની ખબર પૂછવા ગયા હતા. સિક્યોરિટીનો કાફલો જ્યારે તેની ગલીમાં ગયો, દેશના નાણાપ્રધાન તેને ઘેર ગયા, ત્યારે ખ્યાલ આવ્યો કે આ માણસે કેટલા લોકોનાં દિલ જીતી લીધાં છે. ગુજરાતના નાથ રહી ચૂકેલા માધવસિંહ સોલંકી પણ તેમના ખાસ મિત્ર હતા. અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ તેમના મિત્ર. જબરજસ્ત ગાયક મહંમદ રફી પણ તેમના મિત્ર. આબુવાલા જ્યારે જર્મનીથી ભારત આવે, મુંબઇ ઊતરે ત્યારે રફીના ઘેર ખાસ જાય. એની ઘણી વાતો પછી મિત્ર-વર્તુળમાં કરે. ગુજરાતી ફિલ્મઉદ્યોગોમાં પણ તે લોકપ્રિય. એકવાર લોકપ્રિય(તે વખતની) અભિનેત્રી અરુણા ઇરાનીએ શેખાદમને કહ્યું 'આદમ એક કવિએ સુંદરીના ગાલના તલ ઉપર રસમરકંદ-બુખારા ન્યોછાવર કરવાની વાત કરી હતી. તો તું મારા ગાલ ઉપરના આ તલ ઉપર શું ન્યોછાવર કરે છે? તુરત જ શેખાદમે કહ્યું 'હાલોલ અને કાલોલ'(ત્યાં ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં.) એકવાર રમેશ પારેખે અમને બંનેને અમરેલીનું આમંત્રણ આપેલું. સવારે મારું હળવી શૈલીનું પ્રવચન હતું, જ્યારે રાત્રે એક કવિસંમેલન હતું. જેનું સંચાલન આબુવાલા કરવાના હતા. કાર્યક્રમ શરૂ થયો. મહેમાન હોવાથી હું પહેલી હરોળમાં હતો. કવિસંમેલન શરૂ થતાં જ શેખાદમે કહ્યું 'પ્રથા તરીકે કવિ સંમેલન-મુશાયરાનું સંચાલન હાસ્યકારે કરવું જોઇએ. આજે આપણી સાથે નિરંજન ત્રિવેદી છે, તો સંચાલન પણ એ જ કરે! એમ કહી તેણે સંચાલન મને સોપી દીધું એ કવિ સંમેલનમાં પછી આદમે કવિ તરીકે ભાગ લીધો હતો. આ એની દરિયાદિલી હતી. શેખાદમે ઘણાં વરસો જર્મનીમાં ગાળ્યાં. ત્યાં રેડિયો ઉપર મોટી વ્યક્તિઓનાં ઇન્ટરવ્યૂ કરતાં, ભારતના ધૂંરધરોના તેમણે ત્યાં ઇન્ટરવ્યૂ કરેલાં. ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા. શેખાદમમાં દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી.ભારત પરત આવ્યા પછી એમણે અનેક દૈનિકોમાં 'કોલમ' લખી. આદમનો સ્વભાવ એટલો સરળ હતો કે તે કોઇ પણ પ્રકારની વ્યક્તિ સાથે ભળી જતા.હું એકવાર મારા પુત્ર સાથે બહાર જતો હતો. વળતાં મારા પુત્રને મે કહ્યું 'બાજુમાં મારા મિત્ર શેખાદમ આબુવાલા રહે છે, એને મળીને ઘેર જઇએ.' પુત્રને આ વાત પસંદ ન હતી. તે એની ચહેરા ઉપરની રેખાઓ કહેતી હતી. આબુવાલાને ઘેર અમે કલાક બેઠા. મારા પુત્ર સાથે શેખાદમે ઘણી વાતો કરી. અમે પણ ઘેર જતા હતા, ત્યારે મારો પુત્રે મને કહ્યું, 'પપ્પા આમને ઘેર ફરી આવો ત્યારે મને લેતાં આવજો.' આ શેખાદમની દરેક વયના માણસો સાથે ભળી જવાની ખૂબી હતી. એકવાર શેખાદમ શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઇથી દિલ્હી જઇ રહ્યાં હતાં. બાજુના પેસેન્જર સાથે વાતે વળગ્યા, પછી પેલાએ પૂછયું 'આપ કયા કરતે હૈં?' 'જી મે લિખતા હૂં.' આપણે ત્યાં ખ્યાલ છે કે કોઇ લેખક કવિ હોય પણ એણે કંઇક બીજું તો કરવું જ પડે એટલે સહપ્રવાસીએ પૂછયું, 'જી આપ લિખતે હૈં, મગર ઔર આપ ક્યા કરતે હૈં? 'મેં ઔર લિખતા હું ' હસતાંહસતાં શેખાદમે કહ્યું. ભલે તે આબુવાલા કહેવાતા હોય પણ તેની માનસિક હાઈટ એવરેસ્ટ જેટલી હતી.

2 comments:

gujaratilexicon said...

નમસ્કાર!
આપનો બ્લોગ ”નિરંજન ત્રિવેદી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Anonymous said...

સરસ! :)